લાહોર-
પાકિસ્તાની અદાલતે શુક્રવારે મુંબઈ હુમલાનો માસ્ટર માઇન્ડ તથા જમાત-ઉલ-દાવાના પ્રમુખ હાફિઝ સઇદના વધુ બે નજીકના નેતાઓને આતંકવાદના નાણાં મામલે સજા સંભળાવી છે. લાહોર આતંકવાદ વિરોધી અદાલતે (એટીસી) જેયુડી નેતાઓ મોહમ્મદ અશરફને છ વર્ષની અને લુકમાન શાહને સાડા પાંચ વર્ષની કેદની સજા સંભળાવી છે. એટીસીના ન્યાયાધીશ અરશદ હુસેન ભટ્ટાએ તેમને 10-10 હજાર રૂપિયા દંડ પણ ફટકાર્યો હતો.
આ અગાઉ, લાહોર આતંકવાદ વિરોધી અદાલતે ગુરુવારે આતંકવાદના નાણાં પૂરાવવાના બે કેસોમાં સઈદ (70) ને 10 વર્ષની કેદની સજા ફટકારી હતી. આ ઉપરાંત સઇદના બે સાથીઓ ઝફર ઇકબાલ અને યાહ્યા મુજાહિદને દસ-સાડા વર્ષની સજા ફટકારવામાં આવી છે જ્યારે આ મામલામાં તેમના ભાભી અબ્દુલ રહેમાન મક્કીને છ મહિનાની જેલની સજા ફટકારી છે.