દિલ્હી-
કોરોનાની ખતરનાક બીજી લહેરની ઝપેટમાં આવેલ ભારતને વિશ્વના અનેક દેશોએ મદદ કરી છે અને સંયુક્ત રાષ્ટ્ર સંઘથી પણ મોટી મદદ મળી છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘની એજન્સીઓ તરફથી ભારતને અત્યારસુધી 10,000 ઓક્સિજન કન્સન્ટ્રેટર તેમજ 1 કરોડ મેડિકલ માસ્કની સપ્લાઇ કરવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખ એન્ટોનિયા ગુતારેસે આ જાણકારી આપી હતી.
ભારતને સંયુક્ત રાષ્ટ્રની ટીમ સતત મદદ કરી રહી છે. કેન્દ્ર સરકાર તેમજ સ્થાનિક પ્રશાસનનને સહયોગ પૂરો પાડવામાં આવી રહ્યો છે તેવું યૂએન ચીફના પ્રવક્તા સ્ટીફાને દુજારિકે જણાવ્યું હતું. વૈશ્વિક સ્વાસ્થ્ય સંગઠન તેમજ યૂએન પોપ્યૂલેશન ફંડ તરફથી ભારતને અત્યારસુધીમાં 10,000 ઓક્સિજન કન્સન્ટ્રેટર્સની સપ્લાય કરવામાં આવી છે. આ સિવાય આશરે 1 કરોડ મેડિકલ માસ્ક તેમજ 15 લાખ ફેસ શીલ્ડ મોકલવામાં આવ્યા છે તેવું યૂએન ચીફના પ્રવક્તાએ કહ્યું હતું.
ભારતની મદદ માટે સંયુક્ત રાષ્ટ્રની ટીમે વેન્ટિલેટર્સ તેમજ ઓક્સિજન જનરેટિંગ પ્લાન્ટની પણ ખરીદી કરી છે. આ સિવાય યૂનિસેફ તરફથી પણ કોરોના સંકટનો સામનો કરવા માટે જરૂરી ઉપકરણો ભારતને મોકલવામાં આવી રહ્યા છે. હાલમાં મોટી સંખ્યામાં ટેસ્ટિંગ મશીનો તેમજ કિટ્સની ખરીદી થઇ રહી છે. યૂનિસેફ તેમજ યૂએન ડેવલપમેન્ટ પ્રોગ્રામ તરફથી ભારતને 1,75,000 વેક્સિન સેન્ટરના મોનિટરિંગમાં પણ મદદ કરવામાં આવી રહી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી અસ્થાયી સ્વાસ્થ્ય સુવિધાઓ માટે ટેન્ટ તેમજ બેડ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. તે ઉપરાંત હજારો પબ્લિક હેલ્થ સ્પેશ્યાલિસ્ટ પણ તૈનાત કરાયા છે.