વડોદરા: ક્લાસ 2 અધિકારી લાંચ લેતા ACBના અધિકારીએ રંગે હાથ ઝડપ્યા

વડોદરા-

વડોદરામાં રહેતા અને દાહોદ જિલ્લામાં ખેતી નિયામક તેમજ છોટાઉદેપુર જિલ્લામાં નાયબ ખેતી નિયામક તરીકે ફરજ બજાવતા ખેતીવાડી અધિકારી યોગેશભાઈ જેઠાભાઈ અમીનને નસવાડીના જંતુનાશક દવા વેંચતા વેપારી પાસે રુ.દોઢ લાખની લાંચ લેતા એસીબીએ રંગે હાથે ઝડપી પાડયા છે.

વાઘોડિયા ડભોઈ રીંગ રોડ પર આવેલા તીર્થક ટેનામેન્ટમાં રહેતા યોગેશભાઈ જેઠાભાઈ અમીન હાલ છોટાઉદેપુરની વિસ્તરણની કચેરીમાં ક્લાસ ૨ નાયબ ખેતી નિયામક તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓએ થોડા દિવસ પહેલા નસવાડીની મુખ્ય બજારમાં જંતુ નાશકની દવા વેંચતા દુકાનદારને ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું. જ્યાંં બિન અધિકૃત જંતુ નાશક દવાનો જથ્થો મળી આવતા દુકાનદારને કારણ દર્શક નોટિસ આપી હતી. અધિકારીએ નોટિસની પતાવટ માટે દુકાનદાર પાસે રુ.અઢી લાખની માગણી કરી હતી જો કે રકઝકના અંતે આખરે રુ.દોઢ લાખ લેવાનું નક્કી કર્યું હતું. 

લાંચની માગણી કરતા દુકાનદારે વડોદરા એસીબી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે વડોદરા એસીબીની ટીમ નસવાડી ખાતે પહોંચીને વેપારીની દુકાનની આસપાસ છટકુ ગોઠવ્યું હતું. આ દરમિયાન નક્કી કરેલી તારીખે યોગેશભાઈ રુ.દોઢ લાખ લેવા આવ્યા અને તે રકમ હાથમાં લેતા જ એસીબીએ રંગે હાથે ઝડપી લીધા હતા. જેને લઈને દાહોદ જિલ્લા ખેતીવાડીની કચેરી તેમજ છોટાઉદેપુર ખેતીવાડી અધિકારીની ઓફિસમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલ એસીબી પોલીસે ખેતીવાડી અધિકારી યોગેશભાઈ અમીન વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution