પાલિકાના પાપો સામે વડોદરાનું પૂણ્ય ફળ્યું : પૂરનું સંકટ ટળ્યું

વડોદરા, તા.૧૬ 

વડોદરા શહેર-જિલ્લામાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદ વરસતાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. પરંતુ શનિવારે સાંજથી છૂટોછવાયા હળવા વરસાદને બાદ કરતાં વરસાદે વિરામ લેવાની સાથે આજવાના દરવાજા ર૧૨ ફૂટે સેટ કરાતાં ભયજનક સપાટી નજીક પહોંચેલી વિશ્વામિત્રી નદીની સપાટીમાં પણ આજે સવારથી ઘટાડો શરૂ થતાં હાલના તબક્કે પૂરનું સંકટ ટળતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

વડોદરા શહેર-જિલ્લામાં બુધવારથી શરૂ થયેલ એકધારો બેઠો વરસાદ સતત શનિવાર સાંજ સુધી વરસતો રહેતાં આજવા સરોવરની સપાટી ૨૧૧ ફૂટને વટાવતાં ઓવરફલો થઈ હતી. સતત વરસી રહેલા વરસાદ અને આજવામાંથી પાણી છોડાતાં શહેરની મધ્યમાંથી વહેતી વિશ્વામિત્રી નદીની સપાટી કૂદકે ને ભૂસકે વધતાં શહેરમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. જાે કે, શનિવારે બપોરે આજવાની સપાટી ૨૧૧.૬૫ ફૂટે પહોંચતાં તેમજ વિશ્વામિત્રી નદીની સપાટી ૨૨ ફૂટ ઉપર પહોંચી સતત સપાટીમાં વધારો થતાં આજવાના ૬૨ દરવાજા શનિવારે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ ૨૧૧ ફૂટેથી ૨૧૨ ફૂટે સેટ કરાતાં આજવાનો ઓવરફલો બંધ થયો હતો. પરંતુ પ્રતાપપુરા અને આસપાસનો વિસ્તાર ઉપરાંત વડોદરામાં વરસી રહેલા વરસાદને પગલે વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો યથાવત્‌ રહ્યો હતો અને કારેલીબાગ જલારામનગર, પરશુરામ ભઠ્ઠો, વડસર ગામ અને કલાલી ગામના કેટલાક વિસ્તારોમાં નદીના પાણી પ્રવેશતાં લોકો મુશ્કેલીમાં મુકાયાં હતાં. 

શનિવારે રાત્રે ૮ વાગે વરસાદના વિરામ સાથે વિશ્વામિત્રી નદીની સપાટી ૨૩.૭૫ ફૂટે પહોંચ્યા બાદ સ્થિર થઈ હતી જે સવારે પાંચ વાગ્યા સુધી એટલે કે, ૮ કલાક સ્થિર રહ્યા બાદ આજે સવારે ૬ વાગ્યાથી વિશ્વામિત્રી નદીની સપાટીમાં ઘટાડો શરૂ થતાં તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો. આજે પણ દિવસ દરમિયાન હળવા છૂટાછવાયા વરસાદને બાદ કરતાં મેઘરાજાએ વિરામ પાળ્યો હતો. જેથી વિશ્વામિત્રી નદીની સપાટીમાં ઘટાડો જારી રહેતાં જે વિસ્તારમાં નદીના પાણી પ્રવેશ્યાં હતાં તે વિસ્તારોમાંથી પાણી ઓસરવાની શરૂઆત થતાં લોકોએ રાહત અનુભવી હતી.

આજવા સરોવરની સપાટી ૨૧૨ ફૂટ બાદ હાલ જેટલો વરસાદ થઈ રહ્યો છે અને પાણી આવી રહ્યાં છે તેમાં ઓવરફલો પણ ઘટયો છે. જિલ્લા પૂર નિયંત્રણકક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ સાંજે ૭ વાગે આજવાની સપાટી ૨૧૨ ફૂટ અને વિશ્વામિત્રી નદીની સપાટી ૨૧ ફૂટ નોંધાઈ હતી. આમ બે દિવસથી ઓવરફલો થતાં આજવા સરોવરના દરવાજા ૨૧૨ ફૂટ પર સેટ કરાતાં વિશ્વામિત્રીમાં છોડવામાં આવતું પાણી બંધ કરી દેવાતાં હાલ પૂરતું વડોદરા શહેર પર પૂરનું સંકટ ટળ્યું છે.જ્યારે વડોદરા જિલ્લાના દેવડેમમાંથી પાણી છોડવામાં આવતાં ઢાઢર નદીની સપાટીમાં વધારો થયો હતો. જેથી નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી હતી. જાે કે, વરસાદના વિરામના કારણે ઢાઢર અને જાંબુઆ નદીની સપાટીમાં પણ ઘટાડો થતાં પૂરનો ભય ટળ્યો છે.

રાત્રે ૯ વાગે નદી, તળાવ, ડેમની સપાટી

નદી, તળાવ, ડેમ ભયજનક સપાટી રાત્રે ૯ વાગે સપાટી

• નર્મદા ડેમ ૧૩૮.૬૮ મી. ૧૨૦.૯૪

• દેવડેમ ૯૦.૧૫ મી. ૮૮.૧૧

• વઢવાણા તળાવ ૫૫.૬૩ મી. ૫૪.૮૯

• મહી વિયર ૧૪.૦૦ મી. ૯.૧૦

• આજવા સરોવર ૨૧૪.૦૦ ફૂટ ૨૧૨.૦૫

• વિશ્વામિત્રી નદી ૨૬ ફૂટ ૨૦.૭૫

• પ્રતાપપુરા ૨૨૯.૫૦ ફૂટ ૨૨૩.૫૦

• ઢાઢર નદી ૧૦.પ મી. ૫.૯૦

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution