‘અભિનય સમ્રાટ’ આ બિરુદ ઉપેન્દ્ર ત્રિવેદીને એક નાટકના કારણે મળ્યું હતું

લેખકઃ સમીર પંચોલી | 


ઉપેન્દ્ર ત્રિવેદી એ એક જાણીતા અને લોકપ્રિય ગુજરાતી ચલચિત્ર અને નાટકોના અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા હતાં. તેમણે મુખ્ય નાયક તરીકે, સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતા તરીકે ઘણાં ચલચિત્રોમાં અભિનય કર્યો છે. તેઓ સક્રિય રાજકારણી પણ હતા. તેઓ અભિનય સમ્રાટ તરીકે પણ જાણીતા હતાં.

ઉપેન્દ્ર ત્રિવેદીનો જન્મ ૧૪ જુલાઇ, ૧૯૩૬ના રોજ ઇન્દોરમાં થયો હતો.તેમનું મૂળ વતન સાબરકાંઠા જિલ્લાનું કૂકડિયા ગામ હતું. તેમના માતા-પિતા મધ્ય પ્રદેશના ઉજ્જૈન ખાતે વસ્યા હતાં. પિતા જેઠાલાલ ત્રિવેદી ઉજ્જૈન ખાતે વિનોદ મીલમાં કર્મચારી હતાં.ઉપેન્દ્ર ત્રિવેદી, ત્રણ ભાઈ અને એક બહેન એમ ચાર સંતાનોમાંના એક હતાં. તેમણે ઉજ્જૈનની પ્રાથમિક હિંદી શાળામાં અભ્યાસ કર્યો. પિતા લકવાગ્રસ્ત થયા પછી તેમણે કૂલી તરીકે અને છત્રી બનાવવાના કારખાનામાં મજૂર તરીકે પણ કામ કરેલું.નાની ઉંમરે જ તેમને પિતાજીનું શિરછત્ર ગુમાવ્યું હતું.

ઉપેન્દ્રભાઈના મોટાભાઈ ભાલચંદ્ર, શિક્ષણવિદ હતા અને મુંબઈમાં રહેતા હતા. પિતાના અવસાન પછી તેમણે બંને ભાઈઓને મુંબઈ બોલાવી લીધાં. મુંબઈમાં અભ્યાસ શરૂ કર્યા બાદ શાળા-કૉલેજમાં નાટકોમાં ભાગ લેવાનું શરૂ કર્યું. ઉપેન્દ્રભાઈ કૉલેજકાળમાં જ નાટકોમાં સક્રિય થઈ ગયાં.મુંબઈ ખાતે કોલેજ લાઇફમાં ઉપેન્દ્ર ત્રિવેદીએ ઘણાં નાટકોમાં કામ કર્યું હતું. તેમનામાં નાટક પ્રત્યેની રૂચી બાળપણથી જ પડી હતી. ઉજ્જૈનમાં હતા ત્યારે રામલીલા જાેવાનો ખૂબ શોખ હતો. ભાઇ અરવિંદ સાથે રાત્રે રામલીલા જાેતા અને દિવસે તેનાં વિવિધ પાત્રોનું અનુકરણ કરતા.

એ દિવસોમાં ગુજરાતી રંગભૂમિમાં બીજી ભાષાના નાટકોનાં ગુજરાતી રૂપાંતરો ભજવવાની બોલબાલા હતી. ત્યારે ઉપેન્દ્રભાઈએ મનુભાઈ પંચોળી ‘દર્શક’ની નવલકથા ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ પરથી નાટક લખ્યું અને દિગ્દર્શન કર્યું તથા તેમાં અભિનય પણ કર્યો. આ નાટક ખૂબ વખણાયું.ઉપરાંત પારિજાત, આતમને ઓઝલમાં રાખ મા,જેવા નાટકોમાં અભિનય કર્યો હતો. તેમણે ફ્રેન્ચ ફિલ્મ ‘ફેની’ પરથી રેતીનાં રતન નામનું એક નાટક બનાવ્યું હતું. જેને આંતરરાજ્ય નાટ્યસ્પર્ધામાં શ્રેષ્ઠ લેખન, દિગ્દર્શન, અભિનયનાં પારિતોષિકો મળ્યાં હતા. તો ‘બાંધવ માડીજાયા’, ‘મેજર ચન્દ્રકાન્ત’, ‘વેવિશાળ’, વગેરે નાટકો માં અભિનયના ઓજસ પાથર્યા.અને ખાસ તો ગુજરાતી રંગભૂમિ પર જે કેટલાંક નાટકો અવિસ્મરણીય બની ગયાં છે તેમાંનું એક ‘અભિનયસમ્રાટ’ તો એટલું વખણાયું કે તેમના નામ સાથે એ યશકલગી જાેડાઈ ગઇ.તેમણે ગુજરાતી નાટક અભિનય સમ્રાટમાં સાત અલગ અલગ ભૂમિકાઓ કરેલી.

તેમણે ’બોમ્બે યુનિવર્સિટી’માંથી, આર્ટ્‌સ વિદ્યાશાખામાં સ્નાતકની ઉપાધી મેળવી હતી. તેમના નાનાભાઈ અરવિંદ ત્રિવેદી પણ જાણીતા અભિનેતા હતા, જેમણે લોકપ્રિય હિન્દી ધારાવાહિક રામાયણમાં રાવણનું પાત્ર ભજવેલું.ગુજરાતી ચલચિત્ર ઉદ્યોગના ખુબ જ જાણીતા અભિનેતા ગણાતા ઉપેન્દ્ર ત્રિવેદીએ ગુજરાતી ચલચિત્રો અને નાટકો એમ બંનેમાં અભિનય કર્યો હતો.

ગુજરાતી ચલચિત્રોના ખ્યાતનામ દિગ્દર્શક મનહર રસકપૂર ઉપેન્દ્રભાઈને ફિલ્મોમાં લાવ્યાં. શરૂઆતમાં તેઓએ કોલેજની ફી ભરવા માટેના પૈસા કમાવા માટે કેટલાંક ગુજરાતી ચલચિત્રોમાં સહાયક ભૂમિકાઓ ભજવેલી ૧૯૬૦માં ‘કાદુ મકરાણી’ તથા ‘મેંદી રંગ લાગ્યો’ માં પ્રથમ ભૂમિકાઓ કરી.૧૯૬૧માં ‘હીરો સલાટ’, ‘વીર રામવાળો’, ૧૯૬૨માં ‘જાેગીદાસ ખુમાણ’, ૧૯૬૩માં ‘વનરાજ ચાવડો’ વગેરે ચલચિત્રોમાં કામ કર્યા બાદ થોડાં વર્ષો ચલચિત્રોથી દૂર થઈ ગયા. થોડો સમય આકાશવાણી સાથે જાેડાયા.ગુજરાત સરકારની કરમુક્તિની નીતિને કારણે ગુજરાતી ચલચિત્રોના નિર્માણને વેગ મળ્યો ત્યારે પ્રારંભનાં વર્ષોમાં ખ્યાતનામ દિગ્દર્શક રવિન્દ્ર દવે તેમને ચલચિત્રોમાં પાછા ખેંચી લાવ્યા.૧૯૭૧ માં રવિન્દ્ર દવે દ્વારા દિગ્દર્શિત ચલચિત્ર જેસલ તોરલ માં ઉપેન્દ્રભાઈએ બહારવટિયા જેસલની ભૂમિકા અસરકારક રીતે ભજવી હતી. ગુજરાતી નાટક અભિનય સમ્રાટમાં તેમનો અભિનય જાેઈને રવિન્દ્ર દવેએ તેમને આ તક આપી હતી. જેસલ તોરલ સફળ વ્યવસાયિક ચલચિત્ર હતું.ત્યારપછી રવિન્દ્ર દવેએ જેટલાં ચલચિત્રો બનાવ્યાં તેમાં ઉપેન્દ્રભાઈએ મુખ્ય ભૂમિકા ભજવી. આમ બધાં મળીને લગભગ સો ઉપરાંત ચલચિત્રોમાં તેમણે ગુજરાતી લોકકથાઓનાં અનેક પાત્રોને પડદા પર જીવી બતાવ્યાં. રાજ્ય સરકારનાં પારિતોષિકો પણ મેળવ્યાં. ફરી વાર નિર્માણ પામેલ ‘કાદુ મકરાણી’ ઉપરાંત ‘સંતુ રંગીલી’,‘રાજા ભરથરી’, વીર માંગડાવાળો,‘રાણકદેવી’, ‘હોથલ પદમણી’, ‘જાેગીદાસ ખુમાણ’,મચ્છુ તારાં વહેતાં પાણી, ‘શેતલને કાંઠે’, ‘ભાદર, તારાં વહેતાં પાણી’, ‘માલવપતિ મુંજ’, ‘પૈસો બોલે છે’, ‘સોન કંસારી’, ‘વેરની વસૂલાત’, ‘અમરસિંહ રાઠોડ’, ‘અમર દેવીદાસ’ ‘માણસાઈના દીવા’, સહિત તેમનાં ઘણાં ચલચિત્રો પ્રસિદ્ધિ પામ્યાં. કેટલાંક હિંદી ચલચિત્રોમાં પણ તેમણે નાનીમોટી ભૂમિકાઓ ભજવી હતી.

તેમણે કેટલાંક ગુજરાતી ચલચિત્રોનું દિગ્દર્શન પણ કરેલું.૧૯૯૩ માં ગુજરાતી લેખક પન્નાલાલ પટેલની જ્ઞાનપીઠ પારિતોષિક પુરસ્કૃત નવલકથા ‘માનવીની ભવાઈ’ નામની નવલકથા પર આધારીત,’માનવીની ભવાઈ’ ફિલ્મ,રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા ચલચિત્ર છે.ગુજરાતમાં પાણીની તંગીના પ્રાણપ્રશ્ન અને ભૂખમરા સામે લડતા માનવીઓની વ્યથાને કેન્દ્રમાં રાખીને ઇ.સ. ૧૯૦૦ ના ભીષણ દુષ્કાળ અંગે તેમણે ‘માનવીની ભવાઈ’માં ખેડૂતોની વેદનાને વાચા આપી.

આ ચલચિત્રમાં વાર્તાના મુખ્ય પાત્ર કાળુની યાદગાર ભૂમિકા તેમણે ભજવી. ચલચિત્રના પટકથા-સંવાદ પણ લખ્યાં અને તેનું દિગ્દર્શન પણ કર્યું. તેમણે મનુભાઈ પંચોળીની ‘ઝેર તો પીધાં જાણી જાણી’ નામક નવલકથા પર આધારિત એ જ નામના ચલચિત્રનું નિર્માણ-દિગ્દર્શન પણ કરેલું.તેમણે ૧૯૯૯માં ચલચિત્ર ‘મા બાપને ભુલશો નહીં’માં નરેશ કનોડિયા સાથે જાેડીદાર તરીકે પ્રથમ વખત અભિનય કરેલો. ઉપેન્દ્ર - સ્નેહલતાની જાેડીએ ૭૦ અને ૮૦ ના દાયકા માં ઘણી બધી સફળ ગુજરાતી ફિલ્મો આપી હતી.તેઓ સતત ૪૦ વર્ષ સુધી આ કારકિર્દીમાં રહ્યા.

 ઉપેન્દ્રભાઈ માત્ર અદાકાર જ નહોતા,પણ વિશ્વસાહિત્યના વાચક અને સાહિત્યરસિક જીવ હતાં. ગુજરાતી લોકસાહિત્યના મર્મજ્ઞ હતા. તેઓ અસરકારક વાણીમાં દુહા, છંદ, અને લોકબોલીની રજૂઆત કરતા હતા.હિન્દી ચલચિત્ર ‘જંગલમેં મંગલ’માં તેમણે પોતાના ભાઈ અરવિંદ ત્રિવેદી સાથે નકારાત્મક ભૂમિકા ભજવેલી.

ઉપેન્દ્ર ત્રિવેદી ૧૯૮૪માં ગુજરાત ધારાસભાની ભિલોડા બેઠક પરથી ચૂંટાઈ અને, રાજકારણમાં જાેડાયા.કાૅંગ્રેસના ઉમેદવાર તરીકે બે વાર તેઓ ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા.તેમણે ૩૧ માર્ચ, ૨૦૦૦ થી ૧૯ જુલાઇ, ૨૦૦૨ સુધી ગુજરાત ધારાસભાના નાયબ અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળેલો. તેઓએ ’ગુજરાતી ફિલ્મ કોર્પોરેશન’નાં ચેરમેન તરીકે પણ સેવાઓ આપી હતી.એ માહિતી, તથા શહેરી ગૃહનિર્માણ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાનપદે પણ રહ્યા હતા.

તેઓને ૧૯૮૯માં પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા. ઉપરાંત તેમને પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા.

૪ જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ વહેલી સવારે, મુંબઈ ખાતેના તેમના નિવાસસ્થાને, શ્વાસને લગતી બિમારીને કારણે, ૭૮ વર્ષની જૈફ વયે તેમનું અવસાન થયું. તેઓ પોતાની પાછળ પત્ની, બે પુત્રો અને લાખ્ખો ચાહકોને સ્મૃતિ અને સંભારણાં સાથે છોડી ગયા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution