દિલ્હી-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશમાં કોરોના વેકસીનના ટીકાકરણનો પ્રારંભ કરાવ્યો હતો અને જણાવ્યું હતું કે ભારત એ આજે કોરોના વેકસીનમાં વિશ્વના ટોચના દેશોની હરોળમાં ઉભો રહીને તેની દ્રઢતા, ક્ષમતા અને સજજતા દર્શાવી છે. દેશમાં આજે 3006 કેન્દ્રો પર વેકસીનેશનની તૈયારીમાં શ્રી મોદીએ પ્રારંભીક ઉદબોધન કર્યુ હતું અને જણાવ્યું હતું કે આ વેકસીન બનાવવામાં દેશના વૈજ્ઞાનિકોએ રાત-દિવસ એક કર્યા છે અને સામાન્ય રીતે વેકસીન બનાવવામાં વર્ષો લાગે છે ત્યારે બહુ ઓછા સમયમાં વેકસીન નિર્માણ કરીને ભારતના વૈજ્ઞાનિકોએ એક નવો કિર્તીમાન સ્થાપીત કર્યો છે. મોદીએ જણાવ્યું કે વેકસીન દેશના દરેક લોકોને ઉપલબ્ધ બનશે પરંતુ પ્રથમ જેઓ કોરોના સામેના સંક્રમણમાં સૌથી મોખરે રહીને કાર્ય કરી રહ્યા છે તે તબીબો અને આરોગ્ય કર્મચારીઓને પ્રથમ વેકસીન આપવામાં આવશે અને ત્યારબાદ સરકારી કર્મચારીઓ સહીતના ફ્રન્ટલાઈન યોદ્ધાઓને કોરોના વેકસીન અપાશે. મોદીએ બાદમાં જણાવ્યું કે દેશ પ્રથમ તબકકામાં આ કાર્યવાહી પુરી કર્યા બાદ બીજા તબકકામાં વૃદ્ધો અને જેઓ અગાઉથી કોઈ રોગથી પીડાય છે તેઓને વેકસીન આપવામાં આવશે.
મોદીએ કહ્યું કે ભારતમાં આ વેકસીન સંપૂર્ણ માનવીય આધાર પર તૈયાર કરવામાં આવી છે. વિશ્ર્વની આ સૌથી સસ્તી વેકસીન છે એટલું જ નહી અન્ય વેકસીનો જયારે રૂા.12000ની કિંમતે મળે છે તો ભારતની વેકસીન તેની સરખામણીમાં અત્યંત સસ્તી છે. ઉપરાંત તે ભારતનાં વાતાવરણને સાનુકુળ છે. મોદીએ એ પણ તાકીદ કરી કે વેકસીનનો પ્રથમ ડોઝ લીધા બાદ વૈજ્ઞાનિકોની સલાહ મુજબ એક માસ પછી બીજો ડોઝ આપવામાં આવશે. પરંતુ વેકસીન લીધા બાદ કે આ વેકસીનેશનના કાર્યક્રમ બાદ પણ આપણે જે કાંઈ સતર્કતા અને સાવધાની જરૂરી છે તે ભૂલવાની નથી. માસ્ક, સોશ્યલ ડીસ્ટન્સ આ બધું જળવાઈ રહે તે જરૂરી છે.
મોદીએ આ વેકસીનેશન કાર્યક્રમને વિશ્ર્વની સૌથી મોટી તબીબી કવાયત જણાવતા કહ્યું કે ભારતમાં 30 કરોડ લોકોને વેકસીન અપાશે. વિશ્ર્વમાં ફકત ત્રણ દેશો એવા છે કે 30 કરોડથી વધુ વસ્તી ધરાવે છે તેથી સમજી શકાય છે કે આ કાર્ય કેટલું વિશાળ છે. શ્રી મોદીએ વેકસીન અંગે જે કાંઈ સંદેશ કે શંકા હોય તેને નિર્મુળ કરતા કહ્યું કે દેશના વૈજ્ઞાનિકોએ તમામ ચકાસણી બાદ વેકસીનને મંજુરી આપી છે તે સલામત છે અને તેથી કોઈપણ પ્રકારના પોપેગેન્ડાથી લોકોએ દોરવાવું જોઈએ નહી. શ્રી મોદીએ જણાવ્યું કે આ વેકસીનેશન કાર્યક્રમ આત્મનિર્ભર ભારતનું પણ એક પ્રતિક છે. ભારતે પોતાની ક્ષમતા સાબીત કરી છે અને દેશે દર્શાવી આપ્યું છે કે ગમે તેવા સંકેત છતાં ભારત તેનો મુકાબલો કરવા માટે સજજ છે.