શહેરની એમ.એસ. યુનિવર્સિટીના ઈતિહાસનો સૌથી કલંકિત અને શરમજનક પદવીદાન સમારંભ આજે અત્રે યોજાયો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની હાજરી હોવા છતાં સમારંભસ્થળની બહાર હજારો વિદ્યાર્થીઓ દ્વારા હાય...વી.સી. ... હાય...ના નારા અને પોલીસ સાથે ઘર્ષણના બનાવો બન્યા હતા. એટલું જ નહીં, આ સમારંભ માટે મહત્ત્વની ગણાતી અને યુનિવર્સિટીની સર્વોચ્ચ ગણાતી સેનેટના બે સભ્યોની સમારંભના હોલમાંથી અટક કરાયાના બનાવે યુનિ.ના વર્તમાન સત્તાધીશોની આપખુદશાહીનો ઘૃણાસ્પદ પુરાવો પૂરો પાડયો હતો.
ગેરવહીવટ અને એકહથ્થુ શાસનના કારણે છેલ્લાં ઘણાં વખતથી વિવાદમાં ઘેરાયેલી એમ.એસ. યુનિવર્સિટીના વિવાદાસ્પદ વા.ચા. ડૉ. વિજય શ્રીવાસ્તવ સામે છેલ્લાં લાંબા સમયથી વ્યાપેલા રોષના પડઘા આજે અત્રે ૭૧માં પદવીદાન સમારંભ દરમિયાન પડયા હતા. ગઈકાલે માવઠાને કારણે છેક છેલ્લી ઘડીએ પદવીદાન સમારંભનું સ્થળ ખસેડીને સર સયાજી નગરગૃહ ફાળવવામાં આવ્યું, પરંતુ લગભગ ૧પ હજાર જેટલા ઉત્તીર્ણ વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ, સેનેટ સિન્ડિકેટ સભ્યો અને કેન્દ્રિય મંત્રીની ઉપસ્થિતિને કારણે શૈક્ષણિક સંસ્થાને બદલે રાજકીય પક્ષના બની ગયેલા કાર્યક્રમના કારણે ભાજપના ટોચના નેતાઓથી માંડી કાર્યકરો સુધીના લોકો એકઠા થયા હતા. પરંતુ સમારંભ સ્થળ હૉલમાં માત્ર ૧૧૦૦ લોકોની બેઠક વ્યવસ્થા હોવાને કારણે જેમણે પદવી ધારણ કરવાની તેવા તેજસ્વી વિદ્યાર્થીઓએ પણ સમારંભથી વેગળા રહેવું પડે એવા શરમજનક દૃશ્યો સર્જાયાં હતાં.
યુનિવર્સિટીના સૌથી કલંકિત ૭૧માં પદવીદાન સમારંભ દરમિયાન વિદ્યાર્થીઓ, સેનેટ સિન્ડિકેટ સભ્યો અને યુનિ.ના સિકયુરિટી સ્ટાફ તથા પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવો પણ બન્યા હતા. આયોજનમાં ગંભીર ક્ષતિઓ, ગેરવહીવટ અને બેદરકારી તથા વા.ચા.ના મનસુફીભર્યા વલણને કારણે યુનિ.ના ઈતિહાસમાં કલંકિત બની રહેલા આજના આ ૭૧મા પદવીદાન સમારંભના મુખ્ય અતિથિપદે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હોવાથી કેન્દ્રિય સુરક્ષા એજન્સીઓ તથા સ્થાનિક પોલીસ પણ સંપૂર્ણ સજ્જતા સાથે તહેનાત હોવા છતાં ઘર્ષણ, અટક અને હાય... વા.ચા. ... હાય... જેવા ગગનભેદી સૂત્રોચ્ચારોએ આજના આ પદવીદાન સમારંભે યુનિ.ના આપખુદ વા.ચા. ડૉ. વિજય શ્રીવાસ્તવની કારકિર્દી પર પ્રશ્નચિહ્ન મૂકી દીધાનું યુનિ.ના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.