વડોદરા-
વડોદરામાં બે જૂથ સામસામે આવી જતા જૂથ અથડામણ અને ફાયરિંગની ઘટના સામે બની છે. આ ઘટનામાં ચાર રાઉન્ડ ફાયરિંગ થયું હોવાની માહિતી મળી રહી છે. આ ઘટના ભરવાડ અને મુસ્લિમ સમાજના લોકો સામસામે આવી ગયા હોવાના કારણે જૂથ અથડામણ થયું હોવાનું સામે આવી રહ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ ઘટનામાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું પણ સામે આવી રહ્યુ છે.
મળતી માહિતી મુજબ વડોદરાની દુમાડ ચોકડી પાસે મુસ્લિમ અને ભરવાડ સમાજ આમને સામને આવી જતા જૂથ અથડામણની ઘટના બની હતી. આ જૂથ અથડામણમાં ફાયરિંગ થયું હોવાની ઘટના પણ સામે આવી રહી છે. ઘટનામાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે અને ઘટનામાં ચાર રાઉન્ડ ફાયરિંગ થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. ઘટનાને પગલે રસ્તા પર લોકોના ટોળા ઉમટયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને મામલો થાળે પાડયો હતો. આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા 5 લોકોને પોલીસ દ્વારા 108 બોલાવીને સારવાર અર્થે વડોદરાની SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ કયા કારણે બંને સમાજ વચ્ચે ઘર્ષણ થયું હતું તે કારણ જાણી શકાયું નથી. રસ્તા વચ્ચે જૂથ અથડામણની ઘટનાને પગલે ટ્રાફિક જામના દૃશ્યો પણ સર્જાયા હતા. ઘટના સ્થળ પર વડોદરા શહેર પોલીસની સાથે તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બંને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
સમગ્ર મામલે ACP ભરત રાઠોડે જણાવ્યું હતું કે, અમને મળેલી માહિતી અનુસાર ઘટના સ્થળ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું છે. મૂળ ઘટના એવી હતી કે, દુમાડ ચોકડી પાસે એક દંપતી પૈસા લઈને જઈ રહ્યું હતું ત્યારે પૈસા ગુમ થયા હતા અને ત્યારબાદ પૈસા જેમના હતા તેમને ત્રણ માણસો અહીંયા ઘટના સ્થળ પર મોકલ્યા હતા અને ત્રણથી ચાર રાઉન્ડ તે માણસો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ દંપતીએ પણ પોતાના સગા-સંબંધીઓને બોલાવ્યા હતા અને બંને જૂથ વચ્ચે સામસામે અથડામણ થઇ હતી. હાલ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ બાબતે રાહદારીઓએ જણાવ્યું હતું કે, 10થી 15 જેટલા લોકો અચાનક આવ્યા હતા અને તેમને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જે લોકોએ ફાયરિંગ કર્યું છે, તેમના ગાડી નંબર પણ અમારી પાસે છે. રસ્તા પર ગોળીઓ પડી છે અને પોલીસ પણ અહીં ઉપસ્થિત છે.