હિંમતનગર, તા.૧૨
સાબરકાંઠા એસઓજીએ બાતમી આધારે ભિલોડાના શખ્સ પાસેથી ૧૫.૪૪૫ કિ.ગ્રા કિ. રૂ. ૧,૫૪,૪૫૦ નો ગાંજો બોલેરોના બોનેટ નીચે સંતાડી કચ્છના શખ્સને આપવા નીકળેલા રાધનપુરના બે શખ્સોને હિંમતનગરના મોતીપુરાથી ઝડપી પાડી એનડીપીએસ એક્ટ અંતર્ગત કુલ ચાર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.એસઓજી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર એસઓજી પીઆઇએ બાતમી આધારે બોલેરો નં. જી. જે-૧- બી.વી - ૯૧૮૯ માં બે શખ્સો ગાંજો લઈને શામળાજી તરફથી રાધનપુર તરફ જઈ રહ્યા છે. જેને પગલે તા. ૦૯-૦૭-૨૦ ના રોજ બપોરે એસઓજી ટીમ મોતીપુરા પહોંચી દરમિયાન બોલેરો આવતા તેને સાઈડમાં કરાવી અંદર બેઠેલા બંને શખ્સોને ઉતારી તલાશી શરૂ કરતાં બોનેટ ઊંચું કરી તપાસતાં એન્જિનની બાજુમાં ખાલી જગ્યામાં સફેદ કલરની ૬ થેલીઓ અને લીલા કલરની ૩ થેલીઓમાંથી ગાંજાની વાસ આવતા સાગરભાઇ રમેશભાઈ રાવલ ( રહે. મોટી પીપલી તા. રાધનપુર ) અને હસુભાઈ કમુભાઈ ઠાકોર (રહે. રાધનપુર જીઇબી પાછળ રાધનપુર ) બંનેની અટકાયત કરી કુલ ૧૫.૪૪૫ કિ.ગ્રા. ગાંજાનો જથ્થો કબ્જે કરી પૂછપરછ કરતાં ભિલોડાના ટોરડા નજીક રામપુરીની સીમમા ડુંગર પર આવેલ મહાદેવ મંદિર નજીક કાંતિભાઈ નામનો આદિવાસી વ્યક્તિ આપી ગયો હતો.આ ગાંજો કચ્છના રાપરના મુમઈ મોરા ગામના મોમાઈ માતાજી મંદિરના પૂજારી પાગલગીરી બાપુને આપવાનો હતો. ઝડપાયેલાઓમાં સાગરભાઇ રાવલ (રહે. મોટી પીપલી તા. રાધનપુર જિ. પાટણ ) , હસુભાઈ ઠાકોર (રહે. જીઇબી પાછળ રાધનપુર), કાંતિભાઈ નામનો માણસ, પાગલગીરી બાપુ (મોમાઈ માતાનું મંદિર મુમઈમોરા તા. રાપર જી. કચ્છ)નો સમાવેશ થાય છે.