બનાસકાંઠા, વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને મિશ્ર પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આ વીડિયોમાં તેઓ ઘૂંઘટ તાણીને (લાજ કાઢીને) સ્ટેજ પરથી ભાષણ આપી રહ્યા છે. દિયોદરના કોતરવાડા ગામે ગેનીબેન ઠાકોરનું સાસરું છે. સાસરિયામાં લાયબ્રેરીના ઉદ્ઘાટન પ્રસંગે તેઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન સમાજની સામાજિક પ્રથા અને વડીલોની મર્યાદા જાળવવા જાહેર મંચ પર તેમણે ઘૂંઘટ તાણીને જ ભાષણ આપ્યું હતું. ઘૂંઘટમાં ભાષણ આપતા તેમનો વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયામાં આ વીડિયોને મિશ્ર પ્રતિસાદ સાંપડી રહ્યો છે. જેમાં કેટલાક લોકો કહી રહ્યા છે કે, ધારાસભ્ય હોવા છતા પણ પોતાના આદર્શો મુલ્યો અને સંસ્કારોને ભુલ્યા નથી. આ સંસ્કારોની તેમને શરમ નહી પરંતુ ગર્વ છે. જ્યારે અન્ય કેટલાક લોકો કહી રહ્યા છે કે, મહિલા સશક્તિકરણની વાતો થઇ રહી છે, પરંતુ ધારાસભ્ય જેવડા મોટા પદ પર પહોંચવા છતા તેમણે પુરૂષ પ્રધાન માનસિકતાનો શિકાર બનવું પડે છે અને ઘુંઘટ તાણવો પડે છે.