વડોદરા-
જમીન મિલ્કત અને કોર્ટ કચેરીના કેસમાં ઝડપથી ઝડપથી ચુકાદો આવે અને પોતાનાં પક્ષે આવે તેવી લાલચ આપીને લોકો સાથે ઠગાઇ કરનારા 2 તાંત્રીકોને વડોદરા SOG દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ઠગોએ છાણીનાં એક વ્યક્તિ પાસેથી મિલ્કતના ઝગડાની ઝડપી પતાવટ થાય તે માટે 17.40 લાખ રૂપિયા પડાવ્યા હતા.
મળતી માહિતી મુજબ SOG એ બાતમીનાં આધારે દરોડા પાડીને વડોદરામાં વિધિ કરવાનાં નામે ઠગાઇ કરતા ભાવનગરનાં નાના જાદરા ગામના વિનોદ બાબુભાઇ જાની, બગદાણાના રહેવાસી રવિ બાબુભાઇ જોશીની જેતલપુર નાકા પાસેથી ઝડપી લીધા હતા. તેની પાસેથી 10 યંત્ર, વિવિધ પુજા માટેની સામગ્રી અને ગાડી સહિત તુલ 10,10,500 રૂપિયાનો મુદ્દામાલ કબ્જો કર્યો છે.
છાણી જકાતનાકા પાસે રહેતા અરવિંદભાઇ પટેલને કૌટુમ્બિક મિલ્કત માટે ઝગડો ચાલતો હતો. 20 દિવસ પહેલા ભેજાબાજોએ અરવિંદ પટેલને મિલ્કતનો કેસ જીતાડવાનો વિશ્વાસ અપાવીને 17,40,000 રપિયા પડાવ્યા હતા. ત્યાર બાદ આજે વડોદરા એસઓજી દ્વારા ગોઠવવામાં આવેલા છટકામાં ઝડપાઇ ગયા હતા. હાલ તો એસઓજી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે વિગતે પુછપરછમાં મોટા ખુલાસાઓ થઇ શકે છે.