હૈદરાબાદ-
આંબાવાડીમાં પોતાનો ખોવાયેલો કૂતરો શોધવા માટે અનધિકૃત રીતે ઘૂસી ગયેલા બે સગીર બાળકોને એ ગુનાસર પકડી લઈને તેમના હાથ બાંધી દઈને તેમના મોંમાં જબરદસ્તીથી છાણ ઠાંસી દેવાના ગુનામાં થરૂર પોલીસે બે જણાની ધરપકડ કરી હતી.
આ ઘટના ગુરુવારે મહબુબાબાદ જિલ્લાના કાન્તયાપાલમ ગામ ખાતે બની હતી. ગુરુવારે સાંજે કાન્તયાપાલમ ગામ પાસે વાડીમાં બે બાળકોને ઘૂસી ગયેલા જોઈને વાડીનું રખોપું કરતા ભાનોથ યાકુ અને ભાનોથ રામુલુએ આ બાળકોને એમ માનીને પકડી લીધા હતા કે તેઓ કેરી ચોરવા આવ્યા હતા.
મેહબૂબાબાદના એસપી એન કોટી રેડ્ડીએ કહ્યું હતું કે, આ બંને રખેવાળોએ બાળકોના હાથ બાંધી દીધા હતા અને લાકડીથી ફટકાર્યા હતા, એટલું જ નહીં પણ તેમના મોઢામાં છાણ ઠાંસી દીધું હતું અને તેમના ચહેરા પર પણ તે ચોપડી દીધું હતું. આરોપીઓએ આ સમગ્ર ઘટનાનો વિડિયો ઉતારીને શેર કરતાં તે વાયરલ બન્યો હતો અને પોલીસે આરોપીઓની સામે દાર્શનિક પૂરાવાને આધારે આઈપીસીની કલમો 342, 324, 504 તેમજ સગીર બાળકો સામેના ગુનાને લગતી પેટા કલમ 75 હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.