દિલ્હી-
દુનિયાભરમાં હવે કોરોનાના દર્દીઓની સંખ્યા 10.20 કરોડને પાર થઈ ગઈ છે. 7.38 કરોડ લોકો સાજા થયા છે અને 21.99 લાખ લોકોના જાન ગયા છે. સૌથી પહેલા વેક્સિનને મંજૂરી આપનારા દેશ બ્રિટનમાં નોવાવેક્સ વેક્સિનના ટ્રાયલ સફળ રહ્યા હોવાની માહિતી પ્રધાનમંત્રી બોરીસ જોન્સને આપી હતી. જ્યારે ફ્રાંસ સરકારે આશંકા વ્યક્ત કરી હતી કે તેમના દેશમાં રસીની અછત ઊભી થઈ શકે છે.
બીજીબાજુ, સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેઝે પણ ગુરૂવારે ન્યુ યોર્ક ખાતે રસી મૂકાવી હતી. તેઓ બ્રાન્ક્સ ખાતેના વેક્સિનેશન સેન્ટર પહોંચ્યા હતા અને મિડિયાની સામે રસી મૂકાવી હતી. તેમણે આ બાબતે ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, રસી મેળવવા જેટલો હું સદનસીબ છું અને જે લોકોએ મારૂં રસીકરણ કર્યું તેમનો હું આભારી છું. જ્યાં સુધી આપણે બધા જ આ મહામારી સામે પૂરી રીતે સલામત ન થઈ જઈએ ત્યાં સુધી આપણે સુરક્ષિત ન કહેવાઈએ. જો આપણે રસીને ગંભીરતાથી લઈશું તો સલામત થઈ શકીશું.