વાપી-
વલસાડ- વાપી-ચલા પોલીસ સ્ટેશનના સબ-ઈન્સ્પેક્ટર પી.એલ.દાફડા રવિવારના રોજ એક લાખ રુપિયાની રકમ લાંચ તરીકે લેતા ઝડપાયા હતા. આ વાત સામે આવ્યા પછી પોલીસ કર્મચારીઓમાં ખડભડાટ મચી ગયો છે.
ઘટનાની વિગતવાર વાત કરીએ તો, વાપીની એક મેડિકલ એજન્સીમાં કામ કરતા કર્મચારીએ મિત્ર સાથે ભાગીદારીમાં મેડિકલનો હોલસેલનો ધંધો શરૂ કરવાનું નક્કી કર્યુ હતું. આ ડીલમાં રૂપિયાની લેવડદેવડમાં ભાગીદાર મિત્ર સામે ફરિયાદ નોંધવાની હતી, જે માટે પીએસઆઈ દાફડાએ લાંચની માંગણી કરી હતી. પીએસઆઈએ મેડિકલ એજન્સીના ભાગીદાર વિરુદ્ધ ફરિયાદ નોંધવા માટે પાંચ લાખની માંગણી કરી હતી અને ચાર લાખ વસૂલ કર્યા હતા.રવિવારના રોજ પીએસઆઈ એક લાખનો છેલ્લો હપ્તો લઈ રહ્યા હતા, જે લેવા જતાં જ એન્ટી કરપ્શન બ્યૂરોની જાળમાં ફસાઈ ગયા અને રંગે હાથ ઝડપાઈ ગયા. આ સમગ્ર ઓપરેશન વલસાડ-ડાંગના એ.સી.બી. પોલીસ ઈન્સ્પેક્ટર કે.આર. સક્સેના અને તેમના કર્મચારીઓએ પાર પાડ્યુ હતું. તેમણે પી.એલ.દાફડા વિરુદ્ધ આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ ઓપરેશનને પાર પાડવા માટે અધિકારી એન.પી.ગોહિલ, મદદનિશ નિયમાક, એ.સી.બી. સુરતનું માર્ગદર્શન મેળવવામાં આવ્યુ હતું. ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા માટે તૈનાત પોલીસ કર્મચારી આ રીતે લાંચ જેવો મોટો ગુનો કરતા પકડાતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.