અનોખો વ્યવસાયઃ સાડી ડ્રેપર

લેખકઃ ખ્યાતિ શાહ | 

‘મૉમ, જાે તો સાડી બરાબર પહેરી છે?’ અમેરિકા ભણવા ગયેલી દીકરી વિડીયો કૉલ કરી મમ્મીને બતાવી રહી હતી.

‘શું વાત છે એકદમ સરસ સાડી પહેરી છે ને! કોણે પહેરાવી દીધી?’ ‘મમ્મી અહીં કોણ પહેરાવી દે. જાતે પહેરી છે.’

‘શું વાત છે! તને સાડી પહેરતા આવડી ગઈ!’

‘મમ્મી, ડોલી જૈનનાં ટ્યુટોરિયલ જાેઈ પહેરતા શીખી. અમારી કોલેજમાં ઇન્ડિયન ફેસ્ટિવલ છે અને તને જાણી નવાઈ લાગશે કે કેટલીક અમેરિકન ગોરી છોકરીઓ પણ સાડી પહેરીને આવે છે!’

‘આ ડોલી જૈન કોણ છે?’

‘મૉમ, તું ઇન્સ્ટા, ફેસબુક કે યૂટ્યૂબ પર સર્ચ કરજે. પ્રોફેશનલ સાડી ડ્રેપર છે!’

સાડી એ આપણો પારંપરિક પોશાક, પેઢી દર પેઢીથી વારસામાં ઘરની સ્ત્રીઓ સાડી પહેરતા નવી પેઢીને શીખવતી આવી છે. જ્યારે કોઈ સ્ત્રી મદદ કરનાર ન હોય ત્યારે ઘરના પુરુષ સ્ત્રીને સાડીની પાટલી કરવામાં મદદ કરતાં પણ જાેયાં હશે. નવી નવી પરણેલી સ્ત્રીને સાડી પહેરવામાં મદદ કરતાં પતિ પોતાનો પ્રેમ જતાવે છે. તો વળી ક્યાંક દીકરો મમ્મીને પાટલીની ઘડી બરાબર કરી આપતો જાેવા મળે. લગ્નપ્રસંગે કે કોઈ ખાસ પ્રસંગે સ્ત્રીઓ બ્યુટી પાર્લરમાં તૈયાર થવા લાગી અને ત્યાં જ મેકઅપ આર્ટિસ્ટ સાડી કે દુપટ્ટા અલગ અલગ રીતે પહેરાવી તૈયાર કરતાં થયાં. ડીઝાઈનર રેડી-ટુ-વેર સાડી પણ હવે તો માર્કેટમાં આવી ગઈ છે! વેસ્ટર્ન, ઇન્ડો-વેસ્ટર્ન પોશાકોની વિશાળ રેન્જ વચ્ચે પણ હજુ આપણી સાડીએ પોતાનું આગવું સ્થાન બરાબર જાળવી રાખ્યું છે. લગ્નપ્રસંગ હોય, પૂજા કે ફેમિલી ગેધરિંગ હોય કે પછી કોર્પોરેટ મીટ એક વર્ગની સ્ત્રીઓ માટે સાડી હજુ પણ પહેલી પસંદ છે. સાડી પહેરવાની આગવી સ્ટાઇલથી સ્ત્રીનું વ્યક્તિત્વ ખીલી ઊઠે છે.

ભારત એની વિવિધતા માટે જાણીતો છે. બાર ગામે જેમ બોલી બદલાય, રીતભાત બદલાય એમ જ દરેક પ્રદેશમાં બનતી સાડી અને ત્યાંની સ્ત્રીઓની સાડી પહેરવાની સ્ટાઈલ પણ બદલાય છે. સાડીના મટિરિયલ એની ભાત મુજબ એની પહેરવાની રીતમાં ફેર જાેવા મળે. બંગાળની સ્ત્રીઓ બંગાળી ઢબે સાડી પહેરે અને પલ્લુનાં એક છેડે ચાવીનો જુડો બાંધી ખભાની પાછળની તરફ ઢળતો રાખે. ગુજરાતી સ્ત્રીઓ આગળ પલ્લુ રાખે જ્યારે પારસી સ્ત્રીઓ આગળ લાંબો પલ્લુ રાખે. મહારાષ્ટ્રીયન ખારવા સ્ત્રીઓ નવ વારી સાડી ધોતીની રીતે પહેરે. તો આસામમાં મેખલા સાડી બે ભાગમાં હોય, એક કમરે વીંટાળી પહેરવામાં આવે ને બીજાે ભાગ દુપટ્ટાની જેમ એના ઉપર પહેરવામાં આવે. ભૌગોલિક સ્થાન મુજબ ભારતના અલગ અલગ રાજ્યોમાં સાડીઓની અનેક વેરાયટી જાેવા મળે છે. ચંદેરી, મહેશ્વરી, પૈઠની, કાથા, કોરલ રેશમ, કોસા સિલ્ક, કાંચીપુરમ, બનારસી, ભાગલપુરી, જામદાની, બંધેજ, પટોળા વગેરે સાડીઓ ખૂબ પ્રખ્યાત છે. બોલીવુડ ફિલ્મોએ સાડીને પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિધ્ધિ અપાવી છે. વિદેશમાં વસતાં મૂળ ભારતીયો પારંપરિક રિતરીવાજ સાથે ભવ્ય લગ્નપ્રસંગો કરે છે અને દેશી વિદેશી મહેમાનો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ જાેવા મળે છે. સેલિબ્રિટીઓના લગ્નપ્રસંગ કે પાર્ટીમાં પણ નોખી રીતે સાડી પહેરવાનો ટ્રેન્ડ જાેવા મળે છે. ત્યારે ફેશન ઈન્ડસ્ટ્રીમાં સ્ત્રીઓ માટે અનોખી કારકિર્દીના દ્વાર ખૂલ્યા છે ‘સાડી ડ્રેપર’.

છેલ્લા થોડા વર્ષોમાં ફેશન ઈન્ડસ્ટ્રી અને સેલિબ્રિટીઓમાં ડોલી જૈનનું નામ સાડી અને દુપટ્ટા ડ્રેપિંગ આર્ટિસ્ટ તરીકે ખૂબ જાણીતું થયું છે. સોનમ કપૂર, દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપરા, ઈશા અંબાણી આ દરેકના લગ્નના પોશાકો તો અલગ અલગ ડિઝાઈનરે તૈયાર કરેલા પણ બધામાં કોમન હોય તો એમને લગ્નની સાડી પહેરાવનાર ડોલી જૈન. જે સ્ત્રીઓ પ્રસંગોપાત સાડી પહેરે છે તેમને માટે સાડી પહેરવી એ ખૂબ સમય માંગી લેતું કામ છે. ડોલી અલગ અલગ ૩૨૫ રીતે સાડી પહેરાવવાની રીતમાં માહેર છે અને સૌથી ઓછા સમય એટલે કે માત્ર ૧૮.૫ સેકન્ડમાં સાડી પહેરાવી તેમણે લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. ડોલી એક ગૃહિણી હતાં અને આગવી શૈલીથી સાડી પહેરવા બદલ તેમની હંમેશાં પ્રશંસા થતી હતી. લગ્ન પછી જુદી જુદી રીતે સાડી પહેરવાના શોખને કારણે તેઓ સાડી પહેરવાની નવી નવી રીત શીખતાં અને બીજી સ્ત્રીઓને પણ પહેરવામાં મદદ કરતાં. સાડી પહેરાવવાની તેમની આ આવડત તરફ ડિઝાઇનર સંદીપ ખોસલાનું ધ્યાન ગયું અને તેમણે તેમને સાડી ડ્રેપિંગ આર્ટને વ્યાવસાયિક કારકિર્દી બનાવવા પ્રોત્સાહિત કર્યા. આજે ડોલી જૈન પાસે સેલિબ્રિટી ગ્રાહકોનું લાંબું લિસ્ટ છે. સાડી પહેરાવવા બદલ તેઓ ૩૫ હજારથી બે લાખ જેટલો ચાર્જ કરે છે! ડોલી જૈનનો ઉદેશ્ય છે કે યંગ જનરેશનમાં સાડીને પોપ્યુલર બનાવે. સોશિયલ મીડિયા પર યંગ જનરેશનને ધ્યાનમાં રાખી જુદી જુદી રીતે કેવી રીતે જાતે સાડી પહેરવી અને સાડી પહેરતા પડતી મુશ્કેલીઓ કેમ નિવારવી એ માટે તેઓ શોર્ટ વિડીયો મુકતા રહે છે. ડોલી જૈન એક સામાન્ય ગૃહિણીમાંથી પોતાના શોખ પેશનને સાવ જ અનોખા વ્યવસાયમાં રૂપાંતરિત કરવા માટેની પ્રેરણા આપે છે.

ડોલી જૈન પહેલા આ ક્ષેત્રમાં પહેલું નામ આપણા ગુજરાતી કલ્પના શાહનું આવે, જે મુંબઇમાં પ્રોફેશનલ સાડી ડ્રેપર તરીકે જાણીતાં હતાં. હવે તો સાડી ડ્રેપર તરીકે પુરુષો પણ જાેવા મળે છે! યુવા પેઢી આપણાં સૌથી પ્રાચીન પોષાક સાડીને પહેરતી થાય અને છ વારની સાડીનો વ્યાપ વિશ્વભરમાં ફેલાય એ આશય સાથે ભારતીય સાડીને આંતરરાષ્ટ્રીય ફેશન જગતમાં આગવું સ્થાન અપાવવામાં સાડી ડ્રેપર્સનું આગવું સ્થાન છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution