અપેક્ષા વગરનું સમર્પણ એ જ સાચો પ્રેમ છે!

લેખકઃ ડો.ચિરાયુ જયસ્વાલ | 

સમ્યકના આંતરિક અને બાહ્ય, બંને જીવનમાં સરિતા સ્થાન મેળવી ચૂકી હતી. સરિતાને લઈને તેના મનમાં કોઈ વિરોધાભાસ ન હતો. પરંતુ સરિતાનાં જીવનમાં સમ્યકનું સ્થાન માત્ર બાહ્ય રીતે હતું. સમાજના નિયમો, પરિવારના પ્રશ્નો અને ડરની માનસિકતાના કારણે તેણે સમ્યકને પોતાના પતિ તરીકે સ્વીકાર્યો હતો. પરંતુ તેના આંતરમનની જીવનસાથીની કાલ્પનિક દુનિયા પ્રમાણે સમ્યક ફિટ નહોતો બેસી રહ્યો.તેમ છતાં તેણે પોતાની સમજણ પ્રમાણે સમ્યક અને તેના પરિવારની સાથે જાેડાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો હતો.

બર્થડે સેલિબ્રેશન, ગિફ્ટ આપવી, પારિવારિક સમસ્યાઓમાં સહકાર આપવો, આર્થિક સહયોગ વગેરે જેવી અનેક સામાજિક અને વ્યાવહારિક પ્રક્રિયાઓમાં સરિતા અગ્રેસર રહેતી હતી. સમ્યક સાથેનું તેનું સામાજિક જાેડાણ સો ટકા સફળ રહ્યું હતું પરંતુ શારીરિક અને માનસિક જાેડાણમાં તેને તકલીફ થઈ રહી હતી. એક તરફ બાળણથી જ તેના મનમાં શારીરિક સંબંધો પ્રત્યે ડર, નકારાત્મક વલણ અને ગેરસમજાે ઉત્પન્ન થયેલી હતી અને બીજી તરફ સમ્યક પ્રત્યે તેનું કોઈ ખાસ આકર્ષણ પણ ન હતું. આવી સ્થિતિમાં શારીરિક સંબંધો વખતે સરિતા તરફથી માત્ર ઔપચારિક સહયોગ સમ્યકને મળતો હતો. આંતરિક અને બાહ્ય જીવનના વિરોધાભાસના કારણે સરિતા સમ્યક સાથે ક્યારેય કોઈ વાત ખૂલીને કરી શકતી ન હતી જેના કારણે બંને વચ્ચે મિત્રભાવનો પણ અભાવ રહેતો હતો.

સમ્યક પોતે મનોજગતની ઊંડી સમજણ ધરાવતો હતો. જેથી તેના મનમાં સરિતાને લઈને ઘણા સવાલો થતાં હતાં. શારીરિક સંબંધોમાં તેનો વ્યવહાર, વ્યક્તિગત વાતો કરતી વખતે ખુલ્લા મનનો અભાવ વગેરે જેવી અનેક નાની નાની વાતોમાં સમ્યક અનુભવી રહ્યો હતો કે સરિતા માનસિક રીતે તેની સાથે નથી જાેડાઈ રહી કે નથી તે દિશામાં કોઈ પ્રયત્ન કરી રહી. જેથી સમ્યકે બંનેના માનસિક જાેડાણ માટે શાંત રહીને ઘણા પ્રયત્નો કર્યા હતાં. તે પ્રયત્નોમાં નિષ્ફળતા મળતાં સમ્યકે આ વાતની ચર્ચા સરિતા સાથે ખુલ્લા મનથી કરી હતી. જેમાં સરીતાએ જણાવ્યું કે, “તમારી વાત સાચી છે અને હું તમારી સાથે યોગ્ય રીતે નથી જાેડાઈ શકતી તેનું કારણ મારા પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓ છે. તેના કારણે હું સતત તણાવમાં રહું છું.”

આમ કહીને સરિતાએ વાસ્તવિક વાતને ડરના કારણે દબાવી દીધી. સમ્યકને સરિતાનાં પરિવારની સમસ્યાઓનો લગ્ન પહેલાથી જ ખ્યાલ હતો અને તે સમસ્યાઓના સમાધાન માટે પણ તે હંમેશા સરિતાને સહયોગ આપતો હતો. પરંતુ તેની અને સરિતાની વચ્ચે પ્રેમ અને આત્મિયતાના અભાવનું મૂળ કારણ સરિતાની પારિવારિક સમસ્યાઓમાં છુપાયેલું છે તે વાતનો અહેસાસ સમ્યકને પ્રથમ વખત થયો હતો.

 સમ્યકના મનની એક માત્ર ઈચ્છા સરિતાનાં મનને જીતીને તેના પ્રેમને પ્રાપ્ત કરવાની હતી. તેને ખ્યાલ હતો કે સત્ય અને પ્રેમ આ બે અમૂલ્ય છે જેને પ્રાપ્ત કરવા માટે પ્રામાણિકતા, ધૈર્ય, સાહસ અને સમર્પણ ખૂબ જરૂરી છે. જેથી ત્યારબાદ તેણે સરિતાના જીવનના અને તેના પરિવારના દરેક પ્રશ્નો અને સમસ્યાઓને પોતાના માનીને તેને હલ કરવાનો દ્રઢ ર્નિણય લીધો અને એ દિશામાં આગળ વધ્યો હતો.

પ્રેમ પ્રાપ્તિની ઇચ્છાને સકારાત્મક અભિગમથી પૂરી કરતાં કરતાં લગ્નના સત્તર વર્ષ પસાર થઈ ગયાં હતાં. તે દરમિયાન બંને બે બાળકોના માતા-પિતા બની ગયાં હતાં. સરિતાની પારિવારિક સમસ્યાઓ ઘટવાની જગ્યાએ વધી રહી હતી જેના કારણે તેમજ સમ્યક પ્રત્યેના અણગમાના કારણે તેને સમ્યકના સમર્પણ અને પ્રેમની કોઈ કદર ન હતી.

બાળકો અને સમ્યક પ્રત્યેનો તેનો સ્વભાવ વધુ ચીડચીડિયો અને ગુસ્સાવાળો થઈ રહ્યો હતો. તેમ છતાં સમ્યક પોતાના માતા – પિતાનો વાંક હોય ત્યારે તેનો વિરોધ કરીને સરિતાના પક્ષમાં ઊભો રહેતો હતો. સમ્યકને ત્યારે ખૂબ દુઃખ થતું અને ગુસ્સો આવતો જ્યારે સરિતા પોતાના પિયર પક્ષના વ્યક્તિઓ અને સમ્યક વચ્ચે તુલના કરતી અને સમ્યકને નીચો અથવા ખોટો સાબિત કરવાનો પ્રયત્નકરતી હતી. જેના કારણે ઘણી વાર બંને વચ્ચે ઝઘડાઓ થતાં હતા.લગ્નના પાંચેક વર્ષ પછી તો ઝઘડાઓ એટલી હદ સુધી વધી ગયા હતા કે સમ્યક પોતાના ગુસ્સા ઉપરનો કાબૂ ગુમાવી દેતો અને સરિતા ઉપર વારંવાર હાથ ઉગામી દેતો. જેના કારણે બંને વચ્ચેની માનસિક દૂરી ખૂબ વધી ગઈ હતી.

લગ્નના સત્તર વર્ષ બાદ સમ્યક જ્યારે મારી પાસે આવ્યો ત્યારે કાઉન્સેલિંગ દરમિયાન તેને સમજાવવામાં આવ્યું કે સરિતાનો પ્રેમ મેળવવાના ચક્કરમાં તે પોતાની આધ્યાત્મિક વિચારધારા, ધૈર્ય, શાંત સ્વભાવ અને આંતરીક ઊર્જાનું તાદાત્મ્ય ગુમાવી રહ્યો છે. તેને પાછું મેળવવા તેણે પ્રેમ મેળવવાની પોતાની માનસિક ઝંખનાનો ત્યાગ કરીને સરિતા અને બાળકોના સુખ માટે જીવન જીવવું ખૂબ જરૂરી છે. ત્યારબાદ સમ્યકે નક્કી કર્યું કે તે હવે કોઈ પણ પ્રકારની શારીરિક સુખ કે માનસિક પ્રેમની અપેક્ષા રાખ્યા વગર પરિવારના સુખ માટે જીવન જીવશે.

પ્રેમની માંગથી મુક્ત થયેલી સરિતાનાં જીવનમાં પણ સમ્યકના આ ર્નિણયથી શાંતિનો અનુભવ થયો. પરંતુ અઢી વર્ષ બાદ ફરીથી સરિતા દ્વારા એક એવી ઘટના ઘટી કે જેના કારણે સમ્યક માનસિક રીતે પડી ભાંગ્યો. પૂર્ણ સ્વતંત્રતા અને શાંતિના વાતાવરણમાં સરિતા એક યુવકના સંપર્કમાં આવી.

આ પ્રેમ સંબંધ માત્ર માનસિક રીતે આગળ વધ્યો હતો. જેના કારણે સરિતાની લગ્ન પહેલાની દબાવી દીધેલી અપેક્ષાઓ જીવંત થઈ. આ વાત સમ્યકને ખ્યાલ આવતા તેણે શાંતિથી સરિતાની ભાવનાને સમજવાનો પ્રયત્ન કર્યો ત્યારે સરિતાએ જણાવ્યું કે, “તમે મારી ચોઈસ ક્યારેય ન હતા. લગ્નનો દિવસ મારા માટે સૌથી દુઃખદ દિવસ હતો. આ લગ્ન કરવા એ મારી પારિવારિક મજબૂરી હતી.”

પોતે જે પ્રેમ મેળવવાની અપેક્ષા રાખી હતી તે પ્રેમ સરિતાની આંખોમાં બીજા કોઈ વ્યક્તિ માટે છલકાઈ આવતો હતો તે જાેઈને સમ્યક ઊંડા આઘાતમાં સરી પડ્યો. સમ્યક માટે પ્રેમ અને સત્ય અતિ મૂલ્યવાન હતાં. સરિતાએ આટલા વર્ષો બાદ પ્રથમ વખત સમ્યક સમક્ષ ખુલ્લા મનથી પોતાની સાચી ભાવના વ્યક્ત કરી હતી. સમ્યક ઈચ્છતો ન હતો કે સરિતા તેની સાથે કોઈ સામાજિક મજબૂરીના કારણે સંબંધ રાખે. તે જાણતો હતો કે સ્વતંત્રતાના માધ્યમથી જ મનમાં રહેલા સત્ય અને પ્રેમને બહાર લાવી શકાય છે. તેણે સરિતાને તેના પ્રેમી અથવા પતિ બેમાંથી એકને પસંદ કરવાનું કહ્યું ત્યારે સરિતાએ પ્રેમીને પસંદ કર્યો પરંતુ સામાજિક ડરના કારણે પતિ તરીકેના સંબંધને મજબૂરીમાં ચાલુ રાખવાનું જણાવીને સરિતાએ બંને સંબંધો જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. આ વાત સમ્યકને મંજૂર ન હતી જેના કારણે બંનેની વચ્ચે ફરીથી તીવ્ર સંઘર્ષ ઊભો થયો અને ત્યારબાદ સામાજિક બદનામી થતાં સરિતાએ પ્રેમી સાથેના સંબંધો ઉપર મજબૂરીમાં પૂર્ણ વિરામ મૂક્યું.

આજે સમ્યક અને સરિતા એક જ ઘરમાં રહી રહ્યા છે. કાઉન્સેલિંગના કારણે સમ્યક પોતાની આધ્યાત્મિક જીવનની યાત્રામાં પરત ફરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તેના મનમાં સરિતાનો પ્રેમ મેળવવાની ઈચ્છા સાવ મરી ચૂકી છે છતાં તે કોઈ અપેક્ષા વગર સરિતા અને બાળકોના સુખ માટે જીવન સમર્પિત કરી રહ્યો છે. સરિતાને સમ્યક પ્રત્યે લાગણી છે પણ એ સાથે તેને એ ખ્યાલ છે કે તે સમ્યકને પ્રેમ કરવા માટે અસક્ષમ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution