ટોરેન્ટો,
કોરોના સંકટ વચ્ચે કેનેડાના સ્વાસ્થ્ય વિભાગે ૧૨થી ૧૫ વર્ષની ઉંમર ધરાવતા બાળકો માટે ફાઈઝર કંપનીની વેક્સિનને મંજૂરી આપી દીધી છે. કેનેડાના સ્વાસ્થ્ય વિભાગના મુખ્ય સ્વાસ્થ્ય સલાહકાર સુપ્રિયા શર્માએ બુધવારે આ વાતની પૃષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે, આ ર્નિણયથી બાળકોને સામાન્ય જીવન જીવવાની તક મળશે. તેના પહેલા વેક્સિનને ૧૬ વર્ષ કે તેનાથી વધારે ઉંમરના લોકો માટે મંજૂરી આપવામાં આવી હતી.
યુએસ ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન આગામી સપ્તાહ સુધીમાં યુવાનો માટે ફાઈઝરની વેક્સિનને પણ મંજૂરી આપી શકે છે. આગામી વર્ષે સ્કુલ ખુલે તે પહેલા અનેક લોકોને વેક્સિનનો ડોઝ આપવાની તૈયારી છે. આ વેક્સિનને પહેલેથી જ ૧૬ વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકો માટે મંજૂરી આપવામાં આવી હતી. આ વેક્સિને યુવાનોને પણ સુરક્ષા પ્રદાન કરી હતી અને ત્યાર બાદ આ નવી જાહેરાત કરવામાં આવી છે.
ફાઈઝરે ગત માર્ચ મહિનામાં જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે ૧૨થી ૧૫ વર્ષની ઉંમર ધરાવતા ૨૨૬૦ વોલેન્ટિયર્સને વેક્સિન આપવામાં આવી હતી. ૧૮ વર્ષની ઉંમરના લોકોની સરખામણીએ ૧૨થી ૧૫ વર્ષની ઉંમરના જે લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો હતો તેમાં કોરોનાનો એક પણ કેસ નહોતો નોંધાયો. સુપ્રિયા શર્માએ જણાવ્યું કે, પુરાવા પ્રમાણે આ એજ ગ્રુપવાળાઓ માટે વેક્સિન સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ કેનેડામાં બાળકો માટે મંજૂરી મેળવનારી પહેલી વેક્સિન છે. સુપ્રિયા શર્માએ જણાવ્યું કે, કોરોનાના કુલ કેસ પૈકીના ૧/૫ કેસ બાળકો અને કિશોરોમાં જાેવા મળ્યા હતા. આ લોકો માટે વેક્સિનની વ્યવસ્થા કરવી કેનેડાના પ્લાનમાં ખૂબ મહત્વનું હતું.