દાહોદ, સ્થાનિક સ્વરાજની આગામી ૨૮મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી ચૂંટણીનાં ઉમેદવારી પત્રો ચકાસણીની આજે પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં અધુરી માહિતી વાળા ૧૯ જેટલા ફોર્મ ભરવામાં આવ્યા છે જેથી હાલ દાહોદ નગરપાલિકાના કુલ ૯ વોર્ડની ૩૬ બેઠકો માટે ૧૪૩ ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યાં છે. તેવા સમયે દાહોદ નગરપાલિકાના વોર્ડ નંબર (૪) માં ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચના મહીલા ઉમેદવાર રીનાબેન પંચાલની સામે ઉમેદવારી કરનારા કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના બક્ષીપંચના બંને મહિલા ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતા ભાજપના રીનાબેન પંચાલ વોર્ડ નંબર (૪) માંથી બિનહરીફ ચૂંટાઇ આવતા મતદાન પહેલા જ ભાજપનું ખાતું ખોલવા પામતા ભાજપ લોબીમાં ખુશીનો માહોલ છવાઇ જવા પામ્યો હતો. તેવા સમયે ભાજપે દાદાગીરી ઉમેદવારોને ધાક-ધમકી આપી ફોર્મ પરત ખેંચવા મજબૂર કર્યા ના આમ આદમી પાર્ટીએ ચોંકાવનારા આક્ષેપો કરતા દાહોદના રાજકારણમાં ખળખળાટ મચી જવા પામ્યો છે. દાહોદ નગરપાલિકાના વોર્ડ નંબર (૪)ચાર માં ચાર બેઠકો માટે કુલ ૧૮ જેટલા દાવેદારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા જેમાં ભાજપમાંથી બક્ષીપંચના મહિલા ઉમેદવાર તરીકે રીનાબેન ધર્મેન્દ્રભાઈ પંચાલ, આમ આદમી પાર્ટીમાંથી બક્ષીપંચના મહિલા ઉમેદવાર તરીકે શીતલબેન શીતલ કુમાર પરમાર તેમજ કોંગ્રેસમાંથી બક્ષીપંચના મહિલા ઉમેદવાર તરીકે લીલાબેન પ્રજાપતિ પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું. આજે ઉમેદવારી પત્ર ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. દરમિયાન આમ આદમી પાર્ટીના બક્ષીપંચના મહીલા ઉમેદવાર શીતલબેન પરમાર તથા કોંગ્રેસના બક્ષીપંચના મહીલા ઉમેદવાર લીલાબેન પ્રજાપતિએ ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધા હતા. જેના કારણે ભાજપના બક્ષીપંચના મહીલા ઉમેદવાર રીનાબેન ધર્મેન્દ્રભાઈ પંચાલને બિનહરીફ વિજેતા જાહેર કરાતા ભાજપમાં ખુશીનો માહોલ સર્જાયો છે.