ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ગીતોનું ખૂબ મહત્વ હોય છે. શરૂઆતના સમયમાં એક ફિલ્મમાં ઘણા બધા ગીતો સમાવવામાં આવતાં હતાં.ભારતના ફિલ્મ ઉદ્યોગની કમાણીની વાત કરીએ તો એ કમાણીમાં ચારથી પાંચ ટકા હિસ્સો આ ફિલ્મી ગીતોના બિઝનેસ દ્વારા મળતો હતો. વર્ષોથી અને આજે પણ ગીતો એ ફિલ્મના આકર્ષણનું માધ્યમ રહ્યું છે. આ ગીતો કઈ રીતે બને છે એ પણ જાણવા જેવી બાબત હોય છે. ઘણીવાર ગીત પહેલા લખાય છે અને એનું સંગીત પછી બને છે, જ્યારે ઘણી વખત સંગીતની તર્જ પહેલા બની જાય છે અને એના આધારે ગીતના શબ્દો લખાય છે. ઘણી વખત ખૂબ જ મહેનતના અંતે ગીત બનતું હોય છે તો ઘણીવાર ખૂબ જ સરળતાથી સહજતાથી વાત વાતમાં ગીત બની જતા હોય છે. ૧૯૫૫માં બનેલા એવા જ એક ગીત- રમૈયા વસ્તાવૈયા,જેને લતા મંગેશકર, મોહમ્મદ રફી અને મુકેશે ગાયું હત,ું અને રાજ કપૂર અને નરગીસ પર તેને ફિલ્માવવામાં આવ્યું હતું, તેમજ ખૂબ જ લોકપ્રિય થયું હતું.એની રચના પાછળની રસપ્રદ વાત આજે કરીએ.
‘રમૈયા વસ્તાવૈયા’ એ રાજ કપૂરની ફિલ્મ “શ્રી ૪૨૦” નું ખૂબ જ હીટ થયેલું ગીત છે. તેના શરૂઆતના શબ્દો તેલુગુ ભાષામાં છે.તેલુગુ શબ્દોથી હિન્દી ગીતની શરૂઆત થાય તે જે તે સમયે એક નવી બાબત હતી. આની પાછળ એક રસપ્રદ વાર્તા છે. રાજ કપૂરે આ ફિલ્મ ‘શ્રી ૪૨૦’નું નિર્માણ શરૂ કર્યું ત્યારે સંગીતની ટીમ ગીતો બનાવવા માટે ખંડાલા જતી હતી. સંગીતકાર બેલડીના શંકર અને જયકિશન, ગીતકાર શૈલેન્દ્ર વિગેરે ખંડાલાની આવી સફર દરમિયાન ચા-નાસ્તા માટે રસ્તાની બાજુની નાની હોટેલમાં રોકાયા. ત્યાં ‘રમૈયા’ નામનો તેલુગુ માણસ કામ કરતો હતો. શંકર તેની સાથે તેલુગુમાં વાત કરતાં અને તેને ચા નાસ્તાનો ઓર્ડર આપતાં.
શંકર તેલુગુ સારી રીતે જાણતા હતાં કારણ કે તેમના જન્મ બાદ હૈદરાબાદમાં રહ્યાં હતાં. આમ તો તે મૂળ ઉત્તર પ્રદેશના વતની હતાં.
હોટેલની આ સફરમાં શંકરે રમૈયાને ઓર્ડર લેવા માટે બોલાવ્યો તો રમૈયાએ તેમને રાહ જાેવા જણાવ્યું. કારણ કે તેને રેસ્ટોરન્ટના અન્ય ગ્રાહકોને પણ સંભાળવાના હતાં. તેના આવવામાં થોડો વિલંબ થયો હોવાથી શંકર થોડા અધીરા થઈ ગયા અને રમૈયાને ઝડપથી આવવાનું કહેતા “રમૈયા વસ્તાવૈયા” “રમૈયા વસ્તાવૈયા” બોલવા લાગ્યાં. તેમના શબ્દો પર જયકિશન સર્વિંગ ટેબલ પર તબલાંનો અવાજ કરવા લાગ્યાં અને આમ જ પુનરાવર્તન ચાલુ રાખ્યું.
થોડી વાર પછી આ પુનરાવર્તનથી જયકિશન કંટાળી ગયા અને શંકરને કહ્યું,“બસ આટલું જ, આનાથી વધુ કંઈ નહીં ?” પછી શૈલેન્દ્રએ તરત જ ઉમેર્યું “મૈંને દિલ તુજકો દિયા”. તેઓ બધા રમૈયાના આવવાની રાહ જાેઈ રહ્યાં હતાં. જ્યારે બંને પંક્તિઓ એકસાથે ગાઇ ત્યારે તેમને લાગ્યું કે જાે તેને આગળ ચાલુ રાખવામાં આવે તો એક ગીત બની શકે છે. થોડી વારમાં રમૈયા આવ્યો, ઓર્ડર લીધો અને જમ્યાં. આ પંક્તિઓ અને તેની ધૂન આ લોકોના મનમાં ઘુમવા લાગી. જ્યારે આ પંક્તિઓ અને સૂરો રાજ કપૂરને સંભળાવવામાં આવ્યાં ત્યારે તે ખૂબ જ પ્રભાવિત થયા, અને આ શબ્દો અને તર્જનો સ્વીકાર કર્યો અને તેને અનુરૂપ એક પરિસ્થિતિ ઊભી કરી અને આ પંક્તિઓને અકબંધ રાખીને ગીત લખવામાં આવ્યું. તે લાઈન બદલવા માંગતા હતા. “રમૈયા વસ્તાવૈયા”ના બદલે કેટલાક હિન્દી શબ્દોનો પ્રયત્ન કરી જાેયો પરંતુ કોઈ યોગ્ય લાઈન ના મળી. અને તેને બદલવાની કોઈની ઈચ્છા નહોતી. તેથી હિન્દી દર્શકોને તેનો અર્થ ન સમજાય તો પણ તેના મૂળ તેલુગુ શબ્દો જાળવી રાખ્યાં. આ ગીત સુપરહિટ થયું હતું અને હિન્દી ફિલ્મ સંગીતના શ્રેષ્ઠ ગીતોમાંનું એક ગણાય છે.અને તે વખતે તો ઠીક, આજના દર્શકોને પણ તે ગીતની મીઠાશ લાગે છે અને આ સુપર હિટ ગીત એટલું જ પ્રિય લાગે છે.