દાંપત્યજીવનને ‘સ્વર્ગ’ કે ‘નર્ક’ બનાવવા માટેની બે ચાવીઓ

લેખકઃ સિદ્ધાર્થ છાયા | 

આપણે ઘણી વખત સાંભળીએ છીએ કે અમુક વર્ષો જૂનો સુખી સંસાર અચાનક જ પડી ભાંગતો હોય છે. આપણને કલ્પના પણ ન હોય કે આ પતિ અને પત્ની ઝઘડી પણ શકે છે, એટલું જ નહીં, પરંતુ ઝઘડીને એકબીજાથી અલગ પણ થઇ શકે છે. પરંતુ આવું થતું આવ્યું છે.

૧૯૭૯માં આવેલી એક સુંદર ફિલ્મ ‘સ્વર્ગ નર્ક’ આપણને આ મુદ્દે એક સુંદર સંદેશ પૂરો પાડે છે. આ ફિલ્મમાં બે દંપતીની વાર્તા કરવામાં આવી છે. બંને દંપતી નવા પરણેલા છે. એક દંપતી પહેલા દિવસથી જ સુખી હોય છે અને આખો દિવસ અને રાત્રિ રોમાન્સમાં રચ્યા પચ્યા રહે છે.

જ્યારે બીજું કપલ લગ્નના દિવસથી જ સાથે નથી રહેતું. કારણ? કારણ એ કે પતિની મરજી વિરુદ્ધ તેના લગ્ન ગામડાની અભણ અને સાવ સામાન્ય દેખાતી છોકરી સાથે થયા છે. આ પતિને ગ્લેમરસ છોકરીઓમાં જ રસ હોય છે જેને જાેઇને કોઇપણ પુરુષનો પગ લપસી જાય. આથી આ દંપતીનો મહત્વનો હિસ્સો એટલે કે પત્નીના દુઃખનો પાર નથી.

પણ કહે છે ને કે સારો કે ખરાબ સમય બંનેમાંથી એક પણ લાંબો સમય ટકતો નથી. પેલા સુખી દંપતી વચ્ચે શંકાની એક નાનકડી સોય ઝઘડાનું કારણ બની જાય છે. પત્નીને શંકા જાય છે કે તેના પતિને તેની જ કોલેજમાં ભણાવતી મહિલા પ્રોફેસર સાથે અફેર છે.

પૂરાવા વગરની શંકાને લીધે પત્ની નાહક પતિ સાથે ઝઘડા કરવાનું શરુ કરી દે છે. પતિ તેને સમજાવવાની અનેક કોશિશ કરે છે પણ નિષ્ફળ નીવડે છે. છેવટે ઝઘડો દરરોજ થવા લાગે છે અને એક દિવસ એવો આવે છે કે બંને એકબીજા સાથે રહી શકે એવું વાતાવરણ રહેતું નથી, આથી પત્ની ઘર છોડીને જતી રહે છે.

બીજી તરફ પેલા બીજા દંપતીમાં જે પતિ હોય છે જેને પોતાની પત્ની દીઠી પણ ગમતી નથી તેને ભયંકર અક્સ્માત નડે છે. આ સમયે પતિ જે સ્ત્રી સાથે અફેર ચલાવતો હોય છે તે તેનો સાથ આપવાને બદલે તેનાથી દૂર જતી રહે છે અને પત્ની જ તેને સાજાે કરવામાં મોટી ભૂમિકા ભજવે છે અને તે સાજાે પણ થઇ જાય છે.

એક સારી અને એક ખરાબ ઘટનાને કારણે બંને દંપતીના લગ્નજીવન ૩૬૦ ડિગ્રી પર ફરી જાય છે. જ્યાં એકબીજા સાથે બોલવાનો પણ વ્યવહાર ન હતો તે દંપતીમાં પ્રેમનો સંચાર થાય છે. જે દંપતીના જીવનમાં એક સમયે પ્રેમ સિવાય કશું નહોતું તે સાથે નથી રહી શકતા.

તો મુદ્દો અહીં એ છે અને આ લેખ વાંચનાર દરેક પરિણીત સ્ત્રી અને પુરુષ એ સમજી શકશે કે લગ્નજીવન કાયમ એક પાતળી દોરી ઉપર જ ચાલતું હોય છે અને આ દોરી પર ચાલવા માટે જરૂરી બેલેન્સ જાળવી રાખવાની જવાબદારી બંનેની હોય છે. જાે એકબીજા પર સોયની અણી જેટલી પણ શંકા થઇ તો પછી એ બેલેન્સ બિલકુલ ખોરવાઈ જાય તેની સંભાવનાઓ ખૂબ રહેલી છે.

પહેલા કપલનો જ દાખલો લો, પ્રોફેસર પતિએ પોતાની સહકર્મી મહિલા સાથે જરાક હસીને વાત શું કરી કે પત્નીના મનમાં શંકાનું બીજ વવાઈ ગયું અને કોઇપણ પ્રકારની તપાસ કરવાની જહેમત તેણે ન ઉઠાવી અને છેવટે ઝઘડો કરીને પોતાને ઘરે તે જતી રહી.

બીજા કપલની સમસ્યા અલગ હતી, પતિને ન ગમતી છોકરી સાથે લગ્ન કરવા પડ્યા. આજના જમાનામાં આવું થવું લગભગ અશક્ય છે પરંતુ તેમ છતાં જાે આવી પરિસ્થિતિનો સામનો કરવાનો આવે તો જે છોકરી તમારા પર વિશ્વાસ મૂકીને પોતાનું કુટુંબ છોડીને આવી છે તેના વિશે વિચાર કરવો અતિશય જરૂરી છે.

સફળતાપૂર્વક લગ્નજીવન ચલાવવું આમ પણ સહેલું નથી હોતું, એવામાં શંકાને મનમાં સ્થાન આપતાં અગાઉ જરાક તપાસ કરી લેવી જરૂરી છે.

તો અણગમતી વ્યક્તિ સાથે જીવન જીવવાની ફરજ પડે તો સંજાેગો સાથે સમાધાન કરી લેવું પણ અત્યંત જરૂરી છ.ે કારણ કે છેવટે તો આપણે એ વ્યક્તિ સાથે જ બાકીનું જીવન વિતાવવાનું છે ને?

તો તેની સાથે સમય ગાળીને તેના વિશે જાણીને શું આપણે એક સુંદર લગ્નજીવનની શરૂઆત ન કરી શકીએ? આમ ‘સ્વર્ગ નર્ક’ સુખી લગ્નજીવનની બે ચાવીઓ આપે છે. એક તો શંકાને તમારા જીવનમાં બિલકુલ સ્થાન ન આપો. બીજી ચાવી છે સંવાદ.

તમારા જીવનસાથી સાથે સંવાદ સાધતા રહો, કારણ કોઇપણ હોય, સુખ, દુઃખ કે મનદુઃખ. આજના તણાવગ્રસ્ત જીવનમાં એટલીસ્ટ લગ્નજીવન તો શાંતિમય રહે તેની જવાબદારી સ્ત્રી-પુરુષ બંનેની છે, બરાબર ને?

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution