અમદાવાદઃ
રાજ્યના હવામાન વિભાગ દ્વારા ફરી એક વાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 27 મે અને 28 મેના રોજ રાજ્યના વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી ભારે વરસાદ આવવાની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત અને દીવમાં વાતાવરણ સૂકુ રહેશે. અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં વાવાઝોડા સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
હાલમાં દક્ષિણ-પશ્ચિમ દિશાનો પવન નીચલા સ્તરે ફૂંકાઈ રહ્યો છે જેથી ભેજનુ પ્રમાણ સવારે 73 ટકા અને સાંજે 49 ટકા જેટલુ રહે છે. હવામાન ખાતાની આગાહી મુજબ અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશે. વિભાગે વધુમાં જણાવ્યુ કે મહત્તમ તાપમાનમાં આગામી 24 કલાક સુધી કોઈ ફેરફાર થશે નહિ.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં થોડા દિવસ પહેલા જ વાવાજોડુ તૌકતે ત્રાટક્યુ હતુ જેના કારણે રાજ્યમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો. જે બાદ હવે હવામાન ખાતા દ્વારા આગામી બે દિવસ માટે ફરીથી વરસાદની આગાહી કરવામાં આવી છે. થન્ડર સ્ટૉર્મની અસરને પગલે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. બે દિવસ વરસાદ પછી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થશે.
તમને જણાવી દઈએ કે વાવાઝોડાના કારણે થયેલા ભારે વરસાદને પગલે ખેડૂતોને ખૂબ નુકશાન થયુ હતુ. આંબા સહિત બીજા ઘણા પાક લેતા ખેડૂતોને ખૂબ નુકશાન થયુ હતુ તેવા સમયે ફરીથી કમોસમી વરસાદની આગાહીએ ખેડૂતોની ચિંતામાં વધારો કરી દીધો છે.