અમેરિકાની એરલાઈનોએ તો ઈરાન પરથી ઉડાન ભરવાનું ઘણા સમય અગાઉથી બંધ કરી દીધું યુદ્ધ અને અસ્થિરતા ધરાવતા દેશો ટાળવાના કારણે ફ્લાઈટના ટાઈમિંગ અને રૂટને અસર


નવીદિલ્હી,તા.૧૧

ભારતથી જે લોકો અમેરિકા કે યુરોપ જાય છે તેમણે એક વાત નોટિસ કરી છે કે એર ટ્રાવેલમાં હવે પહેલાં કરતા વધુ સમય લાગી રહ્યો છે. એર ટ્રાવેલના કલાકો વધી ગયા છે અને કેટલાક રૂટમાં પણ ફેરફાર થયો છે. હવાઈ ભાડામાં બહુ મોટો ફેરફાર નથી થયો છતાં પેસેન્જરોએ વધુ કલાકો ફ્લાઈટમાં કાઢવા પડે છે. આના માટે ઘણા પરિબળો જવાબદાર છે. પરંતુ સૌથી મોટું કારણ અત્યારનું જિયોપોલિટિકલ ટેન્શન છે. આ ઉપરાંત સેફ્ટીને લઈને પણ ચિંતા વધી ગઈ છે.

અત્યારે તમામ એરલાઈનો હાઈ રિસ્ક એર સ્પેસ એટલે કે જ્યાં યુદ્ધ ચાલતું હોય તેવી એર સ્પેસને ટાળી રહી છે. એપ્રિલ મહિનાના મધ્યથી જ ઘણી નોન અમેરિકન એરલાઈનોએ ઈરાનની એરસ્પેસનો ઉપયોગ બંધ કરી દીધો છે કારણ કે ઈરાન -ઈઝરાયલ વચ્ચે હાલમાં વિવાદ ચાલે છે અને આ એરસ્પેસમાંથી ઉડવું જાેખમી છે. અમેરિકાની એરલાઈનોએ તો ઈરાન પરથી ઉડાન ભરવાનું ઘણા સમય અગાઉથી બંધ કરી દીધું છે. એટલું જ નહીં અમેરિકન એરલાઈનો માટે અફઘાનિસ્તાન પણ ઓગસ્ટ ૨૦૨૧થી નો ફ્લાય ઝોન છે. આ ઉપરાંત રશિયા અને યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારથી ઘણી વેસ્ટર્ન એરલાઈનોએ રશિયન એરસ્પેસનો ઉપયોગ બંધ કરી દીધો છે. આ ઉપરાંત ઘણી એરલાઈનો અત્યારે ઈરાકની એરસ્પેસમાંથી પણ ઉડાન ભરવાનું ટાળે છે. તેના કારણે એર રૂટ બદલાઈ ગયા છે અને ટ્રાવેલિંગમાં વધુ કલાકો લાગી જાય છે. યુદ્ધ અને અસ્થિરતા ધરાવતા દેશો ટાળવાના કારણે ફ્લાઈટના ટાઈમિંગ અને રૂટને અસર થઈ છે. અત્યારે ભારતથી કોઈ પણ વેસ્ટર્ન કન્ટ્રી જવું હોય તો ઈરાનની એરસ્પેસ ટાળવાના કારણે એર ટ્રાવેલિંગમાં એક કલાક વધી જાય છે. વેસ્ટર્ન એરલાઈનમાં તો તેના કરતા પણ વધુ સમય લાગે છે કારણ કે તેઓ રશિયાની એરસ્પેસને પણ ટાળે છે. ઉદાહરણ તરીકે એર ઈન્ડિયાની દિલ્હીથી ન્યૂયોર્કની નોન સ્ટોપ ફ્લાઈટ રશિયા પરથી ઉડાન ભરે છે જેમાં ૧૪થી ૧૫ કલાક લાગે છે. જ્યારે યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઈટ રશિયા ઉપરથી જતી નથી તેના કારણે તેને ૧૬થી ૧૮ કલાકનો સમય લાગી જાય છે. આના કારણે જ અમેરિકાની કેટલીક એરલાઈનોએ ભારતની કેટલીક ફ્લાઈટને સસ્પેન્ડ કરવી પડી છે અથવા નવી ફલાઈટ લોન્ચ કરવાનું ટાળવું પડ્યું છે.

બીજા કારણોની વાત કરીએ તો એર ઈન્ડિયાના જૂના ૭૭૭ વિમાનોમાં એક વધારાની ઓક્સિજન ટેન્ક હોય છે જેથી તેઓ હિંદુકુશ પર્વતમાળાનો શોર્ટ રૂટ લઈ શકે છે અને અફઘાનિસ્તાન અને ઈરાનનો રૂટ ટાળી શકે છે. આ એક બહુ મહત્ત્વની ચીજ છે કારણ કે અત્યંત ઉંચા પહાડો પરથી ઉડાન ભરવામાં આવે ત્યારે કેબિનમાં પ્રેશર ઘટી જાય અને ઈમરજન્સી પેદા થાય તો વિમાનની ઉંચાઈ ઘટાડીને ૧૦,૦૦૦ ફૂટ પર લાવવામાં વધુ સમય લાગી જાય છે. તેથી વધારાની ઓક્સિજન ટેન્ક હોય તો ઓવરહેડ માસ્ક માટે સપ્લાય મળી રહે છે.

જાેકે હવે એર ઈન્ડિયાએ ડેલ્ટા અને એતિહાદ ૭૭૭ના વિમાનો લીઝ પર લીધા છે જે નવા પ્રકારના છે. જેમાં વધારાની ઓક્સિજન ટેન્ક નથી હોતી. તેથી તેમણે લાંબા રૂટ પરથી જ ઉડાન ભરવી પડે છે. તેના માટે તેમણે અરેબિયન સમુદ્ર, ગલ્ફ, સાઉદી અરેબિયા, તુર્કી અને યુરોપ પરથી પસાર થવું છે. આ વિમાનો હિંદુકુશનો રૂટ લઈ શકતા નથી. આ ઉપરાંત પાકિસ્તાન ઈરાન બોર્ડર અને તુર્કી પરથી ઉડાન ભરવામાં પણ જાેખમ છે કારણ કે ત્યાં જીપીએસ જામ થઈ જવાના કેસ વધ્યા છે.

ભારતથી યુરોપ કે અમેરિકા જવામાં એર ટ્રાવેલનો સમય વધી ગયો છે પરંતુ તેમાં રાહત ક્યારે મળશે? એરલાઈનો અને પેસેન્જરો માટે રાહતના સમાચાર છે કે કેટલીક નોન-અમેરિકન એરલાઈનો હવે ઈરાન પરથી ઉડાન ફરીથી શરૂ કરવાનું વિચારે છે. ઉદાહરણ તરીકે સ્વિસે પહેલી મેથી ઈરાન પરથી ઉડાન શરૂ કરી છે. અન્ય એરલાઈનો પણ ઈરાનનો રૂટ ફરી શરૂ કરી શકે છે. જાેકે, મિડલ ઈસ્ટમાં હાલમાં જે સંઘર્ષ ચાલે છે તે લાંબો સમય ચાલશે તો એરલાઈનોએ પોતાના પ્લાન ફરીથી બદલવા પડશે અને એર ટ્રાવેલમાં ફરીથી વધુ કલાકો ગાળવા પડશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution