કરાચી: આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા પાકિસ્તાન ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તાજેતરમાં ઉસ્માન કાદિરે પાકિસ્તાનમાં રમાયેલા ચેમ્પિયન્સ કપમાં ડોલ્ફિન્સ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ઉસ્માને તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2023 એશિયન ગેમ્સમાં રમી હતી. આ પછી તેને સતત ટીમની અંદર અને બહાર ખસેડવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરતા પહેલા, ઉસ્માન લાહોર કલંદર્સ અને પશ્ચિમ ઓસ્ટ્રેલિયા માટે ક્રિકેટ રમ્યો હતો. ઉસ્માન ઓસ્ટ્રેલિયામાં ઘણું ક્રિકેટ રમ્યો હતો. એટલું જ નહીં તે ઓસ્ટ્રેલિયા માટે ક્રિકેટ રમવા માંગતો હતો. ઉસ્માન કાદિરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ફેન્સ સાથે નિવૃત્તિના સમાચાર શેર કર્યા હતા. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, આજે હું પાકિસ્તાન ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી રહ્યો છું. પાકિસ્તાન માટે રમવું મારા માટે બહુ સન્માનની વાત છે. હું મારા કોચ અને મારા સાથી ખેલાડીઓના સમર્થન બદલ આભાર વ્યક્ત કરું છું. ઉસ્માન કાદિરે પાકિસ્તાન માટે 25 ટી-૨૦ મેચ અને માત્ર એક વન ડે મેચ રમી છે. ઉસ્માને 25 ટી-20 મેચમાં બોલિંગ કરતા 31 વિકેટ પોતાના નામે કરી હતી. આ સિવાય તેણે એક વન ડે મેચમાં માત્ર 1 વિકેટ પોતાના નામે કરી હતી. આ સિવાય તેણે 13 ફર્સ્ટ ક્લાસ મેચમાં 21 વિકેટ લીધી હતી.