રાજકોટ-
કોરોનાથી બચવા માટેનું બ્રહ્મસ્ત્ર એટલે વેક્સિન પરંતુ હજુ વેક્સિન વિશે ઘણા લોકોમાં ખોટો ભય અને ચિંતા રહેલ જાેવા મળે છે. ખાસ કરીને જ્યારે મનોવિજ્ઞાન ભવનની ટીમ ગ્રામ્ય વિસ્તારોમાં જઈને કાઉન્સેલિંગ કરતી અને વેક્સિન લેવા માટે સમજાવતી ત્યારે મોટાભાગના લોકોએ ભગવાનની માનતા, શ્રીફળ, લાપસી આગળ ધર્યા હતા. જેના પરથી એ લોકોએ કહ્યું કે હવે જાે અમે વેક્સિન લઈએ તો ભગવાન કોપાયમાન થાય અને કંઈક ગુસ્સો કરી બેસે તો કંઈક અપશુકન થશે.આવા વેક્સિનના ભયના લક્ષણો અને ભગવાનના ભયના લક્ષણોને મનોવિજ્ઞાનની ભાષામાં વેક્સિનોફોબિયા અને ઝયૂસોફોબિયા તરીકે ઓળખવામાં આવે છે. જેનું વિશ્લેષણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો.ધારા દોશી અને મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ એ.જાેગસણ દ્વારા કરવામાં આવ્યું જેમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા છે.
મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો વેક્સિનેશન અંગે જાગૃતિ ફેલાવવા ગામડે ગામડે જઈને લોકોને મળ્યા હતા ત્યારે ગામડાના ૮૦.૧૦% લોકોને વેક્સિનોફોબિયા જાેવા મળ્યો જયારે શહેરના ૩૬% લોકોમાં વેક્સિનોફોબિયા જાેવા મળ્યો. ટોટલ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ૨૭૦૦થી વઘુ લોકોને આધારે છેલ્લા ૩ મહિનાના ઓબ્ઝર્વેશનને આધારે આ પરિણામ જાેવા મળ્યા છે. વેક્સિનોફોબિયા એ રસીનો અતાર્કિક ભય છે. આ સ્થિતિથી પીડિત કોઈ વ્યક્તિ ફક્ત રસીના વિચારથી ખૂબ જ ચિંતા અને અસ્વસ્થતાનો અનુભવ કરે છે. તેમની અસ્વસ્થતા એટલી તીવ્ર હોઈ શકે છે કે તે તેના પરિણામે તેને ચિંતા, ડિપ્રેશન અને તણાવનો હુમલો આવી શકે છે. હાલના સમયમાં કોરોના વેક્સિન વિશે આ જ પ્રકારની અતાર્કિક બીક અને તણાવ ઘણા વ્યક્તિઓમાં જાેવા મળે છે. વેક્સિનના ફાયદા વિશે સમજાવવા છતાં આ ભયથી પીડિત વ્યક્તિ ખોટા તણાવ ઉતપન્ન કરી નાખે છે. વેકસીનના નામથી જ ખૂબ ઘબરાઈ જાય છે અને પોતે તો વેક્સિન નથી લેતા પણ અન્યને પણ વેક્સિન લેવાની ના પાડે છે.