સરદાર એસ્ટેટ અને ઉકાજીના વાડિયા પાસે રોડ પર વધુ બે મોટા ભૂવા પડ્યાં

વડોદરા શહેરમાં ભૂવાની ભાંજગડ યથાવત છે. રસ્તાની અંદરના પોલાણમાં વરસાદી પાણી ભરાઈ જવાથી ધડાધડ ભૂવા પડી રહ્યા છે. મૂળ વાત એવી છે કે, રોડના કોન્ટ્રાક્ટરોએ બરાબર કામગીરી કરી નથી અને એને લીધે જ ઠેરઠેર ભૂવાનું સામ્રાજ્ય ફેલાઈ રહ્યુ છે. આજે શહેરના આજવા રોડ પર આવેલા ઉકાજીના વાડિયામાં એક મસમોટો ભૂવો પડ્યો હતો. જ્યારે સરદાર એસ્ટેટમાં આવેલી સુપર બેકરીની સામેના રોડ પર એક આખેઆખું બાઈક ઉતરી જાય એટલો મોટો ભૂવો જાેવા મળ્યો હતો.

વડોદરામાં અગાઉ પડેલા ભૂવા પુરવાની કામગીરી હજી પૂરી થઈ નથી ત્યાં તો બીજા બે મોટા ભૂવા પડવાની ઘટના પ્રકાશમાં આવી છે. આજે શહેરના સરદાર એસ્ટેટ વિસ્તારમાં આવેલી સુપર બેકરીની સામે મસમોટો ભૂવો પડ્યો હતો. આ ભૂવો એટલો વિશાળ હતો કે, એમાં આખેઆખી મોટર બાઈક ઉતરી જાય. ખેર, બીજાે એક ભૂવો આજવા રોડ પરના ઉકાજીના વાડિયા પાસે પડ્યો હતો. આ ભૂવો પણ ખુબ જ વિશાળ હતો. બંને ભૂવા રસ્તાના પોલાણના કારણે પડ્યા હોવાનું લોકોનું માનવુ છે. હકીકતમાં રોડ બનાવતી વખતે બરાબર પૂરાણ નહીં કરવામાં આવતા આવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. વડોદરા કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓના પાપે આવા વિશાળ અને ભયજનક ભૂવા પડી રહ્યા છે. જે વડોદરા માટે શરમજનક બાબત છે. એક તરફ વડોદરાને સ્માર્ટ સિટીનું બિરૂદ આપવામાં આવ્યુ છે અને બીજી તરફ એના રાજમાર્ગો પર ધડાધડ ભૂવા પડે તે કેટલા અંશે વ્યાજબી વાત છે? જાેકે, આ મામલે કોર્પોરેશનના સત્તાધીશો કશું કરવા તૈયાર નથી. અલબત્ત, રસ્તા પર પડેલા ભૂવા તો પૂરાતા નથી અને ખુલ્લી ગટરો મોઢું ફાડીને અકસ્માતને આમંત્રણ આપી રહી છે. શહેરના સરદાર એસ્ટેટ જેવા ભરચક વિસ્તારના મુખ્યમાર્ગ ઉપર વાલ્વનું ઢાંકણું ખુલ્લુ છે. જેને લીધે દુર્ઘટનાનો ભય ઉભો થયો છે. પણ કોર્પોરેશનના વોર્ડના અધિકારીઓને આવી સ્થિતિ દેખાતી નથી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution