ભરૂચ : નવા વર્ષની પહેલી સવારે જંબુસર તાલુકાના ઉબેર ગામના પાટીદાર પરિવાર માટે ગોજારી સાબિત થઈ હતી. સવારના સમયે જ પાટીદાર સમાજના બે યુવાનો નર્મદા કેનાલ પાસે સેલ્ફી લેવા જતાં પગ લપસી જવાના કારણે કેનાલમાં ડૂબી જતાં તેમના મોત થયા હતા. નવા વર્ષના દિવસે જ બે આશાસ્પદ યુવાનોએ જીવ ગુમાવતા ઉબેર ગામમાં નવા વર્ષનો ઉત્સવ માતમમાં ફેરવાયો હતો. વર્તમાન સમયમાં યુવાનોમાં સેલ્ફીનો ક્રેઝ વધતો જાય છે. સેલ્ફી ક્યારેક પ્રાણઘાતક પણ સાબિત થાય છે. ભરૂચમાં બે થી ત્રણ ઘટનાઓમાં સેલ્ફી લેવા જતાં યુવાનોના મોત થયા હોવાની ઘટના પણ બહાર આવી હતી. તાજેતરમાં નવા વર્ષના દિવસે જંબુસરના ઉબેરગામમાં પણ સેલ્ફીના મોહમાં યુવાનએ જીવ ગુમાવ્યા હોવાની ઘટના બહાર આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર તાલુકાના ઉબેર ગામમાં બે મિત્રો જયકુમાર ઘનશ્યામભાઈ પટેલ અને જતીનભાઈ જયેશભાઈ પટેલ બંને નવા વર્ષના દિને સવારના સમયે નર્મદાની કેનાલ પાસે પહોંચ્યા હતા. જ્યાં સેલ્ફી લેવા જતાં બંને યુવાનો નહેરના પાણીમાં ગરક થઈ ગયા હતા. ઘટનાને પગલે ઉબેર ગામમાં હડકંપ મચી ગયો હતો અને નવા વર્ષનો ઉત્સવ માતમમાં ફેરવાયો હતો. ગ્રામજનોએ નહેર ખાતે દોડી જઈ બંને યુવાનોને પાણીમાંથી બહાર કાઢી જંબુસર દવાખાને લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. નવા વર્ષના દિવસે જ બે યુવાનોના મોતના પગલે ઉબેરગામમાં શોકનું વાતાવરણ છવાયું હતું. ઉલ્લેખનીય છે કે જયકુમાર તેમના ઘરનો એકનો એક દીકરો હતો.