લોકસત્તા વિશેષ : વડોદરા મ્યુ. કોર્પોરેશનમાં સળંગ પાંચમીવાર ૨૦૧૫માં સત્તા પર આવેલા ભાજપના વર્તમાન બોર્ડની પાંચ વર્ષની મુદ્દત આવતીકાલે સત્તાવાર રીતે પુરી થાય છે. ચૂંટાયેલી પાંખની વિદાય સાથે જ આવતીકાલે વહીવટદાર તરીકે મ્યુ. કમિશનર ચાર્જ સંભાળી લેશે. ત્યારે ભાજપના શાસકોએ છેલ્લા પાંચ વર્ષમાં વડોદરાની પ્રજાને નવું શું આપ્યું તેનો જવાબ લોકો માંગી રહ્યા છે. કોર્પોરેશનના વહીવટની વાત કરવામાં આવે તો ભાજપના વર્તમાન શાસકોએ છેલ્લા પાંચ વર્ષમાં સ્માર્ટ સીટીના નામે સ્માર્ટ ભ્રષ્ટાચાર આપ્યો હોવાની બૂમો પડી છે. તો વડોદરાના નાગરીકોને એક ટાઈમ શુધ્ધ પાણી પુરતા દબાણથી આપવામાં પણ સફળ રહ્યા નથી. શહેરમાં ઠેર ઠેર રખડતા ઢોરની સમસ્યા જૈસે થે છે. પહોળા રસ્તાના નામે ગાબડાઓ અને ભૂવાવાળા રસ્તા આપ્યા. શહેરમાં ટ્રાફિકની સમસ્યાનું કાયમી નિરાકરણ કરવા માટે લારી ગલ્લા માટેની નિતિ નક્કી કરવાની વાતો પણ કાગળ પર જ રહી છે. ત્યારે કોર્પોરેશનની એ.સી. ચેમ્બરોમાં બેસી પ્રજાના હિતના કેટલા નિર્ણય કરવામાં આવ્યા તેનો હિસાબ ચુંટાયેલી પાંખે તેમાં પણ ખાસ કરીને મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષે પ્રજા સમક્ષ રૂબરૂ થઈને આપવો જાેઈએ. પરંતુ પ્રજાએ જેઓને ખોબે ખોબા મત આપીને તેમના હિતની અને સુવિધાની ચિંતા કરવાની જવાબદારી સોંપી હતી તે મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ નોકરીમાંથી નિવૃતિ લઈ ઘરે જતા સરકારી અમલદારોની જેમ સરકારી સુવિધાઓ પરત સોંપી ઘરની વાટ પકડી ચૂપ ચાપ ઘરે જતા રહ્યા છે. જાેકે જતા જતા સ્થાયી સમિતિના અધ્યક્ષે એક સ્વીકાર કર્યો હતો કે છેલ્લા અઢી વર્ષમાં તેઓ કોઈ નવો પ્રોજેક્ટ કરી શક્યા નથી. ત્યારે તેઓએ કરેલી આ વાત સત્તા પરથી ઉતરતી વખતે જ કેમ? પ્રતિ વર્ષ તૈયાર થતા બજેટમાં જાહેર કરવામાં આવેલી મોટી મોટી વાતો શું પ્રજાની આંખમાં ધૂળ નાંખવા માટે હતી? તેની પણ તેઓએ સ્પષ્ટતા કરવી જાેઈએ. સ્થાયી સમિતિ અધ્યક્ષે તો કાંઈક કહેવાની હિંમત કરી પરંતુ નિવૃતી તરફ આગળ વધી રહ્યા હોય તેવા મેયરના છેલ્લા અઢી વર્ષના શાસનમાં વડોદરાને કોઈ નવી દિશા કે વડોદરાના નાગરીકો માટે લાંબા ગાળાનું આયોજન કરતા પ્રોજેક્ટનો વિચાર સુધ્ધાં જાહેર કરવામાં આવ્યો નથી. ભાજપનું આ પાંચ વર્ષનું શાસન કેવું તેની માટે વડોદરાની પ્રજાએ જાતે જ નક્કી કરવું જાેઈએ બાકી તો રામ નામ અને મોદી જાપના સહારે વડોદરા ભાજપના અનેક પથ્થરો હાલ પુજાઈ રહ્યા છે.
વડોદરા તો શાંઘાઈ ન બન્યું પરંતુ કેટલાક નેતાઓના ઘર શાંઘાઈ બની ગયા
૨૦૧૦ની કોર્પોરેશનની ચૂંટણીમાં પ્રચાર અર્થે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરાને શાંઘાઈ બનાવવાની વાત કરી હતી. પરંતુ ભાજપના શાસનકાળમાં વડોદરાનો વિકાસ શાંઘાઈ જેવો તો ન થઈ શક્યો પરંતુ ભાજપના કેટલાક નેતાઓના ઘર શાંઘાઈ જેવા ચોક્કસ બની ગયા તેવી ચર્ચા ખુદ ભાજપમાં ચાલી રહી છે. વડોદરા શહેર ભાજપમાં સંગઠન અને ચૂંટાયેલા નેતાઓ વચ્ચેની હૂંસાતુસી હોય કે પછી જુથબંધીમાં ઘેરાયેલી શહેર ભાજપના મોટા નેતાઓ હોય, વિકાસની વાતની ચર્ચા કરવાના બદલે એક બીજાને પ્રદેશ નેતાગીરીની નજરમાં પાડી દેવાના ખેલમાં જ અત્યાર સુધી રચ્યાપચ્યા રહ્યા જેનો ભોગ વડોદરાના નાગરીકો બન્યા છે.
૫ વર્ષ નહીં પણ ૨૫ વર્ષનો હિસાબ આપવો જાેઈએ
કોઈ પણ શાસનના સત્તાધીશોની વિદાય થાય ત્યારે તેમના સત્તાકાળના ૫ વર્ષના કામોના હિસાબની વાત કરવામાં આવતી હોય છે. પરંતુ વડોદરા શહેરમાં સત્તા ભોગવતી ભારતીય જનતા પાર્ટીનું શાસન ૫ વર્ષ નહીં પરંતુ ૨૫ વર્ષ પુરા કરી રહ્યું છે. ૧૯૯૫થી વડોદરા મ્યુ. કોર્પોરેશનમાં એકહથ્થુ સત્તાના સુત્રો સંભાળનાર ભારતીય જનતા પાર્ટી પર આંખો બંધ કરી વિશ્વાસ મુક્યા બાદ ભાજપે પસંદ કરેલા મુરતીયાઓએ વડોદરાના મતદારોને શું પરત આપ્યું તે પણ સમજવા જેવું છે. વિકાસ આંખો દેખ્યો સારો કે અનુભવ્યો તે પણ મોટો સવાલ છે. માટે જ ભાજપે વડોદરાની જનતાને ૫ વર્ષનો નહીં પરંતુ તેમના ૨૫ વર્ષના શાસનનો હિસાબ આપવો જાેઈએ.
તળાવો સુધાર્યા પરંતુ વિશ્વામિત્રી નદીની વાત ભૂલાઈ
વડોદરા શહેરની ટોપ ૫ સમસ્યાઓની વાત કરવામાં આવે તો તેમાં પ્રથમ ક્રમે વિશ્વામિત્રી નદી આવે છે. ચોમાસામાં આવતા પુરની સાથે બાકીના આઠ મહિના ગંદકીના કારણે ફેલાતા મચ્છરનો ત્રાસ અસહ્ય થઈ રહ્યો છે. પરંતુ વિશ્વામિત્રી નદી માટે સરકારમાંથી પ્રોજેક્ટ મંજુર કરાવવા માટેની મહેનત કરવા ભાજપનો એક પણ નેતા તૈયાર નથી. જાેકે વિશ્વામિત્રીના કેચમેન્ટ ગણાતા શહેરના તળાવોને સુંદર બનાવવાનું એક આંખે દેખ્યું કામ ભાજપના શાસકો કરવામાં સફળ રહ્યા છે.પણ તેમા પણ પક્ષના મોટામાથાઓના મત વિસ્તારમાં આવા કામો કરાઈ તેમની સિધ્ધિ ગણાવવાના તખ્તા જ તૈયાર કરાયાની લાગણી ખુદ ભાજપાના સમર્પિત કાર્યકરોમાં પ્રવર્તી રહી છે.