ગાંધીનગર-
રાજ્યસભાની ખાલી પડેલી 2 બેઠક પર ગુરુવારે દાવેદારી નોંધાવવાનો અંતિમ દિવસ હતો. અંતિમ દિવસે ભાજપનાં બે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે બંને ઉમેદવારોને વિધાનસભાની અંદર જ મેન્ડેટ આપ્યા હતા. જ્યારબાદ બંને ઉમેદવારોએ મોવડી મંડળ સાથે રાજ્યસભાની દાવેદારી નોંધાવી હતી.
દાવેદારી નોંધાવ્યા બાદ રામભાઈ વેકરિયાએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે, મારી આસપાસના લોકો તેમજ મારા પ્રવાસ દરમિયાન જે પણ સવાલો અને સમસ્યાઓ આવશે તે અંગે ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરવામાં આવશે અને તેનો ઝડપથી નિકાલ થાય, તે બાબતને પણ અગ્રિમતા આપવામાં આવશે. જ્યારે ગુજરાતના દરિયાકિનારે સાગર ખેડૂતો અને પાકિસ્તાન દ્વારા અટક કરીને લઈ જવામાં આવે છે, તેવા પ્રશ્નો અને સમસ્યાઓને વધુ મહત્વ આપવામાં આવશે. આમ લોકોનાં પ્રશ્નો સરળતાથી અને ઝડપથી નિવારણ થાય તે બાબતને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે.
ફોર્મ ભરવાની પ્રક્રિયા બાદ રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, મીડિયા તરફથી મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે કે કોંગ્રેસ પાસે બધા સભ્યો ન હોવાના કારણે તેઓ ઉમેદવાર જાહેર કર્યા નથી અને કોઈ પણ વ્યક્તિ કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવશે નહીં. જેથી ભાજપના બંને ઉમેદવારો બિનહરીફ વિજયી થશે. આમ, ચૂંટણી પ્રક્રિયામાં ફોર્મ ચકાસણી બાદ બંને ઉમેદવારોને બિન હરીફ વિજેતા જાહેર કરવામાં આવશે.