ભચાઉ, ભચાઉની બેંકમાં સ્લીપ ભરતી વેળાએ અધિકારી દ્વારા થયેલા અપમાન બાદ પિતાએ સંતાનોને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું અને ચોબારીને મળ્યા પ્રથમ પી.આઇ. અને તબીબ.સાંપ્રત સમયમાં ચોબારી આહીર સમાજમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે તેમ છતાં એક સામાન્ય પરિવારમાંથી ચોબારીને પ્રથમ પી.આઇ. અને તબીબ મળ્યા છે.ચોબારીના મેરામણભાઇ વરચંદ ભચાઉની બેંકમાં કામ અર્થે ગયા હતા ત્યારે સ્લીપમાં ભૂલ હોવાથી બેંકના અધિકારીએ તે સ્લીપ ફાડી નાખી, અપમાન કરતાં તે અપમાને જ મેરામણભાઇના જીવનમાં બદલાવ લાવી દીધો હતો.ત્યારે જ તેમણે નક્કી કર્યું હતું કે, પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવીશ.મેરામણભાઇએ આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં સંતાનોને ભણાવ્યા અને સૌથી નાના પુત્ર મહેશ બી.મિકેનિકલ એન્જિનિયર અને બીજાે પુત્ર હમીર એમબીબીએસ કરી તબીબ બન્યો હતો. પતિના અવસાન બાદ પત્ની અમીબેને હિંમત ન હારી નાના પુત્ર મહેશને ભણાવ્યો. મહેશે જીપીએસસીની પરીક્ષા પાસ કરીને ગાંધીધામમાં ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે સેવા આપી હતી. પી.આઇ.ની પરીક્ષા પાસ કરતાં ચોબારીને પ્રથમ પી.આઇ. મળ્યા છે. મેરામણભાઇના અન્ય બે પુત્રોખેતી સંભાળે છે.પી.આઇ. મહેશ વરચંદે કહ્યું કે,મારી માતા અભણ હોવાથી ડિગ્રીઓ કે, ઉચ્ચ શિક્ષણ વિશે સમજી શકતા ન હતા, જેથી હું એમને ૧૫ ચોપડી કે, ૨૦ ચોપડી સુધી ભણ્યો હોવાનું કહેતાં જ તેઓ રાજીના રેડ થઇ જતાં હતા. અભ્યાસ દરમ્યાન પરિવારના અન્ય સદસ્યો મારી માતાને છોકરાને ખેતીમાં જાેતરીને બે પૈસા કમાવવાની સલાહ આપતા પરંતુ તેમનો એક જ ધ્યેય હતો કે, પુત્ર વધુને વધુ ભણે. અનેક ચંદ્રકો મેળવ્યા બાદ અને પી.આઇ. બનીને મારી માતા સમક્ષ હું હાજર થયો ત્યારે મારી માતા પોલીસ ઇન્સ્પેક્ટર સમજી શકતા ન હતા પરંતુ મોટો પોલીસવાળો બન્યો હોવાની વાતથી અનહદ ખુશ થતા હતા.