આણંદ, તા.૫
આણંદ જિલ્લામાં કોરોના મહામારી અને સંક્રમણના સમયમાં ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને આર્થિક રાહત થાય અને નાણાં ઘરમાં આવે આ માટે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારમાં રોજગારી આપતા વિકાસના અને તળાવ ઊંડું કરવાના કામોની શરૂઆત કરવામાં આવી છે. જેનાં કારણે ગ્રામિણજનોને રોજગારી પ્રાપ્ત કરી પોતાના પરિવારનું પેટીયું રળી શકે.
આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ગંભીરા ગામમાં હાલમાં મનરેગા અંતર્ગત અંદાજે ૧૮૦ શ્રમિકો તળાવ ઊંડું કરવાની કામગીરીમાં જોડાઈ રોજગારી મેળવી રહ્યાં છે. જેમાં મહત્વની વાત એ છે કે મોટી સંખ્યામાં મહિલાઓ જાડાઈને રોજગારી મેળવી રહી છે. અહીં મનરેગા યોજના હેઠળ જાડાયેલ શ્રમિકોને માસ્ક તેમજ સમયાંતરે હેલ્થ ચેકઅપની પણ કામગીરી કરવામાં આવી રહી છે. સાથો સાથ શ્રમિકોને છાશ વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.
મનરેગા યોજના ગંભીરા ગામે રોજગારી મેળવી રહેલાં સુધાબેન પઢીયાર કહે છે કે, કોરોના વાઈરસના કારણે અમારે ઘરમાં બેસી રહેવું પડ્યું હતું અને અમારી પાસે આવક મેળવવાનો કોઈ જ અન્ય વિકલ્પ ન હતો. સતત ચિંતા સતાવતી રહેતી કે કપરાં સમયમાં કેવી રીતે પોતાનું ગુજરાન ચલાવીશું. સરકાર દ્વારા મનરેગા યોજનાની શરૂઆત કરતાં અમારી ચિંતામાં ઘટાડો થઈ ગયો છે. સુધાબેન વધુમાં જણાવે છે કે, મનરેગા યોજના અંતર્ગત ગંભીરા ગામના તળાવને ઊંડા કરવાની કામગીરી મળતાં જ તેમાં જાતરાઈ ગઈ હતી. કોરોનાની બીમારી ચાલી રહી હોવાથી અમે કામગીરી દરમિયાન એક બીજાથી દૂર રહીને કામગીરી કરી રહ્યાં છે. અહીં અમને માસ્ક વિતરણ અને સમયાંતરે હેલ્થ ચેકઅપ પણ કરવામાં આવી રહ્યું છે. હું ખૂબ ખુશ છું કે રોજગારી આપવાની સાથો સાથ અમારાં આરોગ્યની પણ કાળજી લેવાઈ રહી છે. અન્ય લાભાર્થી ચિમનભાઈ પઢિયાર જણાવે છે કે, મનરેગા યોજના થકી તળાવ ઊંડા કરવાની કામગીરી મળતાં હવે રોજગારીનો પ્રશ્નદૂર થઈ ગયો છે. હવે અમારે રોજગારી મેળવવા માટે અન્ય કોઈ જગ્યાએ નહીં જવું પડે.