ઈ-ગ્રામ યોજના હેઠળ ભારતી એરટેલને બે વર્ષમાં રૂપિયા ૨૨.૩૧ કરોડ ચૂકવાયા

ગાંધીનગર, રાજ્યમાં પંચાયત ઈ-ગ્રામ યોજના હેઠળ કનેક્ટિવિટી માટે ભારતી એરટેલને બે વર્ષમાં રૂ. ૨૨.૩૧ કરોડની રકમ ચુકવવામાં આવી હોવાનું રાજ્યના પંચાયત મંત્રીએ વિધાનસભામાં લેખિતમાં જણાવ્યું હતું. વિધાનસભામાં આજે પ્રશ્નોતરી સમય દરમિયાન માંગરોળના ધારાસભ્ય બાબુભાઈ વાજાએ સવાલ કર્યો હતો કે, તા. ૩૧-૧૨-૨૦૨૦ની સ્થિતિએ રાજ્યમાં પંચાયત ઈ-ગ્રામ યોજના હેઠળ કેટલી એમબીપીએસ સ્પીડ માટે બ્રોડબેન્ડ કનેક્ટિવિટી ખરીદવાનો કઈ કંપની સાથે કરાર કે સમજૂતી કરેલ છે? અને ઉક્ત સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં વર્ષવાર ઉક્ત કામગીરી સંબંધમાં કેટલી રકમ ચૂકવવામાં આવી છે? ધારાસભ્ય બાબુભાઈ વાજાના સવાલના પ્રત્યુત્તરમાં રાજ્યના પંચાયત મંત્રીએ લેખિતમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં પંચાયત ઈ-ગ્રામ યોજના હેઠળ ૫૧ એમબીપીએસ બ્રોડબેન્ડ કનેક્ટિવિટી માટે મેસર્સ ભારતી એરટેલ લી. સાથે કરાર કરવામાં આવ્યા છે. જેમાં ઉક્ત સ્થિતિએ વર્ષ ૨૦૧૯માં રૂ.૧૩.૧૨ કરોડની રકમ અને વર્ષ ૨૦૨૦માં રૂ.૯.૧૯ કરોડની રકમ મળીને બે વર્ષમાં કુલ રૂ. ૨૨.૩૧ કરોડની રકમ મેસર્સ ભારતી એરટેલ લી. ને ચુકવવામાં આવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution