શટલિયા રિક્ષામાં વૃદ્ધના ખિસ્સામાંથી ૮૦૦ ડૉલર સેરવી લેનાર બે ઝડપાયા

વડોદરા : શહેરના અટલાદરા-બિલરોડ પર અવધ ઉપવનમાં રહેતા ૫૯ વર્ષીય રજનીકાંત પંચાલ હાલમાં નિવૃત્ત જીવન ગુજારે છે. તેમની પુત્રી ૧૦ વર્ષથી અમેરિકામાં રહેતી હોઈ તે પુત્રીને મળવા માટે અમેરિકા ગયા હતા અને ગત ૩૧મી ઓક્ટોબરે તે પરત ફર્યા હતા. પુત્રીના ઘરે રોકાણ દરમિયાન તેમણે પાર્ટટાઈમ જાેબ કરી ૮૦૦ ડૉલર કમાયા હતા. આજે સવારે તે આ ડૉલરને ઈન્ડિયન કરન્સીમાં ચેન્જ કરાવવા માટે રાવપુરા ખાતે આવેલા મનીગ્રામની ઓફિસે જવા માટે નીકળ્યા હતા. તેઓ અટલાદરા નારાયણવાડી પાસે રિક્ષાની હાર જાેતા હતા તે સમયે પાદરા તરફથી આવેલી એક શટલિયા રિક્ષા જેમાં અગાઉથી પાછળની સીટ પર ત્રણ ગઠિયાઓ બેઠા હતા. રિક્ષાચાલકે તેમને રાવપુરા લઈ જવાનું કહીને પાછળની સીટ પર ગઠિયાઓની વચ્ચે બેસાડ્યા હતા. રિક્ષા ચાલુ થતાં જ મુસાફરના સ્વાંગમાં બેઠેલા ગઠિયાઓએ ધક્કામુક્કી કરીને તેમની નજર ચૂકવીને તેમના ખિસ્સામાંથી ૮૦૦ ડૉલર સેરવી લીધા હતા. કામ પૂરું થયું હોવાનો ઈશારો થતાં જ રિક્ષાચાલકે અટલાદરા પ્રેમવતી રેસ્ટોરાં પાસે રિક્ષા ઊભી રાખી હતી અને તેમને કારણ વિના રિક્ષામાંથી ઉતારી દીધા હતા અને ભાડુંુ લીધા વિના રિક્ષાચાલક સહિત ગઠિયાઓ ત્યાંથી રવાના થયા હતા. આ બનાવની તેઓએ માંજલપુર પોલીસ મથકમાં રિક્ષાચાલક સહિતની ઠગટોળકી સામે ફરિયાદ નોંધાવી હતી.  

બાદમાં એની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ જે.જે.પટેલ અને એ.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.આર.ચૌધરી અને તેમના સ્ટાફ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટીમે ચોક્કસ માહિતીના આધારે સમા કેનાલ પાસેથી ઓટોરિક્ષામાં જઈ રહેલા બે ઈસમોને ૮૦૦ ડૉલર સાથે ઝડપી પાડયા હતા. ક્રાઈમ બ્રાન્ચે ૮૦૦ ડૉલર સાથે ઝડપી પાડેલા શખ્સોની પૂછપરછ કરતાં એકનું નામ વશરમા પરમાર (દંતાણિયા, રહે. સુરજનગર કેનાલ રોડ, સમા, વડોદરા) અને બાવકુ પરમાર (દંતાણિયા, રહે. સુરજનગર કેનાલ રોડ, સમા વડોદરા) હોવાનું બહાર આવ્યું હતું. તેઓએ માંજલપુર પોલીસ મથકની હદમાંથી એક વૃદ્ધના ૮૦૦ ડૉલરની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution