વડોદરા પર યુ૫ીની ગેંગનો ડોળો ઃ લૂંટ કરવા નીકળેલી ખૂનખાર ગેંગનો પ્લાન ચોપટ થયો

વડોદરા શહેરમાં લૂંટ કરવાના ઈરાદે નીકળેલી ઉત્તરપ્રદેશની ટોળકીની કારને વરણામા પોલીસની ટીમે પોર બ્રિજની નીચે અટકાવી હતી. પોલીસને જાેઈને લૂંટારૂ ટોળકીના ચાર સદસ્યો ભાગી છૂટ્યા હતા. જાેકે, કારનો ડ્રાઈવર ઝડપાઈ ગયો હતો. પોલીસે કારના બોનેટની અંદરથી એક દેશી તમંચો અને દેશી માઉઝર તથા ૧૭ જીવતા કારતૂસ જપ્ત કર્યા હતા. પોલીસે લૂંટારૂ ટોળકીના ફરાર થયેલા સભ્યોની શોધખોળ શરૂ કરી છે.

વરણામા પોલીસની એક ટીમ પોર બ્રીજની નીચે વાહન ચેકિંગમાં હતી તે સમયે કરજણ તરફથી યુપી પાર્સિંગની એક કાર ધસી આવી હતી. પોલીસે કારને રોકતા જ તેમાં બેઠેલા ચાર યુવાનો નીચે ઉતર્યા હતા અને ભાગી છૂટ્યા હતા.

હાઈવે પર ટ્રાફિક હોવાથી પોલીસ તેમને પકડી શકી ન હતી પણ કારનો ચાલક ઝડપાઈ ગયો હતો. પોલીસે કારની તલાશી લેતા એના બોનેટમાંથી એક દેશી તમંચો અને એક દેશી માઉઝર મળી આવ્યા હતા.

ઉપરાંત, ૧૭ જેટલા જીવતાં કારતૂસ પણ મળી આવ્યા હતા. પોલીસે કારના ડ્રાઈવરની અટકાયત કરી હતી. પોલીસની પૂછપરછમાં કારના ચાલકે કબૂલાત કરી હતી કે, તેની સાથેના ચારેય ઈસમો ઉત્તરપ્રદેશના હતા. તેઓ વડોદરાની દુમાડ ચોકડી પાસે કોઈ વ્યક્તિની લૂંટ કરવાના ઈરાદે મૂંબઈથી વડોદરા આવ્યા હતા. પણ રસ્તામાં જ પોલીસે એમના પ્લાનિંગ પર પાણી ફેરવી દીધું હતું. કારમાંથી ઝડપાયેલા ડ્રાઈવરનું નામ શાહરૂખ નાઝીમ અલી હોવાનુ બહાર આવ્યું હતું. જ્યારે પોલીસને જાેઈને ભાગી છૂટેલા આરોપીઓમાં શાહબાજ ઉર્ફે લંબુ મોઈન, સુફિયાન ઉર્ફે પોચી મુરાદઅલી, સહરેયાર ઈબ્રાર, ઝોલા નામનો શખ્સ અને વધુ એક અજાણ્યા વ્યક્તિનો સમાવેશ થાય છે.

તમામ આરોપીઓ ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તમામ સામે આર્મસ એક્ટનો ગુનો દાખલ કરીને તમામ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution