શામળાજી-ગોધરા હાઇવે નં-૫ ઉપર ગેરકાયદે કટ કરનારા શખ્સો સામે ગુનો નોંધવા તાકીદ

અરવલ્લી : અરવલ્લી જિલ્લામાંથી પસાર થતો રાજ્ય ધોરીમાર્ગ નં-૫ શામળાજી-ગોધરા ફોરલેન માર્ગના નિર્માણ પછી હાઈવેની બંને બાજુ તરફ આવેલ પેટ્રોલ પમ્પો અને હોટલવાળાઓએ ગ્રાહકો મેળવવા માટે પ્રજાજનો અને વાહનચાલકોના જાનના જોખમે આડેધડ ડિવાઈડરો તોડી પાડી અવરજવર માટે જગ્યાઓ બનાવી દેતા તોડી પાડવામાં આવેલા ડિવાઈડરોમાંથી વાહનચાલકો બેફામ રીતે રોડ ક્રોસ કરતા હોવાથી અકસ્માતની ઘટનાઓ છાસવારે બની રહી છે. આ અંગે અરવલ્લી જિલ્લા પોલીસવડા સંજય ખરાતે ગુજરાત રોડ ડેવલોપર્સ કોર્પોરેશન ગાંધીનગર મેનેજરને પત્ર લખી નેશનલ હાઇવે નંબર પાંચ પર આવેલા કેટલાંક ગેરકાયદે કટ દૂર કરવા તાકીદ કરવામાં આવી છે.ગેરકાયદે કટ કરનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી તાત્કાલિક અસરથી કામગીરી કરવા જણાવ્યું છે. ગેરકાયદે કટ દૂર કરવા જિલ્લા કલેક્ટર અને રોડ નિર્માણ કરનાર એલએન્ડટી કંપનીને પણ જાણ કરવામાં આવી છે. જિલ્લા પોલીસવડાની કામગીરીની લોકોએ ભારે સરાહના કરી હતી. 

અરવલ્લી જિલ્લા પોલીસવડા સંજય ખરાતે જિલ્લામાંથી પસાર થતા સ્ટેટ હાઈવે નં-૫ શામળાજી આશ્રમ ચોકડીથી મોડાસા સહયોગ ચોકડી, માલપુર ગલિયાદાંતી ટોલપ્લાઝાથી બાબલીયા ચોકડી સુધીના માર્ગ પર ઠેર ઠેર ગેરકાયદે કટના પગલે અકસ્માતમાં નિર્દોષ વાહનચાલકો અને રાહદારીઓ ભોગ બની જીવ ગુમાવતા હોવાનું ધ્યાને આવતા આ અંગે સમગ્ર હાઈવે પર નિરીક્ષણ કરી ગેરકાયદે ધંધાર્થીઓએ આપેલ ૩૬ કટ શોધી કાઢી આ અંગેના ફોટોગ્રાફ સહીત વિસ્તૃત માહિતી સાથે ગાંધીનગર સ્થીત ગુજરાત રોડ ડેવલોપર્સ કોર્પોરેશન લિમિટેડના મૅનેજર, જિલ્લા કલેકટર અને રોડ પર ટોલપ્લાઝા ધરાવતી એલએન્ડટી કંપનીને પત્ર લખી ગેરકાયદેકટ હટાવવા તાકીદ કરી છે.આર્થિક લાભ ખાતર હાઇવે પર ગેરકાયદે કટ કરનાર શખ્શો સામે મોટર વિહકલ એક્ટ મુજબ ગુનો બનતો હોવાથી આઇપીસી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી તાકીદ કરી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution