અનકન્ડિશનલ લવ બદલાઈને નહીં પણ જે છો તે બનીને પ્રેમ કરો

લેખકઃપુર્વાંગી શુક્લ | 

પ્રેમ એવી લાગણી છે જેને શબ્દોમાં વ્યક્ત નથી કરી શકાતી. આ લાગણીઓને માત્ર અનુભવ જ કરી શકાય છે. પણ આજના સમયમાં પ્રેમ અને સાચા વ્યક્તિ સાથેનો પ્રેમ ઓળખવો ખૂબ મુશ્કેલ છે. ક્યાંક પ્રેમના નામે તમે છેતરાઈ તો નથી રહ્યાને? આ જાણવું અને સમજવું ખૂબ જરૂરી છે. પ્રેમ જાળમાં ફસાવીને શારીરિક શોષણ કરવું અને ધાક ધમકી આપવી તથા ધાર્યું કરાવવાની માંગ કરવી જેવા કેટલા કિસ્સા બની રહ્યા છે. અને માટે જ પ્રેમની સાચી હકીકત જાણવી આજની સ્ત્રીઓને તાતી જરૂર છે. ક્યાંક એવા હેવાનોને તો નથી મળી રહ્યાને જે આગળ જતાં તમારો મિસયુઝ કરે. અને તમે તે ચક્રવ્યુહને નાથી ન શકો.તો પ્રેમમાં છો પણ કન્ડિશન સાથે છો તો આ ઉપયોગી માહિતીને વાંચો.

૧) તમે જે છો તેના બદલવાની માંગણી પ્રેમ નથી

જ્યારે બે વ્યક્તિ એકબીજાને પ્રેમ કરે છે ને ત્યારે કોઈ કંડિશન નથી હોતી. બસ પ્રેમ કરે છે. જે જેવા છે તેને સ્વીકારે સંપૂર્ણપણે. પ્રેમની લાગણીમાં વહી જઈને આપણે “હું” ને ક્યાંક ભુલી જઈએ છીએ. અને જ્યારે ગળાડૂબ પ્રેમમાં હોઈએ છીએ ત્યારે સામે પક્ષની નકારાત્મકતા અને અયોગ્ય માંગણીઓને સમજી નથી શકતા. કારણ ત્યારે આપણને તેનું કહેલું બધુ જ સાચું અને સારું લાગે છે. જાે એવી કોઈપણ અયોગ્ય માંગણીનો જાે અનુભવ થાય છે તો તે લાગણીઓને આપણે ક્યાંક દબાઈ દઈએ છીએ અથવા તો કોઈની સાથે શેર જ નથી કરતાં. પણ જ્યારે કોઈ વ્યક્તિ તમારા અસ્તિત્વને બદલવાની વાત કરે તો તે પ્રેમ નથી પણ ષડયંત્ર છે. ધર્મ પરિવર્તન કરવું, શારીરિક સંબંધો બાંધવા, અવાવરી જગ્યા ઉપર મળવું અને અંગત પળોના વિડિયોને લેવા જેવી માંગણીઓ જાે ઊભી થાય તો ઊભા રહીને જુઓ. આ શું પ્રેમ છે? પોતાને એક ટકોર કરો. એટલા પણ નમ્ર ન બનો કે સામેની વ્યક્તિ મિસયુઝ કરે અને પસ્તાવાનો વારો આવે.

૨) સિમ્પથીને પ્રેમ તો નથી સમજી રહ્યાને !

આ દુનિયામાં એવા કેટલાય વ્યક્તિઓ છે જે પોતે અટેન્શન સીકરની બીમારીથી પીડાતા હોય છે. બસ એમને જાેઈએ કે કોઈ તેમને સતત પ્રાધાન્ય આપે. આ પ્રકારની વ્યક્તિઓ પોતાના પાર્ટનરમાંથી નકારાત્મકતા શોધી શોધીને લાવે છે. અને દુઃખી ના હોવા છતાંય દુઃખી હોવાનો ડોળ કરે છે. સતત કમ્પ્લેઇન કર્યા જ કરે છે અને છેવટે તેવી માન્યતા બનાવી જ લે છે કે તે સાચા વ્યક્તિ સાથે નથી. આ સમયમાં તેઓ બહારની વ્યક્તિઓને પોતાનો શિકાર બનાવે છે. પોતે કેટલા બિચારા છે તે જાણવીને સિમ્પથી ગેઇન કરે છે અને ભોળવીને આ વ્યક્તિઓ તેને પ્રેમ સાબિત કરી જ દે છે. કોઇ વ્યક્તિ તરફની દયાભાવના અથવા કરુણતા તે વ્યક્તિ સાથેનો પ્રેમ સમજી લેતી ઘણી સ્ત્રીઓ પાછળથી સમજે છે કે એક જાળ હતી અને તેમાં તે ફસાઈ ચૂકી છે.

૩) એક વ્યક્તિ જે સાચું માર્ગદર્શન આપે

જ્યારે બે વ્યક્તિઓ પ્રેમમાં હોય છે ત્યારે તે બંને દુનિયાને ભુલી જાય છે. અને મિત્રો, કુટુંબીજનો ક્યાંક દૂર જતાં રહે છે. મોટેભાગે એકબીજાને સમય આપવામાં બીજા વ્યક્તિ સાથેની વાતચીત અને ધ્યાન ઓછા થતાં જાય છે. અને જ્યારે કોઈ ખોટી વ્યક્તિ પોતાની પ્રેમ જાળમાં બીજાને ફસાવતી હોય છે ત્યારે તે અચૂક આ બાબતોનું ધ્યાન રાખે છે. જાે તમારી સાથે એવી ઘટના બનતી હોય કે તમારી સાથે વ્યક્તિ આરગ્યુમેન્ટ ઉપર ઉતારી આવે કે ૧) તમે શા માટે તમારા ઘરે અથવા માતા-પિતા કે ભાઈ-બહેન સાથે વાત કરો છો? ૨) તમે શા માટે તમારા મિત્રો સાથે તમારા સંબંધોની વાત કરો છો ?

જાે તમારા શુભચિંતકો તમને કોઈપણ પ્રકારનું ધ્યાન દોરવે તો સમજાે. અને ત્યારે જ સંબંધોને સ્વીકાર કરો જ્યારે ખરા મનથી અવાજ આવે. કોઈપણ વ્યક્તિને પોતાનો હમસફર ન બનાવો. જીવન વેડફી નાખવા માટે નથી પણ જીવન કઇંક કરવા માટે છે.

૪) મનામણાં – રિસમણાં અને ઉગ્રતા

તમે જ્યારે પ્રેમમાં છો તો એ વસ્તુ તો સ્વીકારી જ લેજાે કે સામે પક્ષે વ્યક્તિ સમજી ગયો છે કે તમે હવે તેની કહેલી દરેક વાત માનશો. અને એ વિશ્વાસને જીતવા માટે તમારી સાથે હરસે-ફરસે તમારું ધ્યાન રાખશે અને છેવટે તમને એવું માનતા કરી જ દેશે કે તમે તેના માટે સર્વસ્વ છો. પણ સાચો ચહેરો ત્યારે જ ઓળખ થશે જ્યારે તમે રેસિસ્ટ કરશો. જાે કોઈ વાત જે તમને યોગ્ય નથી લાગતી કરવી અને તે વ્યક્તિ તમને તે કરવા માટે પ્રેરિત કરે છે તો પહેલા શાંતિથી તમને સમજાવશે, પછી તમને મનાવશે અને જાે તેમ છતાં પણ તમે તે જાળમાં નથી ફસાંતા તો તે ઉગ્ર થશે. યાદ રાખો પ્રેમમાં ઉગ્રતા નથી આવતી. જાે સાચો પ્રેમ હશે ને તો એકબીજાની રિસ્પેક્ટ સાથે દરેક વાતનો સ્વીકાર કરવામાં આવશે. પણ જ્યાં રિસ્પેક્ટ નથી જ્યાં ષડયંત્ર છે અથવા દબાવી દેવાની વાત છે ત્યાં ઉગ્રતા આવશે અને તે પ્રેમ નથી.

પ્રેમ સંબંધો ખૂબ નાજુક હોય છે અને ખૂબ જટિલ. તે સમજવા અને ઓળખવા પણ ખૂબ અઘરા છે. પણ હવે જે રીતે આપનો હિન્દુ સમાજ અને ખાસ કરીને મોડર્ન વિચારોનું ભૂત જે રીતે સવાર થયું છે તે રીતે આપણે હવે સતર્ક રહેવાની જરૂર છે. હવે મોટા મોટા યુદ્ધ કરવાની તાકાત નથી એટલે આપણને અંદરથી ખોખલા કરવા માટેના પ્રેમ સંબંધોથી લઈને ડ્રગ્સ સુધીના ષડયંત્રો ચાલી રહ્યા છે. બધુ બીજું કોઈ નહીં કરી શકે આપણે પણ આમાં જાેડાવવું પડશે. અને માટે હવે તાતી જરૂર છે કે દરેક બાળકને આપણો ધર્મ અને તેનું જ્ઞાન-વિજ્ઞાન સમજાવો. અને કડછી, બરછી અને કલમ ચલાવતા શીખવાડો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution