દેવગઢ બારિયા, દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના મોટીઝરી ગામમાં આકસ્મિક આગના બનેલા બે બનાવોમાં લાકડા ઘાસ વગેરે બળીને રાખ થઈ જતા તેમજ ચાર જેટલા મૂંગા પશુઓ બળીને ભડથું થઇ જતાં આગમાં અંદાજે રૂપિયા અઢી લાખનું નુકસાન કયાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. જ્યારે આગ લાગવાના કારણે ઢાળિયામાં બાંધી રાખેલા બે બળદ દોરડેથી છૂટીને નાસી જતા તે બચી જવા પામ્યા હતા. દેવગઢબારિયા ફાયર સ્ટેશનના સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ આજરોજ બપોરના સમયે દેવગઢબારિયા તાલુકાના મોટીજરી ગામે રહેતા રતનભાઈ ગણપતભાઈ ડામોરના ઘરની આગળ ઢોરો બાંધવા માટે બનાવેલ ઢાળિયામાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠતા જાેતજાેતામાં આગ પ્રચંડ બનતા આગ અંગેની જાણ દેવગઢબારિયા ફાયર બ્રિગેડને કરાતા ફાયરબ્રિગેડના લાશ્કરો ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ હાલ પર કાબુ મેળવી આગ ઓલવી નાખી વધુ નુકસાન થતું અટકાવ્યું હતું. આગમા ઢાળિયામાં બાંધી રાખેલા છ મૂંગા પશુઓ પૈકી બે બળદો દોરડેથી છૂટીને નાસી ગયા હતા. જ્યારે બે ગાય તથા બે બકરા આગમાં બળીને ભડથું થઇ ગયા હતા. તેમજ આગમાં ઢાળિયામાં મુકેલ લાકડાના તેમજ ઘાસ વગેરે બળીને રાખ થઈ જતા આગમાં અંદાજે રૂપિયા બે લાખનું નુકસાન થવા પામ્યું હતું.
આ આગના બનાવ બાદ તરત જ ગણતરીની મિનિટોમાં થોડેક દૂર જ ખુલ્લી જગ્યામાં ચીમનભાઈ જયરામભાઈ બારીયાના ખતેરમાં કરેલા ઘઉ સાથેના કળબના ઢગલામાં ઉપરથી પસાર થતી વીજ લાઈનમાંથી અકસ્માતે તણખા ઝરીને પડતા ઘઉં સાથેની કળબના ઢગલામાં આગ ભભૂકી ઉઠતા ફાયરબ્રિગેડના લાશ્કરો નજીકમાં હોવાથી તે તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી હાલ ઓલવી નાખી આસપાસના ઘરોને નુકસાન થતું અટકાવ્યું હતું