ન્યૂયોર્ક-
વિશ્વનો ટોચનો ખેલાડી અને સર્બિયન દિગ્ગજ નોવાક જોકોવિચ અને જર્મનીનો એલેક્ઝાન્ડર ઝ્વેરેવ સેમીફાઇનલ મેચ રમ્યા હતા. ચાર કલાકથી વધુ સમય સુધી ચાલેલી મેચમાં બંને વચ્ચે ખરાખરીનો જંગ થયો હતો પરંતુ અંતે જોકોવિચે મેચ જીતી લીધી હતી. જોકોવિચે પાંચ સેટની મેચમાં નિર્ણાયક સમયે ઝ્વેરેવને હરાવ્યો. જોકોવિચને પહેલા સેટમાં હારનો સામનો કરવો પડ્યો હતો, તે પછી તેણે જબરદસ્ત વાપસી કરી અને સતત બે સેટ જીત્યા. જોકે ચોથા સેટમાં ફરી એક વખત ઝ્વેરેવે મેચ જીતી લીધી હતી. અંતે નિર્ણાયક અને અંતિમ સેટમાં જોકોવિચે ઉત્કૃષ્ટ રમત સાથે સેટ અને મેચ બંને જીત્યા.
જોકોવિચે ઝવેરેવને 4-6, 6-2, 6-4, 4-6, 6-2થી હરાવીને રેકોર્ડ 31 મી વખત ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પ્રવેશ કર્યો. એટલું જ નહીં જોકોવિચ નવમી વખત યુએસ ઓપનની ફાઇનલમાં પહોંચ્યો છે, જે એક રેકોર્ડ છે.
અન્ય સેમીફાઇનલની વાત કરીએ તો પ્રથમ મેચમાં વિશ્વના નંબર 2 રશિયાના ડેનીલ મેદવેદેવે કેનેડાના ફેલિક્સ ઓગરને સીધા સેટમાં હરાવ્યો હતો. મેદવેદેવે 6-4, 7-5, 6-2થી મેચ જીતી હતી. આ મેચમાં મેદવેદેવે ફેલિક્સ પર સંપૂર્ણપણે પ્રભુત્વ જમાવ્યું અને એકતરફી રીતે જીત મેળવી. મેદવેદેવ હવે બે વખત યુએસ ઓપનની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ રશિયન ખેલાડી પણ બની ગયો છે.