વડોદરા, તા.૬
શહેર નજીક પોર ગામે આવેલ આશિષ સોસાયટીમાં ઘરઆંગણે રમતો બે વર્ષીય બાળક ઉપર ગેસ સિલિન્ડરની ડિલિવરી માટે આવેલ પીકઅપ ગાડીના ચાલકે રિવર્સ લેતી વખતે કચડી નાખતાં માસૂમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત મોતના બનાવની જાણ પોર બીટના જમાદારને કરાતાં તેઓ બનાવસ્થળે દોડી આવ્યા હતા અને બાળકના મૃતદેહને પોર રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
આ ચકચારી અને કમકમાટી ઉપજાવે તેવા અકસ્માતના બનાવની વિગત એવી છે કે, શહેર નજીક પોર ગામે આવેલ આશિષ સોસાયટીમાં નિખિલભાઈ ગાંધી પરિવાર સાથે રહે છે. તેઓ ઈલેકટ્રીકની દુકાન ધરાવે છે. પરિવારમાં બે વર્ષીય માસૂમ પુત્ર જૈનિલ આજે બપોરના સમયે ઘરઆંગણે રમતો હતો, એ દરમિયાન કરજણથી ગેસ સિલિન્ડરની ડિલિવરી માટે ડ્રાઈવર પીકઅપ ગાડી લઈને આવ્યો હતો. ડ્રાઈવરે ડિલિવરી આપ્યા બાદ તે ગાડીને રિવર્સ લઈ રહ્યો હતો એ વખતે ઘરઆંગણે રમી રહેલા બે વર્ષીય માસૂમ જૈનિલને કચડી નાખ્યો હતો. ઘટનાસ્થળે જ બાળકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવથી ગાંધી પરિવારમાં આભ ફાટયું હતું અને રોકકડ કરી મૂકી હતી. આ બનાવથી વિસ્તારમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. અકસ્માત બાદ ગાડીચાલક ફરાર થઈ ગયો હતો. આ બનાવની જાણ પોર બીટ જમાદાર સંતોષ પ્રસાદને કરવામાં આવતાં તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે પોર ખાતેની રેફરલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યાર બાદ પીકઅપ ગાડીના ચાલક સતીષ શિવાભાઈ વસાવાની અટકાયત કરી હતી.