૧૯૪૭ ની ૧પમી ઓગસ્ટે કચ્છમાં બે રાષ્ટ્રધ્વજ ફરકાવાયા હતાં

ભારત ૧પમી ઓગસ્ટે આઝાદ થયું,પરંતુ કચ્છ વાસ્તવમાં ૧લી જૂન ૧૯૪૮ના આઝાદ થયું હતું. જાેકે એ સમયે આ બંનેે દિવસે આઝાદીનો ઉત્સવ મનાવાયો હતો. ૧પમી ઓગસ્ટ ૧૯૪૭ના ભુજમાં ત્રિરંગો અને કચ્છ રાજ્યનો એમ બે ધ્વજ ફરકાવાયા હતાં. ભારત આઝાદ થયું એ સમયે કચ્છ હજી દેશી રજવાડું જ હતું. આઝાદી પછી અનેક વાટાઘાટોને અંતે ભારતના સીધા વહીવટ હેઠળ આવ્યું.૧ જુન ૧૯૪૮ના દિવસે કચ્છ વાસ્તવમાં આઝાદ થયું હતું અને પૂર્ણ રીતે ભારત સંઘમાં જાેડાયું.

એક રસપ્રદ વિગત એ છે કે, ભારત આઝાદ થયું એ દિવસોમાં કચ્છ સહિત ઘણા દેશી રજવાડાઓએ એક સ્ટેન્ડસ્ટીલ કરાર ભારત સરકાર સાથે કર્યો અને ભારત સરકારના ત્રણ મહત્વના વિભાગો સંરક્ષણ, વિદેશ નીતિ અને રેલવે સંદેશાવ્યવહાર અંગેના નિયમો અને ધારાધોરણ રચવાની અને તેનો અમલ કરવાની સત્તા ભારત સરકારને આપી. અર્થાત કચ્છ સહિત અને અનેક સ્વતંત્ર રાજ્યો હજુ રજવાડાં હોવા છતાં આ ત્રણ વિભાગો પરનો અંકુશ ભારત સરકારને સોંપ્યો હતો.

આથી ભારત સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું, આઝાદ થયું ત્યારે કચ્છ સ્વતંત્ર દેશી રાજ્ય હોવા છતાં ૧પમી ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે કચ્છમાં બે રાષ્ટ્રધ્વજ ફરકાવાયા હતાં. ભારતનો ત્રિરંગાની સાથે કચ્છ રાજ્યનો ધ્વજને પણ સલામી આપવામાં આવી હતી. કચ્છના મહારાવ વિજયરાજજી એ સમયે કચ્છ બહાર હોવાથી મહારાજ કુમાર હિંમતસિંહજીના હાથે બંને ધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. કચ્છ દેશી રાજ્યમાંથી સ્વતંત્ર જવાબદાર રાજ્યતંત્ર બને તે માટેની પ્રજાકીય લડત તો કચ્છમાં છેક ૧૯૩૯થી જ ચાલતી હતી. પરંતુ દેશ આઝાદ થયા પછી તેમાંય વેગ આવ્યો અને ૧પમી ફેબુ્રઆરી ૧૯૪૮ના કચ્છી પ્રજાકીય પરિષદના મોભી ગુલાબશંકર ધોળકિયાના વડપણ હેઠળની નેતાગીરીએ કચ્છ રાજ્યને આખરીનામું આપ્યું અને આખરી જંગ મંડાયો.

કચ્છની નગરપાલિકાઓમાંથી આ લડતના ટેકામાં પરિષદના આદેશને પગલે રાજીનામાંઓ પડયાં. કચ્છના અખબારી પ્રતિબંધના આદેશને ફગાવી કાનુનભંગની લડતનો પણ આરંભ થયો. દરમ્યાન મહારાવ વિજયરાજજીનું અવસાન થતાં મદનસિંહજી કચ્છના આખરી રાજવી તરીકે ગાદી પર આવ્યાં અને તેમણે પ્રજાના જુવાળને પારખી ૯મી માર્ચ ૧૯૪૮ના દિવસે કચ્છને જવાબદાર રાજ્યતંત્ર આપવાની જાહેરાત કરી.

જાે કે આ દરમ્યાન મદનસિંહે પોતે પોતાના નામના કોરીના સિકકા બહાર પાડયા અને તેમાં 'જયહિંદ’ એવું લખાણ કોતરાવી પોતે ભારત સંઘ સાથે જાેડાવા આતુર હોવાનો અંદેશો આપી દીધો હતો. આવા લખાણ સાથેના સિકકા બહાર પાડનારા તેઓ દેશના પ્રથમ રાજવી હતા. મદનસિંહજીની આ જાહેરાતના પગલે કચ્છમાં આઝાદીનો માહોલ સર્જાયો. કચ્છી પ્રજાકીય પરિષદનું એક પ્રતિનિધિ મંડળ દિલ્હી ગયું .

આ સમયે મદનસિંહજીને પણ દિલ્હી બોલાવાયાં હતાં. સરદાર પટેલ, પરિષદના પ્રતિનિધિઓ અને મહારાવ મદનસિંહજી વચ્ચે ચર્ચાવિચારણાને અંતે ૪થી મે ૧૯૪૮ના દિવસે મદનસિંહે કચ્છનું હિંદસંઘમાં જાેડાણ કરવા માટેના ખત પર હસ્તાક્ષર કર્યા અને પરિણામે કચ્છ સંપૂર્ણ રીતે ભારત સાથે જાેડાયું અને વાસ્તવમાં આઝાદ બન્યું.

કચ્છને આઝાદી મળવાની સાથે જ કેન્દ્ર સરકારના સીધા વહીવટ હેઠળ 'ક’ વર્ગના રાજ્યનો દરજજાે અપાયો જેનો અમલ ૧લી જૂન ૧૯૪૮ના દિવસથી કરવામાં આવ્યો. તે દિવસે આ ઉત્સવને મનાવવા ભુજના ઉમેદભુવનના પટાંગણમાં કચ્છ રાજ્યના પ્રથમ ચીફ કમિશ્નર છોટુભાઈ કે. દેસાઈના હાથે ભારતના ત્રિરંગો લહેરાવાયો. ભારતના ગૃહ પ્રધાન અને નૂતન ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલે આ અવસર નિમિત્તે ખાસ સંદેશો મોકલી કચ્છી પ્રજાને તેના હિત અને કલ્યાણ માટેની ખાતરી આપી પ્રજાની સુખ અને સમૃદ્ધિ માટેની પ્રાર્થના કરી હતી. મદનસિંહજીએ પણ આ અવસરે પોતાનો વિદાય સંદેશ લખી મોકલાવ્યો હતો. સી. કે. દેસાઈએ વાચેલા આ સંદેશમાં મદનસિંહજીએ ભારત સરકાર અને સરદાર પટેલનો આભાર માની ભારત સરકારની હકુમત હેઠળ કચ્છ વિકાસની હરણફાળ ભરશે એવી આશા વ્યક્ત કરી કચ્છમાં વાહન વ્યવહારની સુધારણા તથા કુદરતી સંપતિના વિકાસ માટે હિંદ સરકાર આવશ્યક પગલાંઓ ભરશે એવી આશા બાંધી હતી. કચ્છને ભારતના અન્ય રાજ્યોની જેમ જ એક નજરે જાેવામાં આવશે એવી ભારત સરકારની એમને અપાયેલી ખાતરીની પણ યાદ એમણે પોતાના આ સંદેશમાં દોહરાવી હતી.

આ જ દિવસે સાંજે ભુજના ગંગાબા મિડલ સ્કૂલના મેદાનમાં વિશાળ જાહેરસભા યોજાઈ. જેમાં પ્રજાકિય પરિષદના પ્રમખ ગુલાબશંકર ધોળકિયા સહિતના અગ્રણીઓએ આઝાદીને આવકારતાં પ્રવચનો કર્યા.

વિદાય લેતા રાજવી મદનસિંહજીને એ સમયે રૂા. આઠ લાખનું વાર્ષિક સાલિયાણું ભારત સરકારે બાંધી આપ્યું હતું. મદનસિંહજીએ આ સાલિયાણામાંથી વાર્ષિક પચાસ હજારના બેનીવોલંટ ફંડની રચના કરી. આ ફંડમાંથી કચ્છના શિક્ષણ અને આરોગ્ય માટે ખર્ચ કરવાનું તેમણે જાહેર કર્યું હતું.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution