ગાંધીનગર-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના 3 દિવસના પ્રવાસ પર છે, ત્યારે આજે તેઓ સાણંદના નિધરાડ ખાતે કાર્યક્રમમાં હાજરી આપી હતી. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના નિધરાડ ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં સગર્ભા બહેનોનો પૌષ્ટિક લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા અને દસ્ક્રોઈ તાલુકાની 3,844 સગર્ભા બહેનોને પૌષ્ટિક લાડુનું વિતરણ કરવામાં આવશે. 'સહી પોષણ, દેશ રોશન' તેમજ 'હર ઘર પોષણ'ના વિચારને સાર્થક કરતાં આ કાર્યક્રમના લાભાર્થી બહેનોને સંબોધીને કેન્દ્રીય ગૃહમંત્રીએ પત્ર પણ લખ્યો હતો. સગર્ભા બહેનોને પોષક અને સમતોલ આહાર લેવાનો આગ્રહ કરતાં લખ્યું છે કે, સગર્ભાવસ્થાથી બાળકની 2 વર્ષની ઉંમર સુધીનો 1 હજાર દિવસનો સમયગાળો સુવર્ણ દિવસ ગણાય છે. આ સમય દરમિયાન માતા અને બાળકની તંદુરસ્તી અને સલામતી એ પરિવારની અને સમાજની જવાબદારી છે. જોકે આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અવનિ લેખરાએ ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ યોગેશ કથુનિયા અને દેવેન્દ્ર ઝાઝરિયાએ સિલ્વર તો સુંદર સિંહે બ્રૉન્ઝ મેડલ જીત્યો હોવાથી દરેકને શુભકામનાઓ પાઠવી હતી.