હિન્દુ પંચાંગ પ્રમાણે હાલમાં ભાદરવા મહિનાનો ઉત્તરાર્ધ ચાલી રહ્યો છે. તેનો પૂર્વાર્ધ ગણપતિ ઉત્સવના ઉલ્લાસ અને ધામધૂમનો છે. તો ઉત્તરાર્ધ પૂર્વજાેને સમર્પિત, પિતૃઓના તર્પણ અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો છે.
આપણે આપણા પૂર્વજાેના અંશ છીએ. ભાદરવાના પિતૃ પક્ષમાં એવી શ્રધ્ધા છે કે પિતૃઓ પોતાના વંશજાેના ઘેર પધારે છે એટલે ધાર્મિક પરંપરા અનુસાર પિતૃપૂજન કરવામાં આવે છે અને એ રીતે એમની પ્રસન્નતા માટે ભાવતા ભોજન ધરવા સહિતના વિધિવિધાન થાય છે. શ્રધ્ધા ખૂબ મોટી વાત છે.
આમ તો મરણોત્તર વિધિઓમાં એક વિધિ તિલાંજલિની છે. જેમાં કાળા તલ મિશ્રિત જળ દ્વારા પિતૃ તર્પણ કરી એવો ભાવ વ્યક્ત કરવામાં આવે છે કે જીવાત્માને અમે અમારા બંધનો, મોહમાયાથી મુક્ત કરીએ છીએ. તેમ છતાં, પિતૃ પક્ષને નિમિત્ત બનાવીને સહુ પોતાના પૂર્વજાેને યાદ કરે છે અને એમનો ઋણ સ્વીકાર કરે છે. આ પખવાડિયામાં કોઈ પણ શુભ કાર્ય થઈ શકતું નથી. એની પાછળનો ભાવ એવો હશે કે આ પંદર દિવસ દરમિયાન સહુ દુન્યવી ભોગવિલાસ,મોજમજાથી દુર રહી હૃદયથી પોતાના પિતૃઓનું સ્મરણ કરે અને એમની યાદમાં પુણ્યકાર્યો કરે. જાે શુભ પ્રસંગનો નિષેધ ના હોય તો લોકો ખુશીઓના પ્રસંગોના હર્ષ ઉલ્લાસમાં પિતૃઓને વિસરી જાય. આ મારો તર્ક છે. બાકી ધર્મ અને વિધિવિધાનના જાણકારો આ બાબતમાં ઉચિત પ્રકાશ પાડી શકે.
મૂળ વાત પિતૃઓને યાદ કરવાની છે અને લોકો વિવિધ રીતે પોતાના પિતૃઓની યાદોને સાચવે છે.
આજે બે પરિવારોની વાત કરવી છે જેમાં સંતાનોએ આગવી રીતે પોતાના પિતાજીની યાદોને સાચવી છે. એક નડિયાદનું શાહ પરિવાર છે. આ પરિવારના સંજય શાહે એમના પિતાજી સ્વ.નરેન્દ્રભાઇ શાહની યાદમાં ખૂબ જ કાળજી સાથે એક જૂનું, કી-બોર્ડવાળું ટાઇપરાઇટર સાચવી રાખ્યું છે. એ જમાનામાં તેમના પિતાજી ટાઇપ રાઇટિંગમાં એક્કા હતા. એમની સંસ્થા( જે હવે ભૂતકાળ બની ગઈ છે)માં ટાઇપ શીખવાનો ક્રેઝ હતો અને પ્રવેશ મેળવવા લાગવગ લગાવવી પડે એટલો ધસારો થતો. તેઓ નડિયાદમાં 'ટાઈપવાળા’ના નામે ઓળખાતા. તેમણે લગભગ ૪૦ વર્ષ ટાઈપનું શિક્ષણ આપ્યું અને ૧૪ હજારથી વધુ વિદ્યાર્થીઓને ટાઇપ શીખવાડ્યું. તેમની પાસેથી ટાઇપ શીખનાર અંદાજે ૨૫૦ લોકોએ વિવિધ સરકારી નોકરીઓ, ટાઇપમાં મહારતને આધારે મેળવી.
મોરના ઈંડાને ચીતરવા ન પડે એ કહેવત પ્રમાણે સંજય શાહ પોતે ટાઇપના બેતાજ બાદશાહ જેવા હતા અને આજે પણ છે. એમની પાસે એમના પિતાનો ટાઈપનું શિક્ષણ આપતો એકેય ફોટો સચવાયો નથી. પણ એમને પિતાજીની યાદગીરીરૂપે એમનું જૂનું ટાઇપ રાઇટર સાચવી રાખ્યું છે અને તેઓ નવી પેઢીને આ કિંમતી જણસ બતાવી પિતાજીની યાદોને જીવંત રાખે છે.
અહીં એક આડ વાત કરું...સમર્પિત શિક્ષક પંડના સંતાનોનો જ નહીં, તેની પાસે શિક્ષણ પામેલા,ઘડાયેલા હજારો વિદ્યાર્થીઓનો પિતૃ બની જાય છે. વિદ્યાર્થીઓ જીવન ઘડનારા શિક્ષકને યાદ રાખે એ પણ પિતૃ તર્પણ જ ગણાય ને!
બીજાે પરિવાર આમ તો મધ્યપ્રદેશનો મૂળ વતની નર્મદા વિસ્થાપિત પરિવાર છે. એમનું ગામ આંકડિયા ગુજરાતના છેલ્લા ગામ હાંફેશ્વરની બિલકુલ સામે આવેલું હતું.
નર્મદા યોજનામાં ગામ ડૂબાણમાં જતાં આ પરિવાર હાલમાં બોડેલી નજીક કુંડી ઊંચા કલમ વસાહતમાં પુનર્સ્થાપિત થયો છે. આ પરિવારના શ્રી માકાભાઈ પાડવી અને તેમના ત્રણ ભાઈઓએ પોતાના ઘર આંગણે 'પાડવીદાદાનું મંદિર’ સ્થાપિત કર્યું છે.
આ સ્વ.ગારદિયાભાઈ પાડવી એટલે કે પાડવીદાદા એટલે આ ચારેય ભાઈઓના પિતાજી. તેઓ ખૂબ સજ્જન અને ધાર્મિક વૃત્તિવાળા હતા. આ ભાઈઓનું એવું કહેવું છે કે અમારા સંતાનોએ તો દાદાને જાેયા છે. પણ હવે એમના સંતાનોને દાદા સદેહે જાેવા મળવાના નથી. એટલે અમે મંદિર બનાવીને અમારા પિતાજીની પ્રતિમા સ્થાપિત કરી છે. તેમની વિધિવત પૂજાઅર્ચના કરીએ છીએ અને એમની યાદમાં ભજન-ભંડારાનું આયોજન કરીએ છીએ. અમારો આશય અમારી નવી પેઢી, તેમના યશસ્વી પૂર્વજ તરીકે પાડવીદાદાને ઓળખે અને યાદ રાખે એવો છે. આ પરિવાર આમ તો ખૂબ ઓછું ભણેલો પણ પિતૃ તર્પણની ભાવના કેટલી ઊંચી! હા,એમની નવી પેઢી શિક્ષિત થઈ છે જેને તેઓ પિતૃઓ પ્રત્યે અહોભાવ રાખવાની જાણે કે આ રીતે દીક્ષા આપી રહ્યા છે.
પિતૃ સ્મૃતિ જાળવી રાખવાની કેવી ઉમદા ભાવના અને કેવી આગવી રીત. પાડવીદાદાને તેમના મૂળ ગામમાં વસતા ત્યારે હાંફેશ્વરના બ્રહ્મલીન મહંત મોહનદાસજી સાથે આત્મિય સંબંધ હતો અને તેના પગલે તેઓ ધર્મપ્રેમી બન્યા હતા. આજે એ સંસ્કારે તેમના પરિવારને પિતૃ પ્રેમનું આ અનોખું સ્મારક બનાવવાની પ્રેરણા આપી છે.
પિતૃ તર્પણ એ એક ઉમદા ભાવના છે. પરિવાર જુદી જુદી રીતે પોતાના પૂર્વજાેની યાદો સાથે જાેડાયેલા રહેવા તેને અપનાવે છે. તેમાં પિતૃ મંદિર અને પિતાની યાદમાં જૂના ટાઇપ યંત્રની સાચવણીની બે રીતો સાવ અનોખી જણાય છે.