દિલ્હી-
ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળ ચૂંટણી માટે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી દીધી છે. ભાજપના મહાસચિવ અરૂણ સિંહે કહ્યુ કે, કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો પણ વિધાનસભા ચૂંટણી લડશે. સુપ્રિયોને ટોલીગંજથી ટિકિટ આપવામાં આવી છે.
તો એભિનેતા યશદાસગુપ્તાને ચંડીતલાથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. સાંસદ લોકેટ ચેટર્જી ચુરચુરાથી ચૂંટણી લડશે. અંજના બાસુ સોનારપુર સાઉથથી, રાજીવ બેનર્જી ડોમજુરથી, પાયલ સરકાર બેહાલા ઈસ્ટથી અને અલીપુરદ્વારથી અશોક લાહિરીને ટિકિટ આપવામાં આવી છે. ભાજપના આ લિસ્ટમાં ઘણા સાંસદ, અભિનેતા-અભિનેત્રી અને જાણીતા નામ છે.
મહત્વનું છે કે બંગાળ ચૂંટણી માટે ભાજપે ત્રીજુ લિસ્ટ જાહેર કર્યું છે. તેમાં કુલ ૨૭ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રબીન્દ્રનાથ ભટ્ટાચાર્યનું નામ પણ સામેલ છે. જેને સિંહપુરથી ટિકિટ મળી છે. સ્વપ્ન દાસ ગુપ્તાને તારકેશ્વરથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. નિશિત પરાનિકને દીનહાટા સીટથી, ઇંદ્રનીલ દાસને કાસબાથી, અભિનેત્રી તનુશ્રી ચક્રવર્તીને હાવડા શ્યામપુરથી ટિકિટ આપવામાં આવી છે.
તો તમિલનાડુના ઉમેદવારોના નામની જાહેરાત કરતા ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરૂણ સિંહે કહ્યુ કે, તમિલનાડુમાં ભાજપ એનડીએ સાથે મળી ચૂંટણી લડી રહ્યું છે. અમે રાજ્યમાં ૨૦ સીટો પર લડીશું. પ્રદેશ અધ્યક્ષ એલ મુરૂગન ધારાપુરમથી ચૂંટણી લડશે. વરિષ્ઠ નેતા એચ રાજા કરાઈકુડીથી ચૂંટણી લડશે. ભાજપ કેરલમાં ૧૧૫ સીટો પર ચૂંટણી લડશે અને બાકી ૨૫ સીટો ચાર પાર્ટીઓ માટે છોડવામાં આવશે. ઈ શ્રીધરન પલક્કડ વિધાનસભાથી ચૂંટણી લડશે. તો કેરલ ચૂંટણીમાં પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કુમ્મનમ રાજશેખરન નેમોમ સીટથી ચૂંટણી લડશે.