વડોદરા, તા.૧૧
શહેરના ફતેગંજ પોલીસ મથકના ચકચારી કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં શેખ બાબુના મૃતદેહને સગેવગે કરવા માટે અકસ્માત બાદ જમા થયેલી કારનો ૫ણ ઉપયોગ થયો હોય એવી થિયરી ઉપર પણ તપાસ ચાલી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. રહસ્યમય સંજાેગોમાં તા.૮મી ડિસેમ્બરથી ૧૩મી સુધી ગણતરીની ૧૦ ફરિયાદો પોલીસ મથકે નોંધાઈ છે. મહત્ત્વની વાત તો એ છે કે તા.૧૦મી ડિસેમ્બરે તો એક પણ ફરિયાદ નોંધાઈ નથી. આ જ દિવસે ફતેગંજ પોલીસ મથકમાં શેખ બાબુને પૂછપરછના બહાને બોલાવી મોતને ઘાટ ઉતારાયા હતા.
પીઆઈ, પીએસઆઈ, ચાર કોન્સ્ટેબલો સામે હત્યાનો ગુનો નોંધાયા બાદ બધા ધરપકડથી બચવા માટે ભૂગર્ભમાં ઊતરી ગયા છે. ત્યારે પીઆઈ ખુદ એલએલબી હોવા ઉપરાંત અગાઉ પણ આરોપીને માર મારવાના બનાવમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે અને પીએસઆઈ પણ પોલીસ પરિવારનું બેકગ્રાઉન્ડ ધરાવે છે. ત્યારે આ ગુનાને અંજામ આપવા એ લોકો કોઈપણ હદે જઈ શકે છે એમ માની અકસ્માતની ફરિયાદ બાદ જમા કરાયેલી કારનો પણ ઉપયોગ કરાયો હોઈ શકે છે એમ માની પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી છે.
જાેગાનુજાેગ જે દિવસે શેખ બાબુની હત્યા પોલીસ મથકમાં જ થઈ એ દિવસે સાંજે ૬ વાગે ફતેગંજ બ્રિજ તરફથી ગોરવા જતી એક કારે આદિવાસી પરિવારને ટક્કર મારી હતી અને કાર ભાગી છૂટી હતી. કારની ટક્કરે ઘાયલ થયેલા બે ઈસમો અને બાળકીને સારવાર માટે પ્રથમ સયાજી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ધર્મેશભાઈ મોહનિયાની હાલત નાજુક બનતાં વધુ સારવાર માટે નરહરિ હોસ્પિટલના આઈસીયુ ખાતે ખસેડાયા હતા, જ્યાં મોડી રાત્રિએ એમનું મોત નીપજ્યું હતું. આ અંગેની પોલીસ ફરિયાદ તા.૧૦મી રાતે અને ૧૧મીની વહેલી સવારે ત્રણ વાગે ફતેગંજ પોલીસ મથકે નોંધાઈ હતી, જેની તપાસ ખુદ દશરથ માધાભાઈ રબારી પીએસઆઈએ સંભાળી હતી, જે શેખ બાબુની હત્યાના આરોપી છે.
મહત્ત્વની વાત તો એ છે કે, અકસ્માત તા.૧૦મીએ સાંજે ૬ વાગે થયો હતો, એ જ સમયે ટક્કર મારી ભાગી ગયેલ કારનો નંબર ઈજાગ્રસ્તો પાસે હતો. પોલીસ પાસેના ખાસ સોફટવેર એકલવ્યથી તરત જ નંબરની જાણકારી મેળવી લીધી હોય અને માલિકને ત્યાં પહોંચી જઈ એ કારને પોલીસ મથકે લઈ જવાઈ હોય બાદમાં મોડી રાત્રિએ આ કારનો ઉપયોગ શેખ બાબુના મૃતદેહને સગેવગે કરવા માટે કરાયો હોય જેનાથી કારના મૂળ માલિક અજાણ હોય એમ બની શકે છે, એ આધારે પોલીસે એ દિશામાં પણ તપાસ લંબાવી છે.