વડોદરા-
વડોદરાના છાણી વિસ્તારમાં આવેલા રેલવેના છાયાપુરી સ્ટેશન પર રુફ ટોપ સોલર પેનલ કાર્યરત કરવામાં આવી છે.આ પેનલ થકી છાયાપુરી સ્ટેશનની ૩૦ ટકા વીજ જરૃરિયાત પૂરી થશે.
મળતી માહિતી મુજબ રેલવે દ્વારા સ્ટેશનોની છત પર સોલર પેનલ લગાડવા માટેના પ્રોજેક્ટ અલગ અલગ જગ્યાએ હાથ ધરવામાં આવ્યા છે.જેમાં છાયાપુરી સ્ટેશનનો પણ સમાવેશ થાય છે.સ્ટેશનની છત પર લગાડાયેલી પેનલ થકી રોજ ૮૦ યુનિટ વીજળી ઉત્પન્ન થઈ શકશે.
જેના કારણે હાલમાં જે પરંપરાગત વીજળી પૂરવટો વપરાય છે તેમાં વર્ષે ૨૯૦૦૦ યુનિટની બચત થશે અને વીજ બિલમાં વર્ષે ૨.૧૨ લાખ રુપિયાનો ઘટાડો થશે.પેનલની ક્ષમતા ૧૮ કિલો વોટની છે અને પેનલ નાંખવા માટે ૭.૧૬ લાખ રુપિયાનો ખર્ચ થયો છે.પેનલની સાથે સાથે વડોદરા રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ૬ પર મોડયુલર ટોયલેટ બ્લોક પણ ઉભા કરવામાં આવ્યા છે અને રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાનો માટે પ્રતાપનગર ખાતેના રેલવે હેડ ક્વાર્ટરમાં રેલવે પ્રોટેકશન ફોર્સના જવાનો માટે એક બેરેકનુ પણ નિર્માણ કરાયુ હોવાનુ વડોદરા રેલવે ડિવિઝનના સૂત્રોએ કહ્યુ હતુ.આ બંને સુવિધાઓનુ આજે લોકાપર્ણ કરવામાં આવ્યુ હતુ.