બોડેલી, તા.૧૨
છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી રેફરલ હોસ્પિટલમાં દર મહિને સેંકડો ડિલિવરી(પ્રસૂતિ) કરાવવામાં આવી રહી છે. પરંતુ ગઇકાલે સાંજે હોસ્પિટલના સ્ટાફની બેદરકરીના કારણે ડિલિવરી બાદ બાળકો બદલાઈ ગયા છે. ચલામલી ગામની પાયલબેનને પ્રસૂતિ માટે જબુગામની રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને ત્યાં જ બોડેલીના એક ખત્રી પરિવારના આબેદાબેનને પણ ડિલિવરી માટે લાવ્યા હતા. બંને મહિલાઓની ડિલિવરી માટે ડોકટરે કાર્યવાહી હાથ ધરી હતી અને પહેલા પાયલબેનની ડિલિવરી કરાવી હતી. જેઓને ડોક્ટરના જણાવ્યા મુજબ બાળકી જન્મી હતી પણ પેટમાં જ મળ કરી દેતાં તે બાળકીને એનઆઇસીયુમાં દાખલ કરી હતી. પાયલબેન પછી આબેદાબેનની ડિલિવરી પણ સિઝેરિયન કરીને કરાવી હતી. જેઓને પુત્રનો જન્મ થયો હતો તે બાળક હોસ્પિટલના નરર્સિંગ સ્ટાફની ભૂલને કારણે પાયલબેનના પરિવારજનોને આપી દેવામાં આવ્યો હતો અને અડધા કલાક બાદ ફરીથી પાયલબેનના પરિવારજનોને હોસ્પિટલ સત્તાવાળાઓએ જઈને પુત્ર નહીં પણ પુત્રી જન્મી હોવાનું જણાવતાં પાયલબેનના પરિવારજનોના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ હતી અને પુત્રના જન્મની ખુશી અચાનક ગુસ્સામાં તબદીલ થઈ ગઇ હતી. જ્યારે આવું જ કાંઈક બોડેલીના ખત્રી પરિવારમાં જ બન્યું હતું અને જબુગામની હોસ્પિટલમાં હોબાળો મચી ગયો હતો. આખરે બંને પરિવારના સભ્યો દ્વારા અને ડોક્ટરે બેસીને બંને બાળકોનો ડીએનએ ટેસ્ટ કરાવવાની સલાહ મસવારા કરીને નિર્ણય કર્યો હતો અને તેને માટે સેમ્પલ લઈને તૈયારી કરી હતી અને બંને પરિવાર આ માટે તૈયાર થઈને ડીએનએ ટેસ્ટમાં જે રિપોર્ટ આવે તેને સ્વીકારવાની તૈયારી બતાવતાં મામલો થાળે પડ્યો હતો. જબુગામની હોસ્પિટલના ડોક્ટરને આ અંગે પૂછતાં તેઓએ પ્રાથમિક તપાસમાં નરર્સિંગ સ્ટાફની ભૂલના કારણે આ ઘટના ઘટી હોવાની કબૂલાત કરી હતી અને કસૂરવાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ તૈયારી કરાઇ હોવાનું જણાવ્યું હતું.