વડોદરા, તા.૧૨
છોટાઉદેપુરના બોડેલી અને સંખેડામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ અને આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ છે, જિલ્લાની મોટાભાગની નદીઓ ગાંડીતૂર બની છે, ત્યારે આ સ્થિતિને પહોંચી વળવા માટે વડોદરા શહેરથી ફાયરબ્રિગેડની બે ટીમ બોડેલી અને સંખેડામાં બચાવ અને રાહત કામગીરી માટે તહેનાત કરવામાં આવી છે. બોડેલીમાં તહેનાત વડોદરા ફાયર બ્રિગેડમાં સબ ઓફિસરે જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસથી અમારી એક ટીમ બોડેલીમાં ફરજ પર છે. ગત મધરાત્રે અમને કોલ મળ્યો હતો કે મુસાફરો ભરેલી એક મિમિ બસ નાની બુમડી ગામ પાસે પૂરના પાણીમાં ફસાઇ છે, જેથી ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જ્યાં પૂરના પાણીમાં ફસાયેલી બસને દોરડાથી બાંધીને બસમાંથી ડ્રાઇવર સહિત ૨૫ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. મિનિ બસમાં આ મુસાફરો મધ્યપ્રદેશથી અમરેલી જઈ રહ્યા હતા. ઉપરાંત વડોદરા ફાયર બ્રિગેડની બીજી એક ટીમ સંખેડામાં તહેનાત કરાઈ છે. જ્યાં સંખેડાના માલપુર ગામમાં પૂરના પાણીમાં ફસાયેલા ૨૫ લોકોને મોડી રાત્રે રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.
સંત કબીર રોડ પર હનુમાનજીનું મંદિર ધરાશાયી
સંતકબિર રોડ પર આવેલ હનુમાનજી મંદિરની બાજુમાં આવેલ ઘરની દિવાલ મંદિર પર ધરાશયી થતા મંદિરની છત સહિત મુર્તિને પણ નુકશાન થયું હતું.થોડા દિવસ અગાઉ પાલીકા દ્વારા મકાન માલિકને મકાન જર્જરીત હાલતમાં હોવાથી કોઈ જાન હાનિ ન થાય તે માટે નોટીસ પણ પાઠવવામાં આવી હતી. તે છતાં પણ મકાન માલિકની બેદરકારીને કારણે મકાનની દિવાલ ધરાશાયી થતા હનુમાનજીની મુર્તિ પણ ખંડિત થઈ હતી. તે સિવાય મંદિરની છત્ત સહિતનો ભાગ મુખ્ય માર્ગ પર પડતા વાહનચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.