મોડાસા, છેલ્લા કેટલાક સમયથી અરવલ્લી જિલ્લામાં હાર્ટ બંધ થઈ જવાની ઘટનાઓમાં વધારો થતો રહ્યો છે. ત્યારે વધુ બે આશાસ્પદ યુવકોના હૃદય બંધ થવાના કારણે મોત નિપજ્યા છે. માલપુરતાલુકાના જુના તખતપુર ગામના ૪૫ વર્ષીય યુવક મણીભાઈ વાલાભાઈ પટેલ કે જેઓ ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા હતા તેઓને એકાએક છાતીમાં દુખાવો ઉપાડતા સારવાર અર્થે ખસેડયા હતા, પરંતુ મણીભાઈ પટેલનું મોત નીપજ્યું હતું. હાર્ટ એટેકથી મોતની બીજી ઘટના માલપુરના મોરડુંગરી ગામે બનવા પામી છે. મોરડુંગરી ગામના વતની અને અરવલ્લી જિલ્લા ટ્રેઝરી કચેરીમાં ફરજ બજાવતા ૪૫ વર્ષીય યુવક કમલેશ સોમાભાઈ પટેલને ગઈકાલે મોડી સાંજે મોડાસા સંજીવની હોસ્પિટલમાં હતા. હાર્ટની તકલીફના કારણે તેઓને સ્ટેન્ટ મુકાવ્યું હતું. ત્યારે એકાએક હાર્ટનો વધુ હુમલો આવવાના કારણે તેઓનું મોત નીપજ્યું હતું. આમ વધતી જતી હાર્ટ એટેકની ઘટનાને લઈ યુવાનોમાં ભારે ચિંતા ફેલાઈ છે. બંને મૃતક યુવકોના પરિવારજનોમાં ભારે શોક વર્તાયો છે.