નર્મદા-
ઉત્તરાખંડમાં રવિવારે સવારે આશરે સાડાદસ વાગ્યે એકાએક કુદરતી આફત ત્રાટકી હતી. અહીંના એક જિલ્લા ચમોલીના તપોવનમાં ગ્લેશિયર તુટી પડી છે અને ઋષીગંગા નદીમાં ભયાનક પુરની સ્થિતી છે. આ ઘટનામાં એનટીપીસીના ઋષીગંગા પાવર પ્રોજેક્ટમાં કામ કરી રહેલા 150થી વધારે લોકો તણાયા હોવાના હેવાલ મળી રહ્યા છે. જેના પગલે ઉતરાખંડના સ્પીકર પ્રેમચંદ અગ્રવાલ પોતાનો સ્ટેચ્યુ ઓફ યુનિટી નો પ્રવાસ રદ્દ કરીને ઉતરાખંડ જવા માટે રવાના થયા છે. તેઓ વડોદરાથી ઉતરાખંડ જવા માટે રવાના થઇ ગયા છે. અત્રે નોંધનીય છે કે, તેઓ રવિવારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે હતા. જો કે ઘટના અંગે માહિતી મળતા જ તેઓ પરત ફરી ગયા છે.
તેમણે પોતાના સંદેશમાં કહ્યું હતું કે, તેઓ પ્રાર્થના કરે છે કે, તેમના રાજ્યના લોકો સલામત હોય. આ સાથે તેમણે વર્ષ 2013માં રાજ્યના માથે આવી પડેલી હોનારતને યાદ કરી હતી, જેમાં સેંકડો લોકો લાપતા બન્યા હતા અને અનેક મકાનો તણાઈ ગયા હતા. આ વખતે આવેલી આફતમાં પણ અનેક પશુઓ અને માનવો તણાઈ ગયા હોવાની આશંકા સેવાય છે.