ગર્ભાશયમાં મસો(યુટેરાઇન પોલિપ)ની આયુર્વેદથી સારવાર શક્ય છે

લેખકઃ વૈદ્ય પૂજા વિહારીયા | 


સ્ત્રીઓમાં ગર્ભાશય એક ઘરેણાં સમાન છે.જેમ ઘરેણાંનું જતન કરવું પડે છે તેમજ સ્ત્રીઓએ ગર્ભાશયનું પણ જતન કરવું પડે છે અને તે ખૂબ જરૂરી પણ છે, કારણકે જાે ગર્ભાશયને ના સાચવવામાં આવે તો તેમાં અલગ અલગ પ્રકારના રોગો ઘર કરી જાય છે અને સમગ્ર જીવન તેને સહન કરવામાં નીકળી જાય છે.

ગર્ભાશયમાં મસો( યુટેરાઈન પોલિપ) એ એક એવા જ પ્રકારની તકલીફ છે જે આજકાલ મહિલાઓમાં સામાન્ય રીતે જાેવા મળી રહ્યો છે. આ મસો મોટા ભાગે તો કેન્સરની ગાંઠ કરતાં અલગ હોય છે અને તેમાંથી કેન્સર થવાની શક્યતા ઓછી હોય છે પરંતુ તેની ચિકીત્સા કરવી એટલી જ જરૂરી છે. આ મસો એક પ્રકારના સ્નાયુઓનો બનેલો હોય છે. જેમ મોઢા પર મસો થાય છે તેમજ ગર્ભાશયમાં મસો થાય છે. આ મસો ગર્ભાશયના ઉપરના ભાગમા થાય છે અથવા ગર્ભાશયના મુખ પાસે હોય છે. મોટા ભાગના મસા આમ તો કેન્સર નથી હોતા પણ જાે તે વારંવાર થતાં હોય તો ગર્ભશાયની દીવાલનું કેન્સર પણ હોય શકે જે યોગ્ય તપાસ દ્વારા જ જાણી શકાય છે.

મોટા ભાગે ગર્ભાશયની દીવાલનો કોઈ પાતળો ભાગ ગર્ભાશયના ઉપરના ભાગ અથવા મુખ પાસે આવીને ચોંટી જાય છે અને તેમાંથી જ મસો બની જાય છે. તે મોટા ભાગે ૧-૨ સેન્ટિમીટરનો હોય છે દેખાવમાં લાલાશ પડતાં અને પોચા હોય છે .

ગર્ભાશયના મુખ પાસે થતો મસો - ગર્ભાશયના મુખની અંદરની બાજુથી મોટા ભાગે શરૂ થાય છે જે મોટા ભાગે કોઈ પ્રકારના જૂના ચેપના લીધે થાય છે. જે કેન્સરમાં પરિવર્તિત થવાની શક્યતાઓ ખૂબ ઓછી હોય છે. મોટા ભાગે તેમાં કોઈ લક્ષણો હોતા નથી. કોઈ વખત યોનિની તપાસ કરતી વખતે અચાનક તે દેખાય છે.

ગર્ભાશયમાં થતી ગાંઠ (ફાયબ્રોડ) માંથી થતો મસો - ગર્ભાશયના ઉપરના અથવા મુખ પાસેના ભાગે થાય છે. મોટા ભાગે ફાયબ્રોડની ગાંઠ ગર્ભાશયની અંદર આવીને વિકાસવા લાગે છે ત્યારે આ મસા જેવુ રૂપ ધારણ કરે છે. મોટા ભાગે આ તકલીફ બાળકો થવાની ઉમરમાં વધુ થાય છે.

લક્ષણો -

માસિકની વચ્ચે લોહી પડવું.

પેઢુંના ભાગમાં સતત દુખાવો ચાલુ બંધ થતો રહેવો .

યોનિ માર્ગમાંથી પ્રવાહી સ્ત્રાવ વધુ માત્રામાં નીકળવો.

મસો મોટો હોય તો યોનિ ભાગમાંથી કંઈક બહાર આવતું હોય તેવી સતત લાગ્યા કરવું.

પ્લેસન્ટા ( મેલી ) માંથી બનતો મસો -

ડિલિવરી દરમિયાન અથવા એબોર્શન વખતે ગર્ભાશયની સરખી સફાઈ ના થવાથી આ મસો બને છે . મેલીનો થોડો રહી ગયેલો ભાગ દીવાલ પર ચોંટી જાય છે અને મસો બની જાય છે .

મસાની સારવાર

મસાને મોટા ભાગે કોથળી સાફ કરવાની પ્રોસેસ કરીને કાઢવા પડે છે. જાે એકવારમાં સરખી રીતે મસો કાઢવામાં ના આવે તો તે ફરી થઈ શકે છે.

મસો વારંવાર થવાના કારણો માં સરખો કાઢ્યો ના હોય તો, કોઈક અગમ્ય કારણસર અથવા કેન્સર હોય શકે.

ગર્ભાશયના મુખ પરના મસાને વિશેષ પ્રકારના ચીપિયાથી ફેરવીને કાઢી નાખવામાં આવે છે અને તે ખાલી ભાગને બાળી નાખવામાં આવે છે જેથી ફરી મસો થાય નહીં. ગર્ભાશયના અંદર થતાં મોટા મસામાં આખી કોથળી જ કાઢી નાખવી પડતી હોય છે કારણ કે તેની કોઈ દવા એલોપેથિકમાં નથી હોતી.

આયુર્વેદમાં મસાની સારવાર ઉપલબ્ધ છે. આયુર્વેદમાં પંચકર્મ નામની સારવારમાં વિરેચન તેમજ વિશેષ પ્રકારની બસ્તી નામની સારવારથી તેનાથી છુટકારો મેળવી શકાય છે. આ સિવાય ઉતર બસ્તી નામની સારવાર પણ ખૂબ ફાયદો કરે છે, વિશેષ પ્રકારના બનાવેલા તેલથી ગર્ભાશયના મુખ દ્વારા ગર્ભાશયની અંદર કરવામાં આવતી બસ્તીને ઉતર બસ્તી કહે છે . આ બસ્તીની સારવાર લેવાથી મોટા ભાગે ૩-૪ મહિનામાં જ મસો નીકળી જાય છે, પરંતુ આ ચિકિત્સા આયુર્વેદના સ્ત્રી રોગ વિશેષજ્ઞ પાસે કરાવવી વધુ હિતાવહ છે.

આ સિવાય આયુર્વેદમાં અગ્નિ કર્મ નામની સારવાર પણ આવે છે જે ગર્ભાશયના મુખ પરના મસા માટે ઉપયોગી છે. સુવર્ણ શલાકા કે બીજી કોઈ શલાકાથી તેને બાળી દેવામાં આવે છે, જેનાંથી તે મસો ફરી થતો નથી. આ બધી સારવાર ગર્ભાશયના મસામાં ખૂબ ફાયદાકારક છે અને કોઈ પણ પ્રકારના ઓપરેશન કે કોથળીની સફાઈ પણ કર્યા વગર તે માટી શકે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution