બેંગકોકમાં બે વીક

૨૦૧૨ની સાલમાં એપ્રિલમાં મને બેંગકોકમાં બે અઠવાડિયાં રહેવાનો લહાવો મળેલો તે એક સ્મૃતિ યાદગાર છે. મારો પુત્ર ત્યાંની ફર્મમાં નોકરી કરતો હતો.

થાઇલેન્ડ જવા માટે અમે દિલ્હીથી બેંગકોકની ફ્લાઈટમાં બેઠાં. આશરે સાડાચાર કલાકની મુસાફરી હતી.

ઉતરતાં જ ‘સ્વર્ણભૂમિ વિમાન પત્તન મથક’ એવા શબ્દો અંગ્રેજીમાં જાેયા. નાગદમનનું દ્રશ્ય એરપોર્ટ પર શિલ્પમાં કંડારેલું હતું.

ઉતરીને ટેક્ષી કરી. પુત્રે કહ્યું “સોઈ સુખંવિત્ત રોડ ૩૩.” આ ભારતીય શબ્દ! સોઈ એટલે શ્રી. સુખ અને વિત્ત તો આપણને ખબર છે. સુખંવિત્ત રોડ શહેરને ઉભું કાપતો માર્ગ છે.

રસ્તે ઘણાં સ્ટેચ્યુ ગોલ્ડ પ્લેટેડ, હા, સાચા સોને મઢેલાં. બૌદ્ધ તેમજ હિંદુ. અહીં લોકો પોતે સોનું રાખવા કરતાં રાષ્ટ્રને અર્પે છે. આ સુવર્ણની માલિકી સરકારની.

૨૦૧૨માં ૨.૨૫ રૂપિયા બરાબર એક બાટ, એમનું ચલણ. આજે પણ ૨.૩૫ રૂપિયા જેવો જ દર છે. બાર વર્ષે પણ. ત્યાં એવું કાંઈ ન હતું જેથી એમની કરન્સી આપણાથી સવાબે ગણી મોંઘી હોય. વિનિમય દર નક્કી કરવામાં સોનાનો જથ્થો પ્રમુખ ભાગ ભજવતો હતો.

પુત્ર રહેતો તે ટાવરનું નામ થોન્ગલોર ટાવર. પુત્રે કહ્યું તે ‘ઉત્તુંગ લહર’નું અપભ્રંશ છે. મકાનમાલિક રત્નપર્ણ ચેન. અહીં પણ ચેન એ ‘જૈન’ શબ્દનું થાઈ વર્ઝન.

નજીકમાં જ એક રહેણાંકનાં બહુમાળી મકાનની બહાર મોટો ડ્રેગન દોરેલો, એમ્બોસ કરેલો પણ નામ ‘સાએથ સંગાએથ!’ આપણો શબ્દ ‘સાથ સંગાથ’.

બાજુમાં જ પોલીસ સ્ટેશન. કાળા ડ્રેસમાં પોલીસ બેઠા હોય. પહેલે દિવસે ડર લાગ્યો કે હું પાસપોર્ટ વગર બહાર જઈશ તો પકડશે? એને માટે બાજુમાં સુતેલું કૂતરું અને પસાર થતો હું સરખા હતાં. હું રસ્તે કચરો ન નાખું કે ખોટી હરકત ન કરું ત્યાં સુધી હું એક સામાન્ય માણસ હતો.

બાજુમાં ‘થા દુઆ’, શહેરની એક માત્ર મસ્જિદ હતી. માત્ર નામ લીલા અક્ષરમાં, ઉપર લીલો ઘ્વજ પણ નહીં. માઇક ભારત અને પાકિસ્તાન સિવાય ક્યાંય હોતાં નથી. અંદર સાવ નાનો હોજ જ્યાં હાથપગ ધોઈ અંદર જવાનું. એક સામાન્ય રૂમમાં નમાજ અદા કરવાની.

અહીં ગાઈડો સિવાય કોઈને અંગ્રેજી આવડતું નથી અને નથી શીખવામાં રસ. મેડિકલ, ઇજનેરી અને મારો પુત્ર હતો તે આર્કિટેક્ચરનું શિક્ષણ અને કામ પણ થાઈમાં થતું હતું. આ તો બીજા દેશના લોકો વસતા એ વિસ્તાર હતો એટલે અંગ્રેજી બોર્ડ. નહીં તો ત્યાં રહેવું હોય તો થાઈ શીખો.

બેંગકોક પોસ્ટ અંગ્રેજી છાપું ૪૦ બાટ, થાઈ છાપું ૨.૫૦ બાટ! અંગ્રેજીને તેઓ ઙ્ઘૈજર્ષ્ઠેટ્ઠિખ્તી (અપ્રોત્સાહિત) કરે છે. મેં તો ટાવરની લાયબ્રેરીમાં વાંચવાનું રાખ્યું. એમાં પણ કોઈ ચિત્ર બતાવવા ઉપર છઠ્ઠે માળે લઈ ગયો અને કોઈ અમેરિકન વૃદ્ધને પાનું ન મળ્યું તો ફરિયાદ કરી કે પેલા ઇન્ડિયનનો ફાધર છાપું ચોરી ગયો. ઓફિસવાળા ન મને સમજાવી શકે ન હું એને. મેં માત્ર ચિત્ર વાળું એ પાનું પાછું આપી માંડ સમજાવ્યું ‘નો થેફ્ટ. જસ્ટ શૉડ પિક્ચર ટુ વાઈફ’. ઓકે. આરોપ પૂરો પણ કોઈ ચીબી રૂપકડી બોલી ઊઠી ‘ટુ વાઈફ? સીઇંગ વન’. હે બુદ્ધ ભગવાન, ટુ વાઇફ એટલે બે પત્ની નહીં, ટુ, એટલે કે તેને.. જવા દો.

પુત્ર નોકરીએ હાજર થયો એટલે બોસ સ્ત્રીએ બોલાવ્યો. પૂછ્યું, ”હાઉ આર યુ?” પુત્રએ “ફાઇન” કહ્યું.

“નો, હાઉ ઈયર્સ.. ઓ.. ૨૦, ૨૩..”

ઠીક. ચીફ આર્કિટેકટ ઉંમર પૂછે છે. પુત્ર નાનો લાગતો હતો. પણ કોઈ બાળક ક્વોલિફાઇડ આર્કિટેકટ થાય ખરું? પુત્રે કહ્યું ૨૭.એને ‘યોર એજ’ કે ‘હાઉ ઓલ્ડ આર યુ’ પણ બોલતાં આવડતું ન હતું!

ટાવરમાં ઉપર ૮મે માળ સ્વિમિંગપુલ અને કસરતનાં સાધનો હતાં. મેં ઈશારાથી પૂછ્યું કે હું આ વાપરી શકું? ચીબી, લીસ્સી કીપરે કહ્યું, ‘નો ધીસ શુ. યુ ફોલ ડાઉન’. હં. સાદા શુઝ ન ચાલે. પડી જશો એમ કહેવું હતું. તેણે સ્વિમિંગપુલ તરફ આંગળી ચીંધી કહ્યું ‘ફ્રી. ડ્રેસ..અર.. ચડ્ડી ઇશારાથી બતાવી, ઉપરથી કપડાં કાઢવાની સાઈન પોતે અનડ્રેસ થતી હોય એમ કરી. ચાલો. સ્વિમિંગ ચડ્ડી પહેરી કાલે આવીશ. મેં બધા જ દિવસ સ્વિમિંગ ૮મે માળ સ્થિત સ્વિમિંગપુલમાં કર્યું. પાસે એક ૭૦ આસપાસના ચાઈનીઝ કાકા હા.. હુ.. કરી મારામારી કરતા હોય તેમ હાથપગ જાેરથી વીંઝતા હતાં. એની કસરત. એ કદાચ હવામાં સાચે જ ચારેક ડગલાં ઉડતા હોય એમ ભરી શકતા હતાં.

આવા એક માંડ થોડું અંગ્રેજી બોલતા થાઈ કાકા સાથે ઓળખાણ જેવું થયેલું. એ લોકો ભગવાનને મીણબત્તી કરે. મેં માટીના દિવા, અર્થન લેમ્પ અને ઘી, મેઇડ ફ્રોમ મિલ્ક, યોઘર્ટ એમ સમજાવ્યું. એ માનવા જ તૈયાર નહીં કે દૂધની કોઈ પણ પેદાશ અગ્નિ પેટાવી, પ્રજ્વલિત રાખી શકે.

ગેઇટ પાસે આકાશ તરફ કરેલો અરીસો જાેયો. ત્યાં રોજ ફૂલ, ફળ અને કોકાકોલાની બોટલો ચડાવાય. એક અગરબત્તી જેવું કરી પૂજા કરતી સ્ત્રીને પૂછ્યું કે આ શું છે. એ કહે અમે મૂર્તિપૂજામાં નથી માનતા. આકાશ એટલે નિરાકાર. એને બતાવવા આ અરીસો. એને ફળ ફૂલ ચડાવીએ. એ અરીસાને અને ગેઇટ બહાર બુદ્ધ મૂર્તિઓને પીવા કોકાકોલા ચડાવાતી. એ પછીથી નજીકના ચોકીદારો પી જતા હશે? દેવને કોકાકોલા ચડાવાય એ અહીં જ જાેયું.

ત્યાં લાંબી ચયપ્રયા નદી. ઓફિસ જવા, ખરીદી વગેરે માટે આ જળમાર્ગનો ઉપયોગ થાય. ટીનટીન વગાડી બોટ ઉપડે એટલે પંચ ખખડાવી કન્ડક્ટર ટિકિટ આપે. ઝડપ કે વળાંક પર એક દોરીથી પડદો નીચે ખેંચે એટલે પાણી એ બાજુથી ઉડે પણ ભીંજવે નહીં. વળી પડદો ઉંચે એટલે ખુલ્લી બોટ.

નજીકના સ્થળે એકલા જવા બાઇક રાઈડર તમને પટ્ટો પહેરાવી દે. તેને પકડીને બેસો એટલે ઘુરર.. કરતા ચાલ્યા. અંદાઝના રાજેશ ખન્નાની જેમ. એકવાર વિનંતી કરી શ્રીમતીને પણ મારી સાથે બાઈક પર લઈ લીધી. ટ્રિપલ સવારી.

શહેરની વચ્ચે લુંબીની પાર્ક જાેવા ગયાં. એક ઘો અને મગર વચ્ચેનું કહી શકાય તેવું અહિંસક પ્રાણી વચ્ચે પાણીની ચેનલમાં ફરતું હતું. પથ્થરના વિવિધ આકારોની બેન્ચ બેસવા હતી. પબ્લિકને કસરત કરવા સાધનો હતાં. સુંદર સંગીત વાગતું હતું. પાણી સ્વચ્છ રાખવા સતત આપણા રેંટ જેવું ચક્ર વચ્ચેના જળમાં ફર્યે રાખતું હતું.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution